Madhya Gujarat

પરિણીતાને સંતાન ન થતાં પતિએ ત્રાસ આપી કાઢી મુકી

આણંદ : બાલાસિનોરના સલિયાવડી ગામના યુવક સાથે 18 વર્ષ પહેલા લગ્ન કરનાર સલિયાવડીની પરિણીતાને સંતાન ન થતાં ત્રાસ આપી ઘરેથી કાઢી મુકી હતી. આ ઉપરાંત ધંધો કરવા માટે પિયરમાંથી દોઢ લાખ રૂપિયા લાવી આપતાં પતિએ દારૂનો ધંધો શરૂ કરી દીધો હતો. આથી, પરિણીતાએ ઠપકો આપતા તેને મારમારી ઘરેથી કાઢી મુકી હતી. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ આપી હતી. લુણાવાડાના થાણાસાવલી ગામે રહેતા નયનાબહેન સોમાભાઈ સોલંકીના લગ્ન 2003માં બાલાસિનોરના સલિયાવાડી ગામે રહેતા કિરણસિંહ ભીખાભાઇ ઝાલા સાથે થયાં હતાં.

લગ્ન બાદ શરૂઆતના પાંચ વર્ષ સારી રીતે રાખ્યા બાદ પતિ સહિત સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. નયનાબહેનને તું વાંઝણી છે, તેમ કહી મારઝુડ કરી પિયર મોકલી દેતાં હતાં. જોકે, સંસાર ન બગડે તે માટે નયનાબહેન મુંગે મોંઢે ત્રાસ સહન કરતાં હતાં. આમ છતાં સાસરિયાના વર્તનમાં કોઇ ફેર પડતો નહતો. પતિ કિરણસિંહ કોઇ કામ ધંધો કરતો નહતો અને પિયરમાંથી નાણાં લાવવા દબાણ કરતો હતો. આથી, નયનાબહેને રૂ.50 હજાર અને એક લાખ મળી કુલ દોઢ લાખ રૂપિયા પિયરમાંથી લાવી કિરણસિંહને ધંધો કરવા આપ્યાં હતાં. પરંતુ કિરણસિંહે આ રકમમાંથી દારૂનો વ્યવસાય શરૂ કરી દીધો હતો.

આ અંગે જાણ થતાં નયનાબહેને ઠપકો આપતા કિરણસિંહ ઉશ્કેરાઇ ગયો હતો અને તું મને બદનામ કરે છે. તેમ કહી મારમારી ભાઈના ઘરેથી વધુ નાણાં લાવવા દબાણ કરતો હતો. આખરે ત્રાસથી કંટાળી આઠ વરસ પહેલા નયનાબહેન પિયર આવી ગયાં હતાં. આ અંગે પતિ કિરણસિંહ ઝાલા, સસરા ભીખાભાઈ ઝાલા, બયજીબેન ઝાલા, દિપસિંહ ઝાલા, રાધેસિંહ ઝાલા, મનિષાબેન ઝાલા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top