SURAT

સુરતના લોકો તિરંગો લઈ રસ્તા પર દોડ્યા, મોરબીના મૃતકોને આપી આ રીતે શ્રદ્ધાંજલિ

સુરત: આજે સોમવારે તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે (Sardar VallabhBhai Patel) દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day) ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે સુરત (Surat) શહેરમાં પોલીસકર્મીઓ દ્વારા એક યુનિટી રનનું આયોજન કરાયું હતું. વહેલી સવારે સુરત શહેરની SVNIT કોલેજ કેમ્પસથી શરૂ થયેલી યુનિટી રનમાં પોલીસ જવાનો, નહેરૂ યુવા કેન્દ્રના યુવાનો, શહેરીજનો જોડાયા હતા. SVNIT કેમ્પસથી કારગીલ વિજય ચોક સુધી અને ત્યાંથી પરત SVNIT કેમ્પસ સુધી યુનિટી રન પરત ફરી હતી. પોલીસ કર્મચારીઓ બેનરો સાથે સાઈબર સેફ સુરત, નો ડ્રગ્સ ઈન સુરત જેવા સ્લોગનો સાથે રેલીમાં જોડાયા હતા.

આ અગાઉ સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તથા પોલીસ કમિશનર અજય કુમાર તોમરે યુનિટી રનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મોરબીમાં બનેલી કમભાગી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા શપથ લીધા હતા. આ પ્રસંગે અધિક પોલીસ કમિશનર, જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ તેમજ સુરત મનપા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
સુરત: રવિવારે સાંજે મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાથી દેશ હચમચી ગયો છે. સુરતમાં પણ તે ઘટનાના ઘેરા પડઘાં પડ્યાં છે. આ કમભાગી દુર્ઘટનામાં 141 લોકો માર્યા ગયાના સમાચાર આવ્યા છે, ત્યારે આજે સવારે નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે મીણબત્તી લઈ પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઘટનામા શોકાતુર પરીવારજનોને સાંત્વના બક્ષતા શહેરીજનો સહીત જે નાગરિકો આ દુર્ઘટનામા મૃત્યુ પામ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ટીએનએઆઈ અને નર્સિંગ પરીવાર સુરત દ્વારા આજરોજ હાથમા મીણબતી પ્રજવલિત કરી બે મિનીટ મૌન પાળવાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનુ આયોજન કરાયું હતું.

મોરબીમાં 141 લોકો માર્યા ગયા
તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે 6.30 કલાકે મોરબીની મચ્છુ નદી પર એક સદી પૂર્વે બનેલો ઝૂલતો પૂલ તૂટી પડતાં (Morbi Accident) નદીમાં પડી જવાના લીધે 141 લોકોના મોત થયા હોવાનો સત્તાવાર આંકડો સામે આવ્યો છે. મોતનો આ આંકડો 190ને પાર પહોંચ્યો હોવાની માહિતી બિનસત્તાવાર રીતે બહાર આવી રહી છે. દરમિયાન 99 મૃતદેહોની ઓળખ થતાં તે મૃતદેહ તેમના પરિવારજનોને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ સોંપી દેવામાં આવ્યા છે.

Most Popular

To Top