Columns

પ્રયોગો કરવા માટે દર વર્ષે ૩૦ કરોડ નિર્દોષ પ્રાણીઓનો ભોગ લેવાય છે

દવાઓ બનાવતી મલ્ટીનેશનલ કંપની હેક્સ્ટે તાજેતરમાં અમેરિકન સરકારને અરજી કરી હતી કે તે પોતાની ફેક્ટરીમાં એક ભઠ્ઠી ઊભી કરવા માંગે છે, જેની ક્ષમતા દર વર્ષે ૨૪૦ ટન પ્રયોગશાળાનાં મૃત પ્રાણીઓનાં નકામાં થઇ ગયેલાં શરીરોને બાળવાની હોય.

આ વાતની જાણ જ્યારે પ્રાણીઓના હકો માટે લડતી એક સંસ્થાને થઇ ત્યારે તેમણે કંપનીને પૂછ્યું કે ‘તમે દર વર્ષે કઇ જાતનાં, કેટલાં પ્રાણીઓનો સંહાર કરો છો?’ ત્યારે તેણે આ માહિતી આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે, ‘એ તો ખાનગી વાત છે.’  આજે હેકસ્ટ જેવી અનેક મલ્ટીનેશનલ કંપનીઓની દવા આપણા દેશમાં પણ વેચાય છે, જે તૈયાર કરવા માટે જીવતાં પ્રાણીઓ ઉપર પ્રયોગો કરવામાં આવ્યા હોય અને તેમને રીબાવી રીબાવીને મારવામાં આવતાં હોય. આ પ્રયોગો કરવા માટે જંગલમાંથી પ્રાણીઓ પકડવામાં આવે છે અથવા તો તેનો વાડાઓમાં ઉછેર પણ કરવામાં આવે છે.

આ રીતે પ્રાણીઓ તૈયાર કરી ફાર્માસ્યુટિકલ કંપનીઓને વેચવાનો પણ અબજો ડોલરનો ઉદ્યોગ ચાલે છે અને વિદેશી કંપનીઓ આ રીતે લાખો પ્રાણીઓનો સંહાર કરીને નફો રળે છે. અમેરિકાની ચાર્લ્સ રીવર્સ નામની મલ્ટીનેશનલ કંપની દર વર્ષે કરોડોની સંખ્યામાં ઉંદરો અને બીજાં પ્રયોગશાળાનાં પ્રાણીઓ પેદા કરે છે અને વિશ્વભરના દેશોમાં તેની નિકાસ કરે છે. આ કંપની દર વર્ષે ૧૨૦ લાખ ડોલર (આશરે ૭૨ કરોડ રૂપિયા) નો નફો કરે છે.  આ કંપની પોતાના ‘માલ’નું વેચાણ ઇન્ટરનેટ ઉપર પણ કરે છે.

આધુનિક દેશોમાં પ્રયોગો કરવા માટે જીવાણુરહિત પ્રાણીઓની ખૂબ જ ડિમાન્ડ છે. આ કારણે આવાં પ્રાણીઓ સપ્લાય કરતી કંપનીઓનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. આવાં પ્રાણીઓ પેદા કરવા માટે પ્રાણીનું બચ્ચું ગર્ભમાં હોય ત્યારથી જ તેને માતાના ગર્ભાશયમાંથી દૂર કરી કાચના જીવાણુમુક્ત વાસણમાં મોટું કરવામાં આવે છે.

અમુક પ્રાણીઓના ઉછેરનારાઓ હવે ઓર્ડર મુજબની બીમારીઓ ધરાવતાં પ્રાણીઓ પણ સપ્લાય કરી રહ્યા છે. દાખલા તરીકે કોઇ દવા બનાવનારી કંપની જો મનુષ્યોને થતા સંધિવાતના રોગ માટે દવા બનાવી રહી હોય તો તેને સંધિવાતથી પીડાતા પ્રાણીની જ જરૂર હોય છે. આ માટે તેણે કોઇ જ પળોજણ કરવી નથી પડતી.

પ્રાણીઓ પેદા કરતી કંપની અમુક પ્રાણીઓના સાંધામાં ઝેરી ઇન્જેક્શન આપી તેમનામાં સંધિવાતનાં લક્ષણો પેદા કરે છે અને પછી તે પેલી દવા બનાવતી કંપનીને વેચી દે છે. આ કંપનીઓ ક્યારેય એવો વિચાર નથી કરતી કે પ્રાણીઓમાં કૃત્રિમ રીતે પેદા થયેલી બીમારી માટે જે દવા અસરકારક હોય તે મનુષ્યમાં કુદરતી રીતે પેદા થયેલી બીમારીમાં ફાયદો કરે એવું જરૂરી નથી. 

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક ઉંદરના જનીનમાં ફેરફારો કરીને કેન્સરગ્રસ્ત ઉંદર પેદા કર્યો હતો. પેટન્ટના કાયદા મુજબ જીવતાં પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર પેટન્ટ મળી શકે નહીં પણ આ ઉંદરને તેમને સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રના સંશોધનના ઓઠા હેઠળ પેટન્ટ કરાવી લીધો.

આ રીતે હાર્વર્ડ યુનિવર્સિટીને કેન્સરગ્રસ્ત ઉંદર માટે ૪૭૩૬૮૬૬ નંબરની પેટન્ટ મળી ગઇ. આ પેટન્ટ તેમણે ડુ પોન્ટ નામની મલ્ટીનેશલન કંપનીને વેચી દીધી. ડુ પોન્ટ કંપનીએ હવે “ઓન્કોમાઉસની બ્રાન્ડનેમ હેઠળ આવા કરોડો ઉંદરો પેદા કરવાનું શરૂ કર્યું છે.

વિશ્વભરની જેટલી કંપનીઓ કેન્સરની દવા ઉપર સંશોધન કરી રહી છે તેઓ હવે ડુ પોન્ટ પાસેથી પોતાની જરૂરિયાત મુજબ ઓન્કોમાઉસ ખરીદી શકે છે.  હવે જીવતાં પ્રાણીઓની પેટન્ટના દરવાજા ખુલી ગયા છે.

આજે કોઇ પણ વિજ્ઞાનીએ નવી દવા શોધી હોય અને તેના પ્રયોગો કરવા હોય તો તેને પ્રયોગશાળામાં ઉંદરોની અચૂક જરૂર પડે છે. આધુનિક વિજ્ઞાનમાં એવું માની લેવામાં આવ્યું છે કે માનવશરીર અને મૂષકશરીર વચ્ચે ખૂબ જ સામ્ય હોવાથી જે પ્રયોગો ઉંદરના શરીર ઉપર સફળ થશે તે માણસને પણ એટલા જ લાગુ પડશે.

આ માન્યતાને કારણે આજે દુનિયાભરમાં કરોડો ઉંદરોનો સંહાર થાય છે. અમેરિકા જેવા દેશોમાં તો સંશોધનકાર્ય કરતી વિવિધ પ્રયોગશાળાઓને ઉંદરનો પુરવઠો પૂરો પાડવા માટે અનેક વિરાટ કંપનીઓ પણ ઊભી થઇ ગઇ છે, જેઓ ઇન્ટરનેટ ઉપર પોતાની ચિક્કાર જાહેરખબરો પણ આપે છે.

ભારતમાં પણ પ્રયોગશાળામાં ઉંદરો સપ્લાય કરવા માટે ઠેકેદારોને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવે છે, જેઓ જંગલમાંથી ઉંદર પકડી લાવી લેબોરેટરીઓમાં સપ્લાય કરે છે. પ્રયોગશાળામાં ઉંદરોને રાખવા માટે વાયર, પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલના વિવિધ આકાર અને કદનાં પાંજરાંઓ વપરાય છે, જેના સપ્લાયરો પણ આ ધંધામાંથી નફો કરે છે.

ઉંદરોને ખાવા માટે ખોરાક પાંજરા સુધી પહોંચાડતાં ઓટોમેટિક મશીનો, પાણી છાંટવા માટેનાં મશીનો અને પાંજરાં સાફ કરવા માટેનાં મશીનોની પણ તેમાં જરૂર પડે છે. પ્રયોગશાળાના ઉંદરોને ખવડાવવા માટે અનેક જાતના ખોરાકો બજારમાં મળે છે અને તેનું ઉત્પાદન કરવા માટે અનેક કંપનીઓ અઢળક નફો કરી રહી છે.

ઉંદરો ઉપર પ્રયોગો કરવા માટે વીજળીના આંચકા આપવા માટેનાં યંત્રો, શટલ બોક્સ, ઇલેક્ટ્રોડ વગેરેની પણ જરૂર પડે છે. આ ઉપરાંત થર્મોમીટર, માપવાનાં યંત્રો, ઉંદરોને બેભાન કરવા માટેની દવાઓ,  સ્ટોપ ક્લોક, માઇક્રોમેનિપ્યુલેટર વગેરેની પણ ખરીદી કરવી પડે છે.

ઉંદરોના ગળામાં પરાણે દવા ઘુસાડી દેવા માટે સિરિંજની મગજમાં કાણાં પાડવા માટે ડ્રિલિંગ મશીનની અને અને મરેલા મૂષકને બાળી નાંખવા માટે ઇન્સિનરેટરની પણ જરૂર રહે છે. આ બધી ચીજવસ્તુઓ બનાવનારાઓ આ ઉદ્યોગમાંથી બેહદ કમાણી કરે છે.

અમેરિકાસ્થિત ‘ઇન્ટરનેશનલ એસોસિયેશન અગેઇન્સ્ટ પેઇન્ફુલ એક્સપરિમેન્ટ્સ ઓન એનિમલ્સ’ નામની સંસ્થાએ માનવશરીર અને મૂષકશરીર વચ્ચે કેટલા તફાવતો છે, તેની યાદી બહાર પાડી છે, જે વાંચનારને ખાતરી થઇ જાય છે કે ઉંદરો ઉપર કરવામાં આવેલા પ્રયોગો માનવજાત માટે ક્યારેય ઉપકારક બની શકતા નથી.

માણસના શરીરમાં જે વધારાની ચરબી હોય છે તે લોહીની નળીઓમાં જામી જાય છે, જેને કારણે માણસને હૃદયરોગ થાય છે. ઉંદરને હૃદયરોગનો હુમલો નથી આવતો, કારણ કે તેના શરીરમાં વધારાની ચરબી કલેજામાં જમા થાય છે.

ઉંદરનું આયુષ્ય ત્રણ જ વર્ષનું હોય છે, જ્યારે માણસનું સરેરાશ આયુષ્ય  ૭૨ વર્ષ જેટલું હોય છે. ઉંદરને ત્રણ વર્ષની જિંદગીમાં ૭૨ વર્ષની દવાઓ આપવાથી તેની અલગ પ્રકારની અસર જ પેદા થાય છે.

ઉંદરના શરીરમાં ઇમ્યુરાન નામનો પદાર્થ હોય છે, જેને કારણે જન્મથી જ અમુક ખોડખાંપણો પેદા થાય છે. માણસના શરીરમાં આવો કોઇ પદાર્થ જોવા મળતો નથી. ઉંદરો પોતાના શરીરમાં વિટામીન-સી પેદા કરે છે, જ્યારે માણસ તે માત્ર ખોરાકના માધ્યમથી જ પ્રાપ્ત કરી શકે છે.

કેન્સર માટેની કેટલીક સારવારપદ્ધતિઓ ચકાસવા માટે ઉંદરો ઉપરના પ્રયોગોને જો આધારભૂત માનવામાં આવે તો તેનાથી માનવજાતને મોટું નુકસાન થઇ શકે છે. દાખલા તરીકે કેન્સર માટે અજમાવવામાં આવતી કેમોથેરપીથી ઉંદરને કંઇ જ નથી થતું પણ માણસના શરીરને ભારે નુકસાન થઇ શકે છે.

ઉંદરની માદા જો સતત ગર્ભવતી રહે તો તેને કંઇ જ નુકસાન થતું નથી પણ માનવ માદાને તેથી જરૂર નુકસાન થાય છે.ઉંદરના પોતાના એપેન્ડિક્સમાં વિટામીન બી નું ઉત્પાદન કરે છે, પણ માણસ પોતાના કલેજામાં આ વિટામીન બનાવે છે.

ઉંદરને કોઇ પણ દવા આપવામાં આવે તો પેશાબ વાટે ત્રણ કલાકમાં તે દવાનો નિકાલ થઈ જાય છે, જ્યારે માણસના શરીરને દવાનો નિકાલ કરતાં ૭૨ કલાક લાગે છે. આ કારણે દવાથી નુકસાન થવાની સંભાવના વધી જાય છે.

ઉંદર સૂર્યપ્રકાશ ૧૫ મિનિટથી વધુ સહન કરી શકતા નથી, જ્યારે માણસો કલાકો સુધી તડકો સહન કરી શકે છે. ઉંદરને જો ક્લોરોફોર્મનો નાનકડો ડોઝ પણ આપવામાં આવે તો તેનું મોત થઇ જાય છે. માણસ તેનાથી માત્ર બેભાન જ થઇ  જાય છે. ઉંદરોને ગોલ બ્લેડર જ નથી હોતું, જેને કારણે તેઓ ચરબીયુક્ત ખોરાકનું અલગ રીતે જ પાચન કરે છે.

થેલિડોમાઇડ નામની ઊંઘની દવા ઉંદરને કંઇ જ નુકસાન નથી કરતી, પણ માણસમાં આનુવંશિક ખોડખાંપણ પેદા કરે છે. જો કોઇ મલ્ટીનેશનલ કંપની ઉંદરો ઉપર પ્રયોગો કરીને થેલિડોમાઇડને બિનહાનિકારક સાબિત કરે તો તેની ઉપર ભરોસો મૂકી શકાય નહીં. આટલી હિંસા કર્યા પછી જે દવાઓનું ટેસ્ટિંગ ઉંદરો ઉપર કરવામાં આવ્યું હોય તે માનવજાત માટે સલામત જ હશે, તેની કોઇ ગેરન્ટી ખરી? વિવિસેક્સનના વિરોધીઓ આ સવાલનો જવાબ સ્પષ્ટ ‘ના’માં આપે છે.

દાખલા તરીકે પ્રુસિક એસિડ ઉંદરો માટે સલામત છે, પણ માનવજાતને તે નુકસાન કરી શકે છે. આર્સનિક માણસ માટે ઝેરી છે પણ ઘેટાંબકરાં માટે તે બિનહાનિકારક છે. માણસને જો સાઇનાઇડ આપવામાં આવે તો તેનું તત્કાળ મરણ થઇ જાય છે, પણ ઘુવડ ઉપર તેની કંઇ જ અસર થતી નથી.  પ્રયોગશાળામાં માત્ર પ્રયોગો કરવા માટે જ દર વર્ષે આશરે ૩૦ કરોડ પ્રાણીઓનો ભોગ લેવામાં આવે છે. પ્રાણીઓ પ્રત્યેની આ ક્રૂરતા અટકવી જોઇએ.

          – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top