SURAT

ગુજરાત સરકાર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવવાની સત્તા કલેક્ટરને સોંપાઈ

સુરત: પોતાના સ્વજનને કોરોના(CORONA)થી બચાવવા માટે નવી સિવિલ હોસ્પિટલ(NEW CIVIL HOSPITAL)ની લાંબી લાઇનોમાં ઊભા રહેતા તેમજ અન્ય સ્થળે દર દર ભટકતા લોકોની મુશ્કેલીને દૂર કરવા તેમજ તેઓને કોરોનાના સંક્રમણથી બચાવવાના હેતુથી ચેમ્બર (CHAMBER OF COMMERCE) દ્વારા ગુજરાત સરકારને રેમડેસિવિર (REMDESIVIR) ઇન્જેક્શન ફાળવવા માટે વ્યવસ્થા ઊભી કરવા માટે માંગ કરી હતી. જેના પગલે ગુજરાત સરકાર (GUJARAT GOVT) દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવવાની સત્તા કલેક્ટરને સોંપાઈ છે. સાથે જ હોમ ક્વોરન્ટાઇન થયેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનો નિર્ણય રાજ્યના આરોગ્ય અને નાણામંત્રી દ્વારા લેવામાં આવતાં દર્દીઓ તથા તેમનાં સ્વજનોને ઘણી રાહત થઇ છે. આ અંગે ચેમ્બરે સુરતના કલેક્ટર (SURAT COLLECTOR) ડો.ધવલ પટેલને રજૂઆત કરી હતી.

ચેમ્બર દ્વારા 13 એપ્રિલ-2021ના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરાઈ હતી કે, છેલ્લા ઘણા વખતથી લોકો તથા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ તથા કર્મચારીઓનો ઘણો મોટો વર્ગ કોરોનાથી સંક્રમિત થયો છે. જો રેમડેસિવિર ઇન્જેક્શન આ દર્દીઓને નહીં મળે તો આર્થિક સમસ્યા સર્જાશે. માત્ર સિવિલ હોસ્પિટલમાંથી રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવવાની યોજના સુરતના ધંધા-ઉદ્યોગ જગત સાથે જોડાયેલા દર્દીઓ તથા લોકોના જીવનું જોખમ વધારી રહ્યું છે અને એના કારણે દર્દીઓને સમયસર સારવાર મળી રહેતી નથી. ખાનગી હોસ્પિટલોમાં સ્ટાફની ઘટ હોવાના કારણે દર્દીઓના પરિવારમાંથી જ કોઇકે હોસ્પિટલો વતી નવી સિવિલ હોસ્પિટલમાં લાંબી લાઇનમાં ઊભા રહી રાહ જોવી પડે છે અને તેથી પણ સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે અને લોકોની હાલાકીમાં પણ વધારો થઇ રહ્યો છે.

આ સંજોગોને ધ્યાનમાં રાખી ચેમ્બર દ્વારા સરકારને એવું સૂચન કરાયું હતું કે, ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોને અધિકૃત રેમડેસિવિર ઉત્પાદકતા પાસેથી સરકાર દ્વારા નિર્ધારીત કરાયેલા ભાવમાં સીધી ખરીદી કરવાની પરવાનગી મળવી જોઇએ. તે અંગે સક્ષમ વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવામાં આવે. જો એવું શક્ય નહીં થાય તો દરેક ખાનગી હોસ્પિટલોને પોતાની હોસ્પિટલમાં રહેલા બેડની ક્ષમતા પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનનો રિઝર્વ જથ્થો મળી રહે એવી વ્યવસ્થા થવી જોઇએ અને આ જથ્થાનું 24 કલાક ઓનલાઇન મોનિટરિંગ થવું જોઇએ. જેના થકી વપરાશ આધારીત નવો જથ્થો મળી રહે એ પ્રમાણે રિઝર્વ સ્ટોક રાખવાની વ્યવસ્થા ઊભી થવી જોઇએ.

જેને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવવાની સત્તા કલેક્ટરને સોંપવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ હોમ ક્વોરન્ટાઇન થઇ ઘરે જ સારવાર લઇ રહેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનો નિર્ણય લેવાયો છે.

Most Popular

To Top