Editorial

અમેરિકામાં નોકરી ગુમાવી ચુકેલા ભારતીય આઇટી કર્મચારીઓના હાથમાંથી સમય સરકી રહ્યો છે

અમેરિકામાં ગયા વર્ષથી મોટી આઇટી અને સોશ્યલ મીડિયા જેવી કંપનીઓમાં છટણીઓનો દોર શરૂ થયો જે આ વર્ષે પણ ચાલુ જ રહ્યો અને અત્યાર સુધીમાં તો બે લાખથી વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે. અને આ છૂટા કરાયેલા કર્મચારીઓમાં ભારતથી ગયેલા કર્મચારીઓનું પ્રમાણ ઘણુ મોટું છે. અમેરિકામાં જેમને નોકરીઓમાંથી છૂટા કરાયા છે તેવા એચ-૧બી વિઝા ધારકોના હાથમાંથી સમય સરકી રહ્યો છે કારણ કે વર્તમાન કાયદાઓ મુજબ આ વિઝા ધારકો જો તેમનો નોકરી દરજ્જો ગુમાવે તો તેમણે ૬૦ દિવસની અંદર અમેરિકા છોડી દેવું પડે છે, આના કારણે હજારો ભારતીય ટેક કામદારો અને તેમના કુટુંબીજનો માટે રાતો ઉજાગરાભરી બની ગઇ છે.

આ તેમના પર એક માનવીય અસર છે કારણ કે તેમના કુટુંબીજનો, જેઓ તેમના અમેરિકામાં જન્મેલા બાળકો સહિત મૂળિયામાંથી ઉખડી ગયા છે અને જેમને શરૂઆતના મહિનાઓમાં નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે તેમના હાથમાંથી હવે સમય સરકી રહ્યો છે એમ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ(એફઆઇઆઇડીઝ) દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે જે સંગઠને આવા ભારતીયોના કેસો સાંસદો અને ફેડરલ તંત્ર સમક્ષ ઉપાડ્યા છે. જ્યારે અમેરિકી નાગરિકત્વ અને ઇમિગ્રેશન સેવાને વર્તમાન ટાઇમ વિન્ડોને ૧૮૦ દિવસ સુધી લંબાવી આપવાની વિનંતી પણ કરવામાં આવી છે.

ગયા વર્ષથી અમેરિકામાં ૨૦૦૦૦૦ કરતા વધુ આવા નોકરીયાતોને છૂટા કરાયા છે. આ આંકડો વધવાનું ચાલુ રહ્યું છે જ્યારે મેટા જેવી કંપનીઓ હજી પણ હજારો છટણીઓની જાહેરાત કરી રહી છે એમ એફઆઇઆઇડીએ જણાવે છે. છૂટા કરાયેલા કર્મચારીઓમાં ભારતીયોની સંખ્યા નોંધપાત્ર મોટી છે. આ પ્રોફેશનલોમાંથી મોટા પ્રમાણમાં કર ભરતા એચ-૧બી ઇમિગ્રન્ટો(અંદાજે એક લાખ) છે, ખાસ કરીને ભારતમાંથી આવેલા છે, અને તેઓ તેમના એચ-૧બી માટે ૬૦ દિવસની અંદર અન્ય એમ્પ્લોયર ફાઇલિંગ નહીં કરે તો તેમણે અમેરિકા છોડવું પડે તેમ છે એ મુજબ આ સંગઠને જણાવ્યું હતું.

આ ઇમિગ્રન્ટો અંગે અગાઉ પણ તેમને માટે ગ્રેસ પિરીયડ લંબાવી આપવાની રજૂઆત કરાઇ હતી અને હવે ટેક ઉદ્યોગમાં મોટા પાયે કર્મચારીઓને છૂટ કરવાની બાબતથી ચિંતીત એવા સિલિકોન વેલીના સાંસદોના એક જૂથે અમેરિકી ઇમિગ્રેશન એજન્સીને પત્ર લખીને રજૂઆત કરી છે કે ઉચ્ચ કુશળતાયુક્ત એચ-૧બી વિઝા ધારક એવા ઇમિગ્રન્ટો, જેમાં ભારતીયોનું મોટું પ્રમાણ છે તેઓ તેમની નોકરીઓ ગુમાવાયા પછી પણ અમેરિકામાં રહી શકે. ભારતીયો સહિત હજારો હાઇલી સ્કિલ્ડ વિદેશી કામદારોએ અમેરિકામાં તાજેતરના સમયમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી શ્રેણીબધ્ધ છટણીઓમાં તેમની નોકરીઓ ગુમાવી છે.

અમેરિકી મીડિયા અહેવાલો પ્રમાણે, ગયા વર્ષના નવેમ્બરથી અત્યાર સુધીમાં બે લાખ જેટલા આઇટી કામદારોએ તેમની નોકરીઓ ગુમાવી છે. આ ઉદ્યોગના અંદરના જાણકાર સૂત્રો જણાવે છે કે આમાંથી ૩૦થી ૪૦ ટકા કામદારો ભારતીય આઇટી વ્યવસાયિકો છે, જેમાંથી નોંધપાત્ર સંખ્યા એચ-૧બી અને એલ૧ વિઝા ધારકોની છે. આ ભલામણ પત્ર અમેરિકી સંસદના ગૃહ કોંગ્રેસના સભ્યો ઝો લોફગ્રેન, રો ખન્ના, જીમ્મી પેનેટ્ટા અને કેવિન મુલિન દ્વારા લખવામાં આવ્યો છે. અમેરિકી સાંસદો દ્વારા તંત્રને કરાયેલી વિનંતીની કેટલી અસર થાય છે તે હવે જોવાનું રહે છે.

અત્યારે વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓ ઉપરાંત ફેસબુક જેવી સોશ્યલ મીડિયા કંપનીએ પણ મોટા પ્રમાણમાં કર્મચારીઓને છૂટા કર્યા છે. એમેઝોન જેવી ઓનલાઇન ટ્રેડિંગ કરતી કંપનીએ તો વિશ્વભરમાં અનેક દેશોમાં તેના કર્મચારીઓની છટણીઓ કરી છે. આમાં પોતાના જ દેશમાં છટણીનો ભોગ બનેલા કર્મચારીઓની સ્થિતિ ઓછી દુ:ખદ છે પરંતુ મોટી આશાઓ લઇને અમેરિકા ગયેલા અને ત્યાં મોટી કોઇ મોટી કંપનીમાં આઇટી જોબ મેળવીને ખુશ થઇ રહેલા કર્મચારીઓ માટે સ્થિતિ ઘણી દુ:ખદ છે. મોટો ખર્ચ કરીને અમેરિકા ગયા બાદ આ રીતે છટણીનો ભોગ બનીને પાછા આવવું પડે તે એક મોટા ફટકાની બાબત છે. ગ્લોબલ ઇન્ડિયન ટેકનોલોજી પ્રોફેશનલ એસોસીએશનના સ્થાપક ખંડેરાવ કાંડ કહે છે કે મોટા ભાગના ભારતીયો માટે આ અણધારી સ્થિતિ છે.

આવી રીતે છટણીનો તેમને પ્રથમ અનુભવ છે. ઘણા કર્મચારીઓ અત્યારે ઘાંઘા થઇને નવી નોકરી શોધી રહ્યા છે. અને તેમની આ સ્થિતિનો લાભ ઉઠાવીને કેટલીક નાની કંપનીઓ તેમને ખૂબ ઓછા પગારે નોકરીએ રાખીને તેમનું શોષણ કરે તે સ્થિતિનો પણ ઇન્કાર કરી શકાય તેમ નથી. જો કે બીજા વિકલ્પો પણ છે – જેમ કે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવી કે પછી એચ૧-બી ધારકના જીવનસાથી તરીકેની અરજી કરવી, જે તેમને થોડો વધુ સમય રોકાવાની સગવડ આપી શકે છે અને જેમને આ વિકલ્પો મળી શકતા હોય તેમણે આવા વિકલ્પોનો લાભ લીધો પણ હોય તેમ લાગે છે પરંતુ આ હંગામી છે. નોકરી ગુમાવી ચુકેલા એચ-૧બી વિઝા ધારક ભારતીયો જો ઝડપથી બીજી સારી નોકરી નહીં મેળવી શકે અને સરકાર ગ્રેસ પિરિયડ પણ નહીં લંબાવે તો તેમના માટે સ્થિતિ વધુ કફોડી બનશે.

Most Popular

To Top