Columns

‘MNRE’ મંત્રાલયનો હેતુ પુન: પ્રાપ્ય ઊર્જા લોકોને પોષણક્ષમ ભાવે મળે તે જોવાનો છે

પુન:પ્રાપ્ય ઊર્જા કે જેનો ઘણી વાર સ્વચ્છ ઊર્જા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, તે કુદરતી પ્રક્રિયાઓમાંથી અથવા એવી પ્રક્રિયાઓમાંથી કે જેમનું કુદરતમાં નિર્માણ થતું રહે છે, તેમાંથી મળે છે. દા.ત. સૂર્ય નિરંતર રીતે દેદીપ્યમાન રહે છે અને પવન ફૂંકાતો રહે છે. માર્ચ, વર્ષ 1981 માં ‘વિજ્ઞાન અને ટેકનોલોજી ડીપાર્ટમેન્ટમાં વધારાના અને પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો માટેના કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. આ કમિશનને જરૂરી પોલિસીઓ ઘડવાનું અને તે પોલિસીઓના અમલીકરણનું કામ સોંપવામાં આવ્યું હતું. વર્ષ 1982 માં એક નવા ડીપાર્ટમેન્ટ બિન પ્રણાલિકાગત ઊર્જા સ્ત્રોતો માટેના ડીપાર્ટમેન્ટ (DNES, ડીપાર્ટમેન્ટ ઓફ ન્યુ એનર્જી સોર્સીસ)ની રચના કરવામાં આવી હતી. વર્ષ 1992 માં આ ‘DNES’ને ‘નવી અને પુન:પ્રાપ્ય ઊર્જા માટેનું મંત્રાલય’ (મીનીસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રીન્યુએબલ એનર્જી, એમએનઆરઇ) નામ આપવામાં આવ્યું હતું. આ ‘એમએનઆરઇ’ મંત્રાલયનો હેતુ ઊર્જા સલામતિ ચોકકસ કરવાનો, સ્વચ્છ પાવરના હિસ્સામાં વધારો કરવાનો અને તે ઊર્જા લોકોને પોષણક્ષમ ભાવે મળે, તે જોવાનો છે. હવે જયારે આપણી પાસે સૌર ઊર્જા અને પવન ઊર્જામાંથી વિદ્યુત મેળવવા માટેના વિકલ્પો છે, ત્યારે આ પુન: પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અગત્યના ઊર્જાસ્ત્રોતો બની રહેશે.

પુન:પ્રાપ્ય ઊર્જા બાબતે ભારતનો લક્ષયાંક શું છે?
• પુન:પ્રાપ્ય ઊર્જા બાબતે ભારતે વર્ષ 2030 સુધીમાં દેશની ઊર્જા જરૂરિયાતોનો 40 ટકા ઇલેકટ્રીસીટી પુન: પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવાનો લક્ષયાંક મૂકયો છે. ભારત વર્ષ દરમ્યાન લગભગ 300 દિવસો સૂર્યપ્રકાશ મેળવે છે. અને ઊંચી જળ વિદ્યુત ક્ષમતા ધરાવે છે, જે અંગે ઇશાન ભારતના રાજયોમાં શોધ સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે. દુનિયાના સંદર્ભમાં ભારત પવન ઊર્જાને સહારે વિદ્યુત ઊર્જા મેળવવા બાબતે ચોથા ક્રમે અને સંકેન્દ્રિત સૌર ઊર્જામાંથી વિદ્યુત ઊર્જા મેળવવા બાબતે ત્રીજા ક્રમે છે.
• વર્ષ 2020 સુધીમાં ભારતનો લક્ષયાંક પુન:પ્રાપ્ય ઊર્જામાંથી 2 લાખ 25 હજાર મેગાવોટ ક્ષમતા મેળવવાનો છે, જે પેરીસ હવામાન કરારમાં જે લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે, તેના કરતા ઘણો આગળ છે.
• ભારતમાં નાના જળ વિદ્યુત પ્લાન્ટોની ઉત્પાદન ક્ષમતા 21134 મેગાવોટ છે. ૩૧મી ઓકટોબર વર્ષ 2019 ની જાણકારી મુજબ ભારતમાં મેળવવામાં આવતી કુલ વિદ્યુત ઊર્જામાં પવન ઊર્જાને સહારે મેળવવામાં આવતી વિદ્યુતનો ફાળો 45.5 ટકા જયારે સૌર ઊર્જાને સહારે મેળવવામાં આવતી વિદ્યુતઊર્જા જેમાં મકાનોના ધાબા પરની સંકેન્દ્રિત સૌરઊર્જા આધારિત ઇલેકટ્રીસીટીનો પણ સમાવેશ થાય છે, તે 36 ટકા છે.

ભારત સૌરઊર્જાને સહારે વિદ્યુત મેળવવા માટેના અનુકૂળ સંજોગો ધરાવે છે
સૌર ઊર્જા આધારિત પ્રાયોજનોએ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની રસોઇ તૈયાર કરવાની, ઘરને પ્રકાશાન્વિત કરવાની અને બીજી જરૂરિયાતોને પર્યાવરણ સૌહાર્દ રીતે સંતોષી છે. ભારત પાસે મોટા પાયા પર સૌરઊર્જાને સહારે વિદ્યુત ઊર્જા મેળવવાના સર્વોત્તમ સંજોગો છે. 31મી જુલાઇ, વર્ષ 2018 ની જાણકારી મુજબ ભારતની સૌર ઊર્જાને સહારે વિદ્યુત ઊર્જા મેળવવાની સ્થાપિત ક્ષમતા 23000 મેગાવોટ હતી જયારે બીજી 21000 મેગાવોટ સૌરઊર્જા આધારિત વિદ્યુતઊર્જા મેળવવાનું કાર્ય આગળ વધી રહ્યું છે.

સૌર પાવર કાર્યરત કરવા બાબતે ભારતે ઇટાલીથી આગળ નીકળી જઇને ચોથો નંબર મેળવ્યો
આ દિશામાં ‘નેશનલ સોલર મિશન’ (એનએસએમ) ભારતના રાજયોની સક્રિય હિસ્સેદારી સહિતની મોટી શરૂઆત છે. આ મિશનનો આરંભ 11 મી જાન્યુઆરી, વર્ષ 2010 ના રોજ કરવામાં આવ્યો હતો. આશા રાખવામાં આવે છે કે સૌર ઊર્જાને સહારે મેળવવામાં આવેલી આ વિદ્યુત ઊર્જા આજકાલ સરેરાશ વૈશ્વિક હવામાનમાં આવી રહેલા પડકારોને હલ કરવા માટેનો સારો ઉપાય બની રહેશે.
‘નેશનલ સોલર મિશન’નો હેતુ સૌર ઊર્જાને સહારે વિદ્યુત ઊર્જા મેળવવા બાબતે ભારતને વૈશ્વિક પરિપ્રેક્ષયમાં એક લીડર તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. આ ‘સોલર મિશન’નો લક્ષયાંક વર્ષ 2022 સુધીમાં 100000 મેગાવોટ વિદ્યુત ક્ષમતા ધરાવતો ગ્રીડ કનેકટેડ પાવર મેળવવાનો છે. સૌર પાવર સંસ્થાનોને કાર્યરત કરવા બાબતે હાલમાં ભારતે ઇટાલીથી આગળ નીકળી જઇને વિશ્વ કક્ષાએ ચોથો ક્રમ મેળવ્યો છે.

ભારતમાં હાલમાં કયા સૌર ઊર્જા પાર્ક કાર્યરત છે?
• હાલમાં ‘NTPC’ લીમીટેડે વિશાખાપટ્ટનમમાં ‘સૌર ફોટો વોલ્ટેક’ પ્રોજેકટ કાર્યરત કર્યો છે. સીમહાદ્રી થર્મલ સ્ટેશનના જળાશય પર તે સૌર ઊર્જામાંથી 25 મેગાવોટ પાવર આપતો પ્રોજેકટ છે.
• તેલંગણાના રામાગુંડમમાં સૌર ઊર્જા પાવર પ્લાન્ટની સ્થાપના થવા જઇ રહી છે. આ પ્લાન્ટની ક્ષમતા 100 મેગાવોટ પાવરની હશે.
• કર્ણાટકના પવાગઢા સૌર ઊર્જા પાર્કનું ઉદ્‌ઘાટન માર્ચ, વર્ષ 2019 માં કરવામાં આવ્યું હતું. તે 2000 મેગાવોટ વિદ્યુત પાવર ક્ષમતા ધરાવે છે. જોકે લડાખ વિસ્તારમાં જે 5000 મેગાવોટ ક્ષમતા માટેના પાવર પ્લાન્ટની સ્થાપના થનાર છે, તે પ્લાન્ટ વિદ્યુત પાવર ક્ષમતા બાબતે આ પવાગઢા સૌર ઊર્જા પ્લાન્ટથી આગળ નીકળી જશે.

• અમેરિકાએ તાજેતરમાં 55 કરોડ અમેરિકન ડોલરના ‘ક્રીમસન પાવર પ્રોજેકટ’ને મંજુરી આપી છે. આ પ્રોજેકટ 85000 ઘરોને વિદ્યુત પૂરી પાડશે. આ પ્રોજેકટની કેલીફોર્નીઆના રણમાં 2000 એકર જમીન પર સ્થાપના થનાર છે. આ પ્રોજેકટ પ્લાઇધથી 13 માઇલ દૂર છે.
• કર્ણાટકમાં દુનિયાના સૌથી મોટા સૌર ઊર્જા પાર્ક ‘શકિત સ્થળ’ની માર્ચ, વર્ષ 2018 માં સ્થાપના કરવામાં આવી છે. તેની પાછળનું રોકાણ 16500 કરોડ રૂપિયા (255 કરોડ અમેરિકન ડોલર) છે.
• હમણાના સમાચાર મુજબ ‘એનટીપીસી’ ગુજરાતના કચ્છના રણમાં સૌર ઊર્જા પાર્કની સ્થાપના કરશે. તેની ક્ષમતા 4750 મેગાવોટ વિદ્યુત પાવરની હશે.

Most Popular

To Top