Business

પ્રોમિસ આપતાં તો આપી દીધાં પણ પૂરાં થયાં જ નહીં…

પહેલાંના સમયમાં લોકો કોઈ દસ્તાવેજ પર નહીં પરંતુ આપેલ વચન પર વધારે ભરોસો કરતાં હતાં. વચન એટલે જાણે પથ્થરની લકીર, એને કોઈ તોડી ન શકે ને જો કોઈ વચન તોડે તો લોકોમાં તે અવિશ્વસનીય વ્યક્તિ બની જતી. આ તો થઈ ભૂતકાળની વાત પણ આજે પણ ઘણાં લોકો એકબીજાને વચન એટલે કે પ્રોમિસ આપે છે. જો કે આજે તેને નિભાવવામાં પહેલાં જેટલી ગંભીરતા નથી રહી અને જે રીતે વાત વાતમાં પ્રોમિસ અપાય છે, એટલા જ તૂટે પણ છે. કેટલાંક લોકો નહીં પળાયેલા પ્રોમિસ વિશે ખાસ દરકાર નથી કરતાં જ્યારે કેટલાંકને તે વર્ષો સુધી આપવામાં આવેલા કે પોતે નહીં પાળી શકેલા પ્રોમિસ અંગે અફસોસ રહે છે. એ જોઈને લાગે તો છે જ કે આજના ડિજિટલ જમાનામાં પણ લોકોએ શબ્દો પર ભરોસો કરવાનું છોડયું તો નથી જ. જો કે હાલમાં યુવાઓની લાગણીઓને વ્યક્ત કરતું વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે અને આજે promise day છે તો કેટલાંક એવાં લોકોને મળીએ જેઓને આપવામાં આવેલું પ્રોમિસ પાળવામાં નથી આવ્યું કે તેઓએ પોતે કોઈને આપેલું પ્રોમિસ પાળી શક્યા નથી.

આ પ્રોમિસ હું કયારેય નહીં પૂરું કરી શકીશ: શિલ્પા ગુંડીગરા
‘જ્યારે આપણે વચન આપતાં હોઈએ ત્યારે લાગે છે કે આ તો ઇઝી છે, આપણે કરી જ શકીશું પણ જ્યારે ના થાય ત્યારે જિંદગીભરનો વસવસો રહી જાય છે.’’ આ શબ્દો છે શહેરના અમરોલી વિસ્તારમાં રહેતાં 45 વર્ષીય શિલ્પા ગુંડીગરાના. શિલ્પા કહે છે કે, ‘’મારી સુખદુ:ખની સાથી એવી મારી બેસ્ટ ફ્રેન્ડને મારા મેરેજના દિવસે આપેલું વચન પૂરું ન થઈ શક્યું એનું દુ:ખ આજે પણ અમને થાય છે. મારી વિદાય પહેલાં એણે મારી પાસે 10 મિનિટ માંગી હતી, અમે નક્કી કર્યું હતું કે અમે બે એકલા આ 10 મિનિટમાં અમારી જૂની ખાટીમીઠી યાદોને વાગોળીને ખૂબ હસીશું અને રડીશું પણ. જો કે લગ્નની ભાગદોડમાં આ શક્ય બન્યું નહીં જેનો અફસોસ અમને બંનેને હંમેશાં રહેશે. તે દિવસે હું મારું પ્રોમિસ પાળી શકી નહીં એનું એને બહુ ખરાબ લાગ્યું પણ અમારી મિત્રતા આજે પણ ટકી રહી છે અને જ્યારે પણ મળીએ ત્યારે એ મારું આ પ્રોમિસ નહીં પાળવાની વાત યાદ કરાવે છે પણ હવે આ ક્યારેય શક્ય બનશે નહીં ત્યારે મને એવું થાય છે મેં આવું પ્રોમિસ આપ્યું જ ન હોત તો સારું હતું.’’

મમ્મીને આપેલું પ્રોમિસ પૂરું નથી કરી શકતી: પ્રતિષ્ઠા વાઘેલા
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતાં 30 વર્ષીય ડૉક્ટર અને સાથે જ સિંગર એવા પ્રતિષ્ઠા વાઘેલા કહે છે કે, ‘’મેં મારી મમ્મીને પ્રોમિસ આપ્યું હતું કે હું રોજ સવારે નિયમિત વર્ક આઉટ અને રિયાઝ કરીશ પણ અભ્યાસ અને હવે ડૉક્ટર તરીકેની ફરજના કારણે છેલ્લાં 4-5 વર્ષ પહેલાં આપેલું મારું આ પ્રોમિસ પાળી નથી શકતી. રોજ સવારે જાગીને મમ્મી સાથે આમનોસામનો થાય એટલે પ્રોમિસ પૂરું ન કરવાનું ગિલ્ટ ફીલ થાય છે. મને ખબર છે કે, મમ્મી મારા સારા માટે જ કહે છે અને મને પણ રિયાઝ અને વર્ક આઉટ કરવું ગમે જ છે કારણ કે હું એક સિંગર હોવાથી મારો અવાજ મેનટેન રહે અને ડૉક્ટર હોવાથી મારી સારી હેલ્થનું લોકોને ઉદાહરણ આપી શકું એટલે એ જરૂરી છે પણ ટાઈટ શિડ્યુલમાંથી હું સમય કાઢી શક્તી નથી અને આ કામ હું સાંજે સમય મળે ત્યારે કરું છું એટલે મારું પ્રોમિસ અધૂરું જ રહી જાય છે પણ હું એ પૂરું કરવાનો પ્રયાસ જરૂર કરીશ.’’

મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ ગયા: મિલન રાવળ
કતારગામ ખાતે રહેતાં મિલન રાવળના તો પ્રોમિસ નહીં પાળવાના કારણે જૂના મિત્ર સાથે સંબંધો જ ખરાબ થઈ ગયા. 32 વર્ષીય મિલન રાવળ કહે છે કે, ‘’અમારાં સ્કૂલકાળના મિત્રોનું ગ્રુપ હતું અને જેમાં મજાકમસ્તી ચાલતી રહેતી હતી. એક વાર એવું થયું કે અમે ગપ્પાં મારતાં બેઠાં હતાં ત્યારે એક મિત્રે મને કહ્યું કે, ‘’મારા લગ્નમાં તારે ગીત પણ ગાવાનું અને ડાન્સ પણ કરવાનો છે.’’ તે સમયે તો મેં કંઈ પણ વિચાર્યા વગર પ્રોમિસ આપી દીધું પણ સાચી વાત એ હતી કે મને આ બંને આવડતું ન હતું એટલે થયું કે આવું પ્રોમિસ મેં ક્યાં આપી દીધું? પણ પછી વિચાર્યું કે જોયું જશે પણ ખરેખર મને મારા આપેલા પ્રોમિસ પર ત્યારે અફસોસ થયો જ્યારે મારા ફ્રેન્ડના મેરેજ હતા અને એણે ઇન્વિટેશન સાથે મારું પ્રોમિસ પણ યાદ કરાવ્યું. જો કે મેં આ વાત સિરિયસલી લીધી નહીં પણ એ પ્રોમિસ બાબતે ગંભીર હતો એટલે જ્યારે મેં પ્રોમિસ નહીં પાળ્યું તો એને ખોટું લાગી ગયું અને અમારા સંબંધો વણસી ગયા. ત્યાર પછી મેં કોઈને પ્રોમિસ આપ્યું જ નથી.’’

પ્રોમિસ નહીં પળાતા જોબ છોડી દીધી: જેકી પટેલ
જેકી પટેલ હાલમાં એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરી રહ્યાં છે પણ બોસને આપેલું પ્રોમિસ નહીં પાળવાને કારણે તેમની પ્રથમ જોબ છોડી દીધી હતી. શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતાં 28 વર્ષીય જેકી પટેલ કહે છે કે, ‘‘મેં કોલેજ પૂરી કરીને જોબ શરૂ કરી હતી. આ મારી પ્રથમ જોબ હતી અને મારો સમય પણ સવારે 9 વાગ્યાનો હતો. કોલેજ ટૂંક સમયમાં જ પૂરી કરી હોવાથી અમે મિત્રો રાત્રે મળતા અને મોડે સુધી ગપ્પાં મારતાં હતાં, જેથી સવારે જલ્દી ઊઠી શકાતું જ નહીં. જલ્દી ઊઠવા માટે મેં સમયાંતરે 4 એલાર્મ મૂક્યા હતા પણ મોડું થઈ જ જતું. આ કારણે ઘરે તો ઠપકો મળતો જ પણ સાથે સાથે ઓફિસમાં બોસનો ગુસ્સો પણ સહન કરવો પડતો હતો એટલે મેં બોસને પ્રોમિસ આપ્યું કે હવેથી હું રેગ્યુલર સમયસર આવી જઈશ પણ એ પ્રોમિસ હું પાળી શક્યો જ નહીં અને આખરે મેં એ જોબ જ છોડી દીધી. જો કે આજે હું સમય બાબતે સભાન બન્યો છું અને રેગ્યુલર થયો છું પણ પેલું પ્રોમિસ નહીં પાળી શકવાનો અફસોસ થાય છે.’’

21 વર્ષ પહેલાંનું પ્રોમિસ બાકી છે: ઋચા શુક્લા
શહેરના હજીરા વિસ્તારમાં રહેતાં 41 વર્ષીય ઋચા શુક્લા કહે છે કે, ‘’હું અને મારા હસબન્ડ જોબ કરીએ છીએ અને અમને બંનેને ટ્રેકિંગનો ઘણો જ શોખ છે એટલે અમારા નવા નવા મેરેજ થયા ત્યારે મારા હસબન્ડે ટ્રેકિંગ પર લઈ જવાનું પ્રોમિસ કર્યું હતું જે આજે 21 વર્ષે પણ પૂરું થઈ શક્યું નથી. આ સિવાય અમરનાથ યાત્રા પર લઈ જવાનું પ્રોમિસ પણ તેમણે કર્યું હતું. જે બાકી જ છે. એવું નથી કે અમે બહાર નથી જતાં, અમે સમયાંતરે અલગ અલગ જગ્યાઓ પર ફરવા માટે જતાં જ હોઈએ છીએ પણ તેમના દ્વારા કરવામાં આવેલા આ પ્રોમિસ ક્યારે પૂરા થશે એ તો ખબર નથી. જો કે ફરવા જવાની ચર્ચા કરીએ ત્યારે હંમેશાં મને આ પ્રોમિસ તો યાદ આવી જ જાય પણ ફરી ક્યારેક જઈશું કરીને વાત ટળતી રહે છે અને મનદુ:ખ ન થાય એટલે હવે તો હું આ પ્રોમિસ યાદ કરાવતી જ નથી પણ એવું તો ઈચ્છું જ છું કે ક્યારેક તો આ પ્રોમિસ પુરું થાય જ. જોકે હું તો એમ વિચારું છું કે પ્રોમિસ નાના હોય કે મોટા તે પૂરાં કરી શકો એમ હોય તો જ આપવા જોઇએ. કારણ કે એમની સાથે સામેવાળાની લાગણી જોડાયેલી હોય છે. જે પૂરાં ન થતાં તેની લાગણીને ઠેસ પહોંચે છે.’’

લોકો પોતાની લાઈફમાં કેટલાંય લોકોને પ્રોમિસ કરે છે, જે ક્યારેક પૂરાં થાય છે તો કેટલાંય પ્રોમિસ પૂરાં થઈ શકે એમ જ નથી હોતાં, તો કેટલાંક કોઈ કારણોસર પૂરાં થયાં જ ન હોય અને જેને કારણે આપણને વસવસો થતો હોય છે તો વળી પ્રોમિસ ન પાળવાના કારણે કોઈક સાથે કાયમ માટે સંબંધ તૂટી પણ જાય છે. તેમ છતાં ઘણાં લોકો આજે પણ પ્રોમિસ આપે છે અને એના પર ભરોસો પણ મૂકે છે. જો કે પ્રોમિસ આપનારે એ હંમેશાં યાદ રાખવું કે એ પૂરું કરવાની જવાબદારી એની છે કારણ કે એના પ્રોમિસ પર સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ ટકેલો હોય છે.

Most Popular

To Top