Editorial

પંજાબનું ભૂત ધૂણે તે પહેલાં સરકારે એક્શનમાં આવી જવું જોઈએ

તમને યાદ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા કૃષિ બિલ સામેના પંજાબના કિસાનોના આંદોલનને સમેટવા માટે ધૂંટણિયાં ટેકવી દીધા હતા અને અચાનક આ બાબતની જાહેરાત કરી હતી! ખરેખર, મોદીનો આ સ્વભાવ નથી. કારણ કે, એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન) વખતે આપણે જોયું હતું કે, સરકારે આટ – આટલા વિરોધ પછી પણ નમતું જોખ્યું ન હતું. કિસાન આંદોલન વખતે સરકારને એવી ખુફિયા જાણકારી મળી હતી કે, કિસાન આંદોલનમાં ખાલિસ્તાનનની માગણી કરનારી તાકાતો ભળી રહી છે અને તેનું ફંડિંગ ફોરેનથી થઈ રહ્યું છે, એટલે સરકારે તાત્કાલિક કિસાન આંદોલનને સમેટવા માટે પારોઠના પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો.

કિસાન આંદોલનને રોકવા માટે સરકાર નમી નોહતી, પણ દેશની સુરક્ષા, ખાસ કરીને પંજાબની સુરક્ષા જોખમાય નહીં એ માટે કૃષિ બિલ પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો હતો! તાજેતરમાં ‘વારિસ પંજાબ દે’ જૂથના વડા અને ખાલિસ્તાનના કટ્ટર સમર્થક અમૃતપાલ સિંહે ધારદાર લાંબી તલવારો, હાથમાં મોટી રાઈફલો સાથે હજારો સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો અને પોતાના સાગરીતને છોડાવી ગયો! આ ઘટનાએ દેશની સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ખાલિસ્તાનની ખુફિયા ચળવળ ફરી માથું ઊંચકી રહી છે! ગૃહમંત્રી અમિત શાહને ખુલ્લેઆમ ધમકી આપ્યા પછી સરકાર સામે સૌથી મોટો પડકાર બની રહી છે આ તાકતો. આ રહ્યા તેનાં અનેક સંકેતો.

ખાલિસ્તાન શબ્દ ફરી ચર્ચામાં છે. એક વ્યક્તિના કારણે. તેનું નામ અમૃતપાલ સિંહ છે. ‘વારિસ પંજાબ દે’ જૂથના વડા અને ખાલિસ્તાનના કટ્ટર સમર્થક. ગુરુવારે પંજાબના અમૃતસરમાં તેણે એવો હંગામો મચાવ્યો હતો, જે ભારત જેવા લોકતંત્રમાં ભાગ્યે જ જોવા મળે! અમૃતપાલ તેના હજારો સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો! ધારદાર લાંબી તલવારો, હાથમાં મોટી રાઈફલો! માહોલ એવો હતો કે કોઈપણ ડરી જાય. કાયદો અને વ્યવસ્થા, પોલીસ બધા જાણે અમૃતપાલની સામે ભીખ માગતા હોય, એવાં કંગાળ દેખાઈ રહ્યા હતા!

પોલીસકર્મીઓને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, ઘણા પોલીસ જવાનોને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા! આ બધું કોના માટે કરવામાં આવ્યું હતું? માત્ર એટલા માટે કે અમૃતપાલનો એક સાથી લવપ્રીત ઊર્ફે તુફાન સિંહને પોલીસે પૂછપરછ માટે પકડ્યો હતો. તેની સામે અપહરણ અને મારપીટનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ આખી ઘટનાનો અંત શું હતો? એ જ જે અમૃતપાલ ઈચ્છતો હતો, તુફાનને કાયદો, વ્યવસ્થા અને પોલીસે ગભરાટમાં છોડી મૂકવો પડ્યો! પણ આ ઘટનાએ ભારત જેવા દેશ માટે એક ગંભીર ચેતવણી આપી દીધી હતી!

આ ઘટના પછી હવે હિંમત વધી ગઈ હતી, અમૃતપાલ સિંહે મીડિયા સામે આવીને મોટું નિવેદન આપ્યું હતું. તેણે દેશના ગૃહમંત્રી અમિત શાહને સીધી ધમકી આપી દીધી હતી. તેણે એમ પણ કહ્યું કે – ખાલિસ્તાનની માગ ચાલુ છે અને ક્યારેય સમાપ્ત થશે નહીં. આ ખુલ્લેઆમ આપવામાં આવેલા નિવેદનોથી એક વાત સ્પષ્ટપણે સમજાય ગઈ છે કે ખાલિસ્તાનના સમર્થકો તેમની માગ પર અડગ છે. અલબત્ત, આ એક જ ઘટના નથી બની, આ ઘટના પહેલા પણ તાજેતરના વર્ષોમાં આવી અસંખ્ય ઘટનાઓ બની છે, જે દેશને એવી ગર્ભિત ચેતવણી આપે છે કે ખાલિસ્તાન આંદોલન ફરી માથું ઊંચકી રહ્યું છે.

તાજેતરની આ ઘટનાઓ પર એક નજર નાખીએ તો પેટાળમાં જે અગ્નિ પ્રજ્વલિત થયો છે, તેના તરફ આપણને સંકેતો મળી રહ્યા છે. ફેબ્રુઆરીની જ વાત છે. શિવરાત્રીના દિવસે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના ગાયત્રી મંદિરમાં પાકિસ્તાનથી ફોન આવ્યો હતો. ફોન પર ધમકી આપી હતી. ફોન કરનારે મંદિર સમિતિના અધ્યક્ષને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનું કહ્યું હતું. ફોન કરનારે ધમકી આપી હતી કે ખાલિસ્તાન ઝિંદાબાદ બોલ્યા પછી જ મંદિરમાં શિવરાત્રી ઉજવવાની પરવાનગી આપવામાં આવશે!

તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં ઘણા હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ આરોપ સીધા ખાલિસ્તાન તરફી આંદોલન સાથે જોડાયેલા લોકો પર લગાવવામાં આવ્યો હતો. 12 જાન્યુઆરી, 2023ના રોજ, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી 16 જાન્યુઆરીએ વિક્ટોરિયાના શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે 23 જાન્યુઆરીએ મેલબોર્નના ઇસ્કોન મંદિરમાં હંગામો થયો હતો.
જાન્યુઆરીમાં જ ઓસ્ટ્રેલિયાથી એક વીડિયો આવ્યો હતો.

મેલબોર્ન સ્ક્વેરમાં ભારતનો ત્રિરંગો લઈને ફરવા બદલ કેટલાક લોકોને માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરો ખાલિસ્તાની સમર્થક હતા અને તેમના હાથમાં ‘ખાલિસ્તાન’નો ઝંડો પણ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાન સમર્થિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ 29 જાન્યુઆરીએ ખાલિસ્તાન માટે જનમત સંગ્રહ કરવાની જાહેરાત કરી હતી. ભારતીયોએ ત્રિરંગા માટે લોકમતનો વિરોધ કર્યો હતો. આ પછી જ લડાઈ શરૂ થઈ હતી. હુમલાખોરોએ ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા.

આવી તો અનેક ઘટનાઓ છેલ્લા દોઢ-બે વર્ષમાં વારંવાર સામે આવી છે. નવેમ્બર 2022ના રોજ અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીની હત્યા કરવામાં આવી હતી. સુધીર ખાલિસ્તાનના કટ્ટર વિરોધી હતા અને આ કારણે તે ઘણા વર્ષોથી ખાલિસ્તાનીઓના હિટ લિસ્ટમાં હતા. સૂરીના પરિવારે અમૃતપાલ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે ઘટનાના થોડા સમય બાદ હુમલાખોર સંદીપ સિંહની ધરપકડ કરી હતી. સંદીપની કારમાં ખાલિસ્તાનીઓના પોસ્ટર લાગેલા હતા. સૂરીની હત્યા કરતા પહેલા તે ઘણી વખત અમૃતપાલ સિંહને મળ્યો હતો. થોડા દિવસો બાદ કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર લખબીર સિંહ લંડાએ સુધીર સૂરીની હત્યાની જવાબદારી લીધી હતી. લંડાને ખાલિસ્તાની સમર્થક પણ માનવામાં આવે છે. પોલીસે પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા સામે પણ કેસ નોંધ્યો છે.

Most Popular

To Top