Business

ઇનકમટેક્સ રિટર્ન વેરિફાઇ કરવાની સમય મર્યાદા ઘટાડીને 30 દિવસ કરાઇ

નવી દિલ્હી: આવકવેરા વિભાગે (Income Tax) 1 ઓગસ્ટ (August)થી શરૂ થતાં કરદાતાઓ (taxpayers) દ્વારા રિટર્ન (ITR) ફાઇલ(File) કર્યા પછી ઇ-વેરિફિકેશન(E-verification) અથવા આઈટીઆર-વીની હાર્ડ કોપી સબમિટ કરવાની સમયમર્યાદા વર્તમાન 120 દિવસથી ઘટાડીને 30 દિવસ કરી છે. ડિપાર્ટમેન્ટે 29 જુલાઈના રોજ એક નોટિફિકેશન જારી કરીને સમયમર્યાદામાં ફેરફારની જાહેરાત કરી હતી. ઇન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર)નું ઇ-વેરિફિકેશન રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયાને પૂર્ણ કરે છે અને જો તે નિર્ધારિત સમયની અંદર કરવામાં ન આવે તો આઈટીઆરને અમાન્ય ગણવામાં આવે છે.

આદેશ 1 ઓગસ્ટથી અમલમાં
સૂચનામાં જણાવાયું છે કે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે રિટર્ન ડેટાના કોઈપણ ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમિશનના સંદર્ભમાં અથવા આ નોટિફિકેશનની તારીખ અમલમાં આવ્યા બાદ અથવા ઈ-વેરિફિકેશન અથવા આઈટીઆર-વી સબમિટ કરવા માટેની સમય-મર્યાદા રિટર્નનો ડેટા ઈલેક્ટ્રોનિક રીતે ટ્રાન્સમિટ-અપલોડ કર્યાની તારીખથી હવે 30 દિવસની રહેશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. એટલે આ આદેશનો અમલ શરૂ થઇ ચૂક્યો છે. જો કે, ઇ રિટર્ન વેરિફિકેશનની સમય મર્યાદા 120માંથી 30 દિવસ કયા કારણસર કરવામાં આવી છે તેનું કોઇ જ કારણ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યું નથી. પરંતુ જે પણ હોય પરિપત્રમાં સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે, જો નિર્ધારીત સમયની અંદર વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો રિટર્ન અમાન્ય ગણવામાં આવશે.

અત્યાર સુધી હતી આ પ્રક્રિયા
અત્યાર સુધી પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ ITR અથવા ITR-V ફોર્મનું ઇ-વેરિફિકેશન રિટર્ન ફાઇલ કર્યાના 120 દિવસની અંદર આવકવેરા વિભાગને મોકલી શકાતું હતું. પરંતુ નવા સુધારા બાદ મોડું રિટર્ન ફાઈલ કરનારાઓની સમય મર્યાદા હવે 30 દિવસ થઈ ગઈ છે.

છેલ્લા દિવસે 72 લાખથી વધુ ITR ફાઈલ કર્યા
આવકવેરા વિભાગને નાણાકીય વર્ષ 2021-22 માટે 31 જુલાઈ 2022 સુધી 5.83 કરોડ આવકવેરા રિટર્ન (ITR) પ્રાપ્ત થયા છે. છેલ્લી તારીખે જ 72 લાખથી વધુ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવકવેરા રિટર્નનો આ આંકડો નાણાકીય વર્ષ 2020-21 માટે ફાઇલ કરાયેલા રિટર્નની સંખ્યાની લગભગ બરાબર છે. આવકવેરા વિભાગે ITR સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરી હતી.

Most Popular

To Top