Columns

શુદ્ધ પાણી આપતી RO ટેક્નિકનું ગ્લોબલ માર્કેટ 300 કરોડ ડોલરને પાર

લોકોમાં જેમ જેમ સ્વાસ્થ્યને લગતી સભાનતા આવી છે તેમ તેમ સ્વચ્છ પાણી પીવાની જાગૃતિ આવી છે. 5,000થી લઈને લોકો 25-50 હજાર અને તેનાથી પણ મોંઘી લાખ સવા લાખ રૂપિયાની RO સિસ્ટમ વસાવતા થયા છે. ROનું માર્કેટ દિવસે દિવસે વધી રહ્યું છે. કેટલીય મોટી કંપનીઓ ઉપરાંત દરેક શહેરોમાં એસેમ્બલ કરીને RO વેચતા વેપારીઓ વધતા જાય છે. સ્વચ્છ પાણી માટે મોટાભાગે RO યાને રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ ઉપર આધાર રાખવામાં આવે છે. ROમાં પાણીના દૂષિત તત્ત્વો નીકળી જતાં હોય છે. ક્ષારયુક્ત પાણીથી બચવાનો હવે આ એક જ માર્ગ લોકોએ અપનાવી લીધો છે પણ સવાલ એ છે કે ખરેખર RO શરીર માટે ફાયદાકારક છે? RO સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક તેને લગતા ઘણાં સંશોધનો થયાં છે. એ સંશોધનો અને WHO નું સૂચન જાણતા પહેલાં થોડો ROનો ઈતિહાસ જાણી લઈએ…

પાણીને ગાળીને પીવાની રીત તો માનવજાત સાથે સદીઓથી જોડાયેલી છે. પહેલી નજરે દેખાતો કચરો તારવીને પાણી પીવાની સભાનતા તો આદિ માનવને પણ હશે! પ્રાણી-પંખીઓને થોડું કચરાવાળું પાણી આપો તો એ તારવીને પીવે છે. નદીમાંથી કે તળાવમાંથી સીધું પાણી પીતા પ્રાણી-પંખીઓને જોનારાના ધ્યાનમાં એ બાબત ચોક્કસ આવી હશે કે એ વખતે કોઈ તણખલું કે એવો કોઈ કચરો આવ્યો હોય તો પ્રાણી-પંખીઓ પણ એને તારવી નાખે છે. એટલે નજર સામે દેખાતો કચરો ગાળીને પીવાનું વલણ તો સજીવોએ સદીઓ પહેલાંથી કેળવ્યું છે પણ પહેલી નજરે ન દેખાતો કચરો એટલે કે ક્ષાર જેવા પદાર્થોને અલગ તારવવાનું માણસે 200-300 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું.

1748 માં ફ્રાન્સના એક પાદરી જીન એન્ટોની કે જે પોતે એક ભૌતિકશાસ્ત્રી પણ હતા, તેમણે પાણીમાંથી ન દેખાતા તત્ત્વોને અલગ કરવાના આરંભિક પ્રયોગો કર્યા હતા. તેમના પછી એ દિશામાં છૂટાછવાયા પ્રયોગો શરૂ થયા હતા, લગભગ 200 વર્ષ સુધી થતા રહ્યા પરંતુ એ દિશામાં બહુ ગંભીરતા આવી ન હતી. તે વખતે માણસને એવા શુદ્ધ પાણીની જરૂર પણ ન હતી. જે પાણીના સ્ત્રોતો પ્રાપ્ય હતા એ શુદ્ધ જ હતા પણ બબ્બે વિશ્વયુદ્ધમાં વપરાયેલા વિવિધ શસ્ત્રોના કારણે, કેમિકલ વેપન્સના કારણે અને ઝડપથી વધી રહેલા ઔદ્યોગિક એકમોના કારણે વાતાવરણ ઝડપથી ડહોળાવા લાગ્યું હતું.

પાણીમાં પણ તેની અસર થવા લાગી હતી. શરીર વિજ્ઞાનીઓના ધ્યાનમાં આવ્યું કે પાણીજન્ય રોગો ભયજનક રીતે વધ્યા છે એટલે પાણીને શુદ્ધ કરવાના જે પ્રયોગો થતા હતા એ એકદમ વધી ગયા. તેમાં ખૂબ ગંભીરતા આવી. લોસ એન્જલસ કેલિફોર્નિયા યુનિવર્સિટીએ એક RO સિસ્ટમ વિકસાવી. એ ROમાં પહેલી વખત સમુદ્રનું ખારું પાણી મોળું થયું હતું. જો કે પીવાલાયક બન્યું ન હતું પણ એ સંશોધનથી તે બાબત સ્પષ્ટ રીતે સાબિત થઈ હતી કે પાણીમાંથી ક્ષાર દૂર કરી શકાય છે. પછી તો ફ્લોરિડા યુનિવર્સિટીએ ખારા પાણીને પીવા જેવું બનાવવામાં 1950-60ના દસકામાં ધારી સફળતા મેળવી હતી.

1975 પછી અમેરિકાના ઘરોમાં RO પ્લાન મોટા પાયે એક્ટિવ થવા લાગ્યો હતો. 1985 માં તો અમેરિકા-યુરોપમાં ROમાં ખૂબ વૈવિધ્ય આવ્યું હતું. અલગ અલગ વિકલ્પો પણ ઉપલબ્ધ બની ગયા હતા. એકાદ દસકામાં આખા વિશ્વમાં ROનો ફેલાવો થયો હતો. ભારત જેવા ત્રીજા વિશ્વના કહેવાતા દેશોમાં 20 મી સદીના અંતમાં ROની એન્ટ્રી થઈ. 21મી સદીમાં RO સિસ્ટમ શુદ્ધ પાણીનો સૌથી સશક્ત વિકલ્પ ગણાતી હતી. પછી એ દિશામાં સંશોધનો થવા લાગ્યા કે ROનું પાણી શરીર માટે ફાયદાકારક જ છે? કે પછી નુકસાન પણ કરે છે?

ROથી ક્લિન થયેલા પાણીમાં ટોટલી ડિસોલ્વ સોલિડ્સ યાને TDS કાઉન્ટનું પ્રમાણ 5 થી લઈને 40 પાર્ટ મિલિયન (PPM) સુધી નીચે આવી જાય છે. આ PPM એટલે સરળ ભાષામાં કહીએ તો પાણીમાં રહેલી અશુદ્ધિ. માણસ અને પ્રાણી-પંખીઓ એટલે કે તમામ સજીવોમાં અશુદ્ધિ પચાવવાની ક્ષમતા લગભગ 500 PPM જેટલી હોય છે. 21 મી સદીમાં થયેલા સંશોધનોમાં જાણવા મળ્યું કે માણસ સતત ROથી શુદ્ધ થયેલું પાણી પીવે છે એના કારણે શરીરમાં અશુદ્ધિઓનું પ્રમાણ ઘટી જાય છે. શરીરના સંતુલન માટે એ અશુદ્ધિનું પ્રમાણ જળવાય તે પણ આવશ્યક છે. પહેલી નજરે માન્યામાં ન આવે એવી આ વાત ખરેખર સાયન્ટિફિક પ્રુવ્ડ છે.

બેએક વર્ષ પહેલાં પંજાબની યુનિવર્સિટીમાં ROની બાબતે ખૂબ મહત્ત્વપૂર્ણ સંશોધન થયું હતું. એ સંશોધનમાં જાણવા મળ્યું કે પાણીમાં જે Ph ના તત્ત્વની જરૂરિયાત હોય છે તે ROમાં ક્લિન થયા પછી ઘણી ઘટી જાય છે. વળી, પાણીમાંથી મિનરલ્સ પણ નીકળી જાય છે તેથી શરીરમાં TDS કાઉન્ટ ઓછા થવાની સાથે સાથે મિનરલ્સ ઘટે છે એટલે બેવડી ઊણપ આવે છે. જો કે આ બાબતો દરેક RO સિસ્ટમમાં લાગુ પડતી નથી પરંતુ કેટલાક કિસ્સાઓમાં ખાસ તો સસ્તા RO પ્લાનમાં સંશોધકોએ આ સમસ્યા નોંધી હતી.

2013 માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે RO સિસ્ટમના કારણે પાણીમાંથી ઘણી વખત મેગ્નિશિયમ અને કેલ્શિયમ 92 થી 99% સુધી ઘટી જાય છે. સદંતર અશુદ્ધિઓ વગરનું આ પાણી શરીર માટે હાનિકારક છે! એના અભાવમાં શરીરમાં તરત થાક લાગવો, નબળાઈ આવી જવી અને હૃદયને લગતી તકલીફો લાંબા ગાળે થઈ શકે. કેટલીક દલીલો તો એવી ય રજૂ થઈ હતી કે અશુદ્ધિ ધરાવતું પાણી એટલે કે સરળ અર્થમાં અમુક પ્રકારના ક્ષારવાળું પાણી ખોરાક પચાવવા માટે ઉપયોગી છે.

વળી, પાણીના મિનરલ્સ, આયોડિન અને મેગ્નેશિયમ તેમ જ ખોરાકમાંથી મળતાં મિનરલનો સંયોગ રચાય ત્યારે શરીરમાં એ કામ કરે છે. જો પાણીમાંથી મળતા મિનરલ્સ સહિતના આ તત્ત્વો શરીરમાં ન પ્રવેશે તો ખોરાકમાંથી મળતા મિનરલ્સ પણ કારગત નીવડે નહીં. તે સ્થિતિમાં શરીરને નુકસાન થાય છે. જો કે આ સંશોધનોની બીજી તરફ ROથી થતાં ફાયદાના સંશોધનો પણ વિજ્ઞાનીઓ રજૂ કરે છે. બંને તરફી વિરોધમાં અને તરફેણમાં દલીલો થાય છે. જે જમીનના તળમાં કારખાનાઓના કારણે કે બીજા કોઈ કારણે પાણીમાં ક્ષારનું પ્રમાણ શરીર માટે ખૂબ જોખમી હોય ત્યાં RO સૌથી સારો વિકલ્પ તરીકે પણ ઉભરે છે.

નિષ્ણાતો એવું માને છે કે જે ભૂતળના પાણીમાં બહુ ખામી ન હોય ત્યાં સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યા પછી એ મુજબની RO સિસ્ટમ લગાવવી જોઈએ. આવા વિરોધાભાસ વચ્ચે એટલે કે સાયન્સ જ્યારે એકમત ન હોય ત્યારે નિષ્ણાતોના સૂચન પ્રમાણે, પ્રદેશ પ્રમાણે, પાણીમાં રહેલા જરૂરી-બિનજરૂરી તત્ત્વોના આધારે ROની પસંદગી કરવી વધુ સલાહભર્યું છે. જો કે, ROની ડિમાન્ડ સતત વધતી જાય છે.

વિશ્વમાં ROનું માર્કેટ 310 કરોડ ડોલર સુધી પહોંચી ગયું છે અને જે ઝડપે લોકો શુદ્ધ પાણી માટે અવેર થઈ રહ્યા છે, તે જોઈને નિષ્ણાતો 2026માં આ માર્કેટ 500 કરોડ ડોલરે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. આ ક્ષેત્રમાં 10% ના દરે વૃદ્ધિ થઈ રહી છે. આ માર્કેટ હોમ ROનું છે. તે સિવાય જો ઓફિસ, કારખાના સહિતના માર્કેટને ગણીએ તો RO અને વોટર કૂલરનું માર્કેટ 13 અબજ ડોલર હોવાનો અંદાજ છે. પાણીના શુદ્ધિકરણની વિવિધ ટેક્નિકનું ગ્લોબલ માર્કેટ તો 2021-22ના વર્ષમાં 27 અબજ ડોલર હતું પરંતુ એમાં દુનિયાભરમાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના સરકારી પ્રોજેક્ટ ચાલતા હોય એનો પણ સમાવેશ થાય છે.
-હરિત મુનશી

Most Popular

To Top