World

યુક્રેનના બંદરો પર રશિયાનો હુમલો, મોટા પ્રમાણમાં અનાજનો નાશ, અમેરિકાએ નિંદા કરી

નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચેના યુદ્ધને (War) દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ યુદ્ધનો અંત હજું સુધી આવ્યો નથી. દરમિયાન રોજ નવા હુમલામાં રશિયાએ યુક્રેનના બંદરોને નિશાન બનાવ્યા છે. જેના કારણે બંદરો પર રખાયેલ અનાજનો મોટો જથ્થો નાશ પામ્યો છે. યુક્રેન અને રશિયા મળીને વિશ્વમાં લગભગ 25 ટકા અનાજની નિકાસ કરે છે. આવી સ્થિતિમાં અનાજના નાશને કારણે ઘણાં દેશોમાં અનાજને લઈને સમસ્યાઓ આવી શકે છે. અમેરિકાએ આ હુમલાની નિંદા કરી છે અને આવા હુમલાને અસ્વીકાર્ય ગણાવ્યા છે.

અમેરિકાના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી વેદાંત પટેલે કહ્યું કે રશિયાએ ઓડેસા, રેની અને ઈઝમેલમાં યુક્રેનિયન પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો છે. મોસ્કો વિશ્વભરના જરૂરિયાતમંદ દેશોમાં અનાજને પહોંચતા અટકાવી રહ્યું છે. પટેલે કહ્યું કે પુતિનને વૈશ્વિક ખાદ્ય સુરક્ષાની પરવા નથી. ક્રેમલિન યુક્રેનિયન ખેડૂતો અને વિશ્વભરના જરૂરિયાતમંદ દેશો પર નકારાત્મક અસર કરે છે. રશિયન હુમલાને કારણે ઘણું અનાજ નાશ પામ્યું છે.

4 યુક્રેનિયન સૈનિકો રશિયન સરહદ પાર કરતા માર્યા ગયા
આ દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ વચ્ચે ચાર યુક્રેનિયન લડવૈયાઓ રશિયન સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા માર્યા ગયા હતા. રશિયાએ બુધવારે આ દાવો કર્યો હતો. લડવૈયાઓ ઉત્તરી યુક્રેનથી રશિયન સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રશિયાના પ્રાદેશિક ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝે જણાવ્યું હતું કે ધ્વંસમાં સામેલ લડવૈયાઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે.

રશિયાએ રવિવારે મિસાઈલોનો વરસાદ કર્યો હતો
આ પહેલા રવિવારે યુક્રેનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેનના દક્ષિણ ખેરસન ક્ષેત્ર પર મિસાઈલોનો વરસાદ કર્યો હતો. જેમાં કુલ 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં 23 દિવસની બાળકીનો પણ સમાવેશ થાય છે. રોયટર્સે યુક્રેનના મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે નીપર નદીના કિનારે શિરોકા બાલ્કા ગામમાં રશિયન બાજુથી ભારે તોપમારો થયો હતો, જેમાં એક જ પરિવારના ચાર સહિત પાંચ લોકો માર્યા ગયા હતા.

Most Popular

To Top