Vadodara

વાઘોડિયાના ગામમાં બે વીઘા જમીન માટે પૌત્રે દાદીનું ઢીમ ઢાળી દીધું

વડોદરા : શહેર નજીક આવેલા વાઘોડીયાના છેવાડે આવેલા પોપડીપુરા ગામ ખાતે એકલવાયું જીવન જીવતા ૭૦ વર્ષીય વૃધ્ધાની લાશ મળી આવતા ચકચાર સાથે ચર્ચાએ જોર પકડયું હતું. ત્યારે ઘટના અંગે પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતા વૃધ્ધાની હત્યા કરી હોવાનું અનુમાન સાથે તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન વૃદ્ધાના પૌત્રએ વૃદ્ધાની બે વીઘા જમીન માટે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે ગણતરિના કલાકોમાં જ હત્યારા પૌત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડીયાના પોપડીપુરા ગામે વેસ્તીબેન રતિલાલ નાયક એકલવાયું જીવન જીવી પોતાનું જીવન વીતાવતા હતા. પાંચ વર્ષે પૂર્વે તેમના પતિનું અવસાન થયું હતું. વેસ્તીબેને પોતાની ગામની સીમમાં આવેલી  વડીલો પાર્જીત બે વીઘા જમીન બાજુમાં રહેતા રમેશભાઈ કાનજીભાઈ પરમારને રૂ. 2.25 લાખમાં છેલ્લા ૨૦ વર્ષથી ગીરે પેટે આપી હતી. જે જમીનમાં હાલ રમેશભાઈ ખેતી કામ કરી રહ્યં છે. આ જમીન અંગે વૃધ્ધાનો પૌત્ર વિક્રમ અવાર નવાર  દાદી સાથે તકરાર કરી જમીન પોતાના નામે કરાવવા માટે  ઝગડો કરી માર મારતો હતો.

ચાર દિવસ પહેલા પણ વિક્રમ દાદી સાથે રહેવા આવ્યો હતો. ગત રાત્રે વેસ્તીબેન નજીકમાં રહેતા જીતેન્દ્રભાઈને ત્યાં જમવાનું લેવા ગઈ હતી. ત્યારે પણ વિક્રમ જમીન પોતાના નામે કરાવવા બાબતે વેસ્તીબેન સાથે ઝગડો કરી બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો.  દરમિયાન રાત્રે બે વાગ્યે ફરીથી વેસ્તીબેન સાથે ઝગડો કર્યો હતો અને જમીન પોતના નામે કરવા જણાવ્યું હતું. જો કે ત્યારે તકરારએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પૌત્ર વિક્રમે બે વીઘા જમીન માટે દાદીને માર માર્યા બાદ તેને સંતોષ ન વળતા તેણે દાદીનું ગળું દબાવી હત્યા કરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

વહેલી સવારે ગામના લોકો વૃધ્ધા વેસ્તીબેનના મૃતદેહને જોઇને ગ્રામજનોએ આ અંગેની જાણકારી પોલીસને આપતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વેસ્તીબેનની હત્યા થઇ હોવાનું જણાઇ આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગ્રામજનોના નિવેદન લીધા બાદ ફુલપુરી ગામમાં રહેતા સબંધીને ત્યાં જતા રહેલા વિક્રમની અટકાયત કરી હતી. અટકાયત કર્યાબાદ પુછપરછ કરતા વિક્રમે જ જમીન માટે દાદીનું ઢીમ ઢાળી દીધા હોવાનું કબૂલ કરતા પોલિસે પૌત્ર વિક્રમ નાયકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top