Dakshin Gujarat

વલસાડ: ગરબા રમ્યા બાદ મહિલાઓને પોલીસ ઘરે મુકી જશે

વલસાડ: (Valsad) વલસાડમાં નવરાત્રી (Navratri) દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે પોલીસનું (Police) પેટ્રોલિંગ સતત રહેતું જ હોય છે, તેમજ ટ્રાફિક નિયમન માટે પણ પોલીસ જવાનો તૈનાત રહેતા હોય છે, પરંતુ આ વર્ષે વલસાડ પોલીસે (Valsad Police) મોડી રાત્રે મહિલાઓ (Womens) અને યુવતીઓ એકલા ઘરે જવાનું હોય તો તેમને મુકી આવવાનો બંદોબસ્ત પણ કર્યો છે.

  • વલસાડમાંં ગરબા રમ્યા બાદ એકલી પડેલી મહિલાઓને પોલીસ ઘરે મુકી જશે
  • યુવતી કે મહિલાઓ પાસે ઘરે જવા વાહન નહીં હોય તો ચિંતા કરશો નહીં
  • રાત્રે એકલા ઘરે જવાની પરિસ્થિતિ ઉભી થાય તો વલસાડ પોલીસનો સંપર્ક કરો
  • વલસાડ એસપી ડો. કરનરાજ વાઘેલાનું મહિલા સુરક્ષા માટે નવરાત્રીમાં નવું પગલું
  • મહિલા સુરક્ષાની ‘સી’ ટીમ સતત ખડે પગે તૈયાર રહેશે

વલસાડ એસપી ડો. કરનરાજ વાઘેલાએ મહિલા સુરક્ષા માટે નવરાત્રીમાં નવું પગલું ભર્યું છે. જેમાં તેમણે રાત્રી દરમિયાન ગરબા રમવા આવતી યુવતીઓ કે મહિલાઓ જો એકલી પડી જાય અને ઘરે જવાનું હોય તો તેમને પોલીસ બંદોબસ્ત આપવાનું આયોજન કર્યું છે. જો કોઇ મહિલા-યુવતી પાસે વાહનની સુવિધા નહીં હોય તો પણ અને પોતાની પાસે વાહન હોય તો પણ કોઇ ઓળખીતા વિના એકલા ઘરે જવાની પરિસ્થિતિ ઉભી થાય તો તેઓ પોલીસનો સંપર્ક કરી શકે છે. જેના માટે પોલીસે મોબાઇલ નંબર પણ બહાર પાડ્યા છે. આ માટે મહિલા સુરક્ષાની ‘સી’ ટીમ સતત ખડે પગે તૈયાર રહેશે. તેઓ જે તે મહિલાઓને પોતાના વાહનમાં પણ તેમના ઘરે સુરક્ષિત રીતે છોડી આવશે.

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે કેટલાક સુચનો પણ બહાર પાડ્યા
વલસાડ જિલ્લા પોલીસે મહિલા સુરક્ષા માટે કેટલાક સુચનો બહાર પાડ્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે, અજાણી વ્યક્તિ સાથે તમારો મોબાઇલ નંબર શેર ન કરો. ગરબાના મેદાનમાં કોઇ પણ અજાણી વ્યક્તિ સાથે ઓળખ થાય તો તેના દ્વારા અપાયેલું પીણું ન પીવો. સોશિયલ નેટવર્કિંગ થકી પરિચય થયો હોય, તેની સાથે એકલા મળવાનું ટાળો. પોતાના પરિચિત ગૃપમાં જ ગરબા રમવા અને એકાંતવાળી જગ્યા પર જવાનું ટાળવા પોલીસે જણાવ્યું છે.

આ નંબર પર પોલીસનો સંપર્ક કરો

  • 100
  • 02632 253333
  • 8980038001

Most Popular

To Top