Columns

આજની બેન્કો: લૂટેરી દુલ્હનો, દુલ્હાઓની તલાશમાં

રવ મોદી અને મેહુલ ચોકસીનું 12 -13 હજાર કરોડ રૂપિયાનું કાંડ બહાર આવ્યું અને બેન્કોની તેમાં સીધી સામેલગીરી જણાઇ ત્યારે એમ હતું કે હવે સરકાર બરાબર કડક બનશે. બેન્કોના વ્યવહારોમાં જે લોચા-લાપસી હશે તે દૂર થશે કારણ કે આટલી રકમનું કૌભાંડ કંઇ નાનુંસૂનું ન હતું. GSTના એવરેજ કલેકશનમાં આટલી રકમ ઓછી આવે ત્યારે સરકારી અર્થવ્યવસ્થા પણ ડગમગી જાય છે. નીરવ મોદીના કિસ્સામાં રાહુલ ગાંધી સરખા અનપઢને કહેવાનો મોકો મળી ગયો કે તમામ મોદીઓ એક જેવા જ હોય છે.

આ વિધાનના ઉચ્ચારણ બદલ રાહુલ સામે ભિવંડી અને દેશની બીજી અદાલતોમાં કેસ ચાલી રહ્યો છે. એમણે નરેન્દ્ર મોદી, લલિત મોદી અને નીરવ મોદીને એક લાકડીએ હાંકયા હતા તે ખોટું છે પરંતુ એ હકીકત છે કે બેન્ક કૌભાંડોમાં વિજય માલ્યાને અને કાનપુરના કોઠારીઓને બાદ કરતાં મોટા ભાગના ગુજરાતીઓ છે અથવા તો બહારના રાજયોમાંથી આવેલા વેપારીઓએ ગુજરાતમાં બેન્ક કૌભાંડો આચર્યા છે. તેનાથી ગુજરાત અને ગુજરાતીઓની પ્રતિષ્ઠાને જરૂર આંચ આવી છે કારણ કે નીરવ મોદી અગાઉ વડોદરાનું ભોગીલાલ સાંડેસરાનું કુટુંબ, બીજું એક મહેતા કુટુંબ બેન્કોનાં હજારો કરોડ રૂપિયા ગપચાવીને વિદેશોમાં ભાગી ગયા હતા.

નીરવ મોદી અને મેહુલ ચોકસીનો કેસ સૌથી મોટા કેસોમાં ચોથા ક્રમનો હતો અને સરકારને ખૂબ ખરાબ પબ્લિસિટી  મળી હતી. હતું કે આ છેલ્લો કેસ હશે. પણ એ પછી તો પરંપરા આગળ ચાલી. બે દિવાન કુટુંબોએ દિવાન હાઉસિંગ ફાયનાન્સ કંપની (DHFL) ની આસપાસ જે નાણાંકીય ગોબાચારી આચરી તેમાં બેન્કોના લગભગ 35 હજાર કરોડ રૂપિયા કાં ડૂબી ગયા અને કાં સલવાઇ ગયા. નીરવ મોદીના કૌભાંડ કરતાં આ ત્રણ ગણું મોટું કૌભાંડ તેની ચપેટમાં મુંબઇની મહારાષ્ટ્ર એન્ડ પંજાબ બેન્ક તેમ જ યસ બેન્ક આવી ગઇ. મહારાષ્ટ્ર એન્ડ પંજાબ બેન્કના સામાન્ય ખાતાધારકોને આપણે રાતાં પાણીએ રડતા જોયા. DHFLવગેરેના કર્તાધર્તા અને માલિકો કપિલ અને નીરજ વાધવાન ભાઇઓના ફાઇવસ્ટાર દબદબામાં કોઇ ઓટ ન આવી.

 મુંબઇ અને ભારતમાં લોકઆઉટ હતો ત્યારે તેઓને માથેરાન જવાની અને વૈભવી જીવન જીવવાની સરકારે વ્યવસ્થા કરી આપી હતી. ભારતના ઇતિહાસમાં વાધવાન બંધુઓનું આ સૌથી મોટી રકમનું કૌભાંડ ગણાય છે તેના ચકરડામાં યસ બેન્ક આવી ગઇ હતી પણ યેનકેન પ્રકારેણ તેને બહાર કાઢવામાં સત્તાવાળાઓ સફળ રહ્યા હતા. દેશની સામાન્ય જનતાના નાણાં લૂંટાઇ રહ્યા હતા કે સલવાઇ ગયા હતા ત્યારે દિવસો સુધી ન તો સરકાર તરફથી કે ન તો રિઝર્વ બેન્ક તરફથી પ્રજાને સ્પષ્ટતા સાથેનું કોઇ આશ્વાસન આપવામાં આવ્યું હતું.

ખાનગી તેમજ સરકારી બેન્કોએ સરખી માત્રામાં ઇજજત ગુમાવી છે. કદાચ નાણાનાં પ્રમાણમાં વધતા ઓછા હોઇ શકે. પણ જયાં કોઇ જાહેર સંસ્થાની ઇજજત જાય, કોઇ સરકારી તંત્રની ઇજજત જાય અથવા તંત્રને અદાલતો તરફથી ઠપકો અપાય ત્યારે કોઇ તંત્રને વાસ્તવમાં અસર પડતી જ નથી. એવી હેડલાઇન છપાય કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ટીકા કરી. પોલીસે તપાસમાં લાપરવાહી આચરી છે તેમ અદાલતે કહ્યું વગેરે…. વગેરે….. પણ તેથી કોને કયું નુકસાન જાય? આ લખનારે તો કયારેય કોઇને નુકસાન થતું હોય, સજા થતી હોય તેવું જોયું નથી. સલમાનખાનના કેસમાં 13 વરસ બાદ નવો ડ્રાઇવર, જાણે કે કેમિયોનો રોલ ભજવવા આવ્યો હોય તેમ અદાલતી નાટકમાં હાજર કરવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટે એ વાતની નોંધ જ ન લીધી અને તપાસમાં દિલને બહેલાવવાની વૃત્તિ રાખી તે બદલ મુંબઇ પોલીસની ટીકા કરી. મુંબઇ પોલીસ એટલે કોણ? સુપ્રીમે ધાર્યું હોત તો કેસમાં ડ્રાઇવરને પેશ કરનાર પોલીસ અધિકારીને ઘરે બેસાડી શકી હોત. એના સામે કામ ચલાવી શકી હોત. સામૂહિક ઠપકાથી ચલાવી લીધું. આવું બધું જોઇને સામાન્ય માણસને લાગે છે કે શ્રેષ્ઠ કહેવાતી અદાલતોમાં પણ પૈસો બોલે છે. હવે ઘણા પોલીસ અધિકારીઓને કેસમાં એ મુજબ, અર્થાત મરજી મુજબ ડાયવર્ઝન ગોઠવવાની પ્રેરણા મળશે. સુપ્રીમ કોર્ટે જાણીબૂઝીને લાપરવાહી અપનાવી તેનો ઠપકો કોને આપવો? કોણ આપશે?

આવું જ બેન્કોમાં ચાલી રહ્યું છે. દરેક ઘટનાઓ વાર્તાનો અંત બનતી નથી પણ મધ્યાંતર બનીને રહી જાય છે. મેહુલ ચોકસી વેસ્ટ ઇન્ડિઝમાં બોટ ચેઇઝ (રેસ), કાર ચેઇઝ, ધરપકડ અને છૂટકારો જેવી દિલધડક ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો ત્યારે ગુજરાતની બેન્કો એક ચરુમાં એક નવું અને ઘણું મોટું કૌભાંડ રાંધી રહી હતી. એ બીજી શિપયાર્ડ કંપનીએ બેન્કોના 23 હજાર કરોડ રૂપિયા ગયા ઉનાળામાં કયાંય પાણી ન હતું (પન અથવા કલેષ અભિપ્રેત છે) ત્યારે ડૂબાડી દીધા છે. ABG શિપયાર્ડનો માલિક ઉત્તર ભારતનો રિષી અગ્રવાલ છે. કુલ 28 બેન્ક વતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ABG સામે ફરિયાદ નોંધાવી છે. આ ગોટાળાને બેન્કોનો સૌથી મોટો ગોટાળો ગણવામાં આવે છે, વાસ્તવમાં તેને બેન્ક અધિકારીઓ દ્વારા સૌથી મોટી લૂંટ અથવા ધાડ તરીકે ઓળખવી જોઇએ.

અધિકારીઓ લૂંટવાના ઇરાદે અને લૂંટમાંથી મલાઇ ખાવાના ઇરાદે તેમાં સક્રિય સાથ આપે છે. જે મેનેજરો, અધિકારીઓ તેમાં સામેલ હોય તેઓના બંગલા, જાયદાદ, જમીનો, સગાંવહાલાંના નામની મિલકતો કાયમ માટે સરકારી તાબામાં લઇ લેવામાં આવે. તેઓને રસ્તા પર રઝળવાની ફરજ પડાય, ઉત્તર પ્રદેશના યોગીજીની માફક તો જ પ્રજાના નાણાં લૂંટવાનો આ ક્રમબધ્ધ ઉપક્રમ બંધ થશે પણ નાણાંનું એ  પગેરું કોઇ રાજદ્વારીઓ, નેતાઓના દ્વાર સુધી પહોંચતું હોય તો સારી વાત છે કે લોકો બેન્કોમાં નાણાં રોકવાનું બંધ કરે. તે પણ એક દેશસેવા જ ગણાશે. આજે નાણાંરોકાણના બીજા ઘણા સારા માર્ગો છે.

Most Popular

To Top