Editorial

વૈશ્વિક અર્થતંત્રની મુશ્કેલીઓ આવતા વર્ષે પણ ચાલુ જ રહેશે

ચીનમાં ૨૦૧૯ના અંતમાં કોવિડના રોગચાળાની શરૂઆત થઇ અને ૨૦૨૦ના પ્રારંભ સાથે વિશ્વભરમાં આ રોગચાળો ફેલાવા માંડ્યો અને પછી તો દુનિયામાં તેણે ખળભળાટ મચાવી દીધો ત્યારથી વૈશ્વિક અર્થતંત્રમાં શરૂ થયેલી  મુશ્કેલીઓ હજી શમવાનું નામ લેતી નથી. કોવિડનો રોગચાળો કંઇક ધીમો પડ્યો હતો કે ૨૦૨૨ના ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થઇ ગયું. કોવિડના રોગચાળાને કારણે અનેક દેશોમાં લૉકડાઉન જેવા કારણોસર આર્થિક  પ્રવૃતિઓ વ્યાપક ખોરવાઇ, રોગચાળો ધીમો પડ્યા બાદ અર્થતંત્રો ખૂલવા માંડ્યા પછી વૈશ્વિક અર્થતંત્ર ધીમે ધીમે થાળે પડી રહ્યું હતું ત્યાં રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો અને આ યુદ્ધને કારણે વિશ્વભરમાં ફુગાવો વધ્યો,  અનેક ચીજવસ્તુઓના ભાવો વ્યાપક વધ્યા, પશ્ચિમી દેશોને તો આની વ્યાપક અસર થઇ.

આમ પણ ત્યાં રોગચાળા પછી સપ્લાય ચેન ખોરવાવાને કારણે મુશ્કેલીઓ હતી જ ત્યાં યુદ્ધ જન્ય ફુગાવાએ સ્થિતિ ઓર બગાડી. હજી યુક્રેન  યુદ્ધ છુટક છુટક હુમલાઓના સ્વરૂપમાં ચાલુ જ છે ત્યાં ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી નવી લડાઇ શરૂ થઇ ગઇ અને તેણે વૈશ્વિક અર્થતંત્ર માટે નવી ચિંતાઓ ઉભી કરી છે. આના વચ્ચે આઇએમએેફે ચેતવણી આપી છે કે  આવતા વર્ષ એટલે કે ૨૦૨૪ના વર્ષમાં વૈશ્વિક આર્થિક વિકાસ વધુ ધીમો પડશે. વૈશ્વિક અર્થતંત્રે ઉંચા વ્યાજ દરો, યુક્રેન પરના આક્રમણ અને પહોળી થતી ભૂરાજકીય ખાઇઓની અસરથી ગતિ ગુમાવી છે અને હવે ઇઝરાયેલ અને  હમાસ ઉગ્રવાદીઓ વચ્ચેના યુદ્ધને કારણે નવી અચોક્કસતાનો સામનો કરી રહ્યું છે એમ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે મંગળવારે ચેતવણી આપી હતી.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે ૨૦૨૪ના વર્ષમાં વૈશ્વિક આર્થિક વિકાસ ૨.૯ ટકાના દરે થશે, જે આ વર્ષે જેની અપેક્ષા રાખવામાં આવે છે તે ૩ ટકાના વિકાસદર  કરતા ધીમો હશે. આવતા વર્ષ માટેની આ આગાહી જુલાઇમાં આઇએમએફે જે ૩ ટકાની આગાહી કરી હતી તેના કરતા એક બિંદુ નીચી છે. આ ધીમો પડેલો વિકાસ એવા સમયે આવ્યો છે કે જ્યારે વિશ્વ હજી ૨૦૨૦ની  કોવિડ-૧૯ની વિનાશક પરંતુ ટૂંકી રહેલી મંદીમાંથી બહાર આવ્યું નથી અને હવે તે મધ્ય પૂર્વના સંઘર્ષની અસરો જોઇ શકે છે.

ખાસ કરીને ઓઇલની કિંમતો પર તેની અસર જોવાઇ શકે છે. અગાઉના આંચકાઓની શ્રેણી, જેમાં  રોગચાળા અને યુક્રેનમાં રશિયાના યુદ્ધનો સમાવેશ થાય છે તેણે છેલ્લા ત્રણ વર્ષમાં વિશ્વભરના આર્થિક ઉત્પાદનને કોવિડ પહેલાના પ્રવાહોની સરખામણીમાં ૩.૭ ટ્રિલિયન ડોલર જેટલું ઘટાડી નાખ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર લંગડાતુ  ચાલે છે, દોડી રહ્યું નથી એમ આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિઅરે-ઓલિવિયર ગૌરિન્શાસે હાલમાં આ સંગઠનની વાર્ષિક બેઠક દરમ્યાન કહ્યું હતું. જો કે આ અર્થશાસ્ત્રીએ એ  જણાવ્યું ન હતું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે  ચાલી રહેલા યુદ્ધની કેટલી અસર વૈશ્વિક આર્થિક વિકાસ પર થશે. પરંતુ લાગે છે કે આ લડાઇ જો લાંબી ચાલે તો તેની નોંધપાત્ર અસર થઇ શકે છે.

મધ્ય પૂર્વની કોઇ પણ લડાઇ વખતે સૌથી મોટી ચિંતા ઓઇલના પુરવઠાની  હોય છે અને ક્રૂડ ઓઇલના ભાવો વધવાની હોય છે જે વૈશ્વિક અર્થતંત્ર પર હજી પણ નોંધપાત્ર પ્રભાવ પાડતું એક પરિબળ છે. ઇઝરાયેલ-હમાસની લડાઇ શરૂ થયા બાદ ઓઇલના ભાવો થોડા તો ઉછળ્યા જ છે. જો કે એક  કોમોડિટીઝ વિશ્લેષકે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઓઇલની કિંમતોમાં વધારો મંદ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે મહત્વના ઓઇલ ઉત્પાદકો જેવા કે સાઉદી અરેબિયા, યુએઇ, કુવૈત અને ઇરાકે હમાસને ટેકો આપ્યો નથી તેના  પરથી એવી શક્યતાઓ ઓછી જણાય છે કે તેઓ યુદ્ધના પ્રતિસાદમાં પુરવઠો નિયંત્રિત કરશે. આ લડાઇની અસર વિશ્વભરના શેરબજારો પર પણ મર્યાદિત રીતે થઇ અને સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે તો વિશ્વભરના મોટાભાગના શેરબજારો ગગડી ગયા.

વિશ્વના અનેક દેશોના વ્યાપારનું વોલ્યુમ ઘટ્યું છે. સૌથી નોંધપાત્ર ઘટાડો ચીનમાં થયો છે. ચીનની નિકાસો આ જુલાઇમાં તો ૪.૮ ટકા ઘટી ગઇ હતી. યુરોપિયન ઝોનની નિકાસો પણ ૧.૯ ટકા જેટલી ઘટી છે જ્યારે અમેરિકાની આયાત ૩.૨ ટકા ઘટી છે જે અનેક નિકાસકાર દેશોના વેપારને અસર કરનારી છે. અમેરિકામાં તો આ વર્ષે અનેક કંપનીઓએ નાદારી માટેની અરજી પણ કરી છે અને અમેરિકા ધીમી ગતિએ મંદી તરફ ધકેલાતું હોવાનું પણ કેટલાક વિશ્લેષણો કહે છે. આ બધું જોતા વૈશ્વિક અર્થતંત્રની મુશ્કેલીઓ આવતા વર્ષે પણ ચાલુ જ રહે તેવા સંકેતો મળી રહ્યા છે.

Most Popular

To Top