Editorial

વિદેશવાસી ભારતીયોનું દેશ સાથેનું લાગણીનું બંધન મજબૂત થયેલું જણાય છે

સોમવારે બાવીસમી જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો ત્યારે દેશમાં તો સ્વાભાવિક રીતે ખુશાલી મનાવવામાં આવી જ, પરંતુ એક નોંધપાત્ર બાબત એ બની કે અનેક વિદેશોમાં પણ ભારતીયોએ ઉજવણી કરી. ભારતના અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઇ તેની ઉજવણી વિશ્વભરમાં ભગવાન રામના ભક્તોએ વિવિધ રીતે અને ઉત્સાહપૂર્વક કરી હતી એમ અનેક અહેવાલો જણાવતા હતા.

આમ તો વિદેશમાં વસતો, ખાસ કરીને અમેરિકામાં વસતો ભારતીય સમુદાય અયોધ્યામાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય તેના કેટલાક દિવસ પહેલાથી જ વિવિધ રીતે ઉજવણી કે ઉજવણીની તૈયારી કરવા માંડ્યો હતો. થોડા દિવસ પહેલા જ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ભારતીયોએ ટેસ્લા કાર લાઇટ શોનું આયોજન કર્યું હતું. આમાં જે ભારતીયો ત્યાં ટેસ્લા કાર ધરાવતા હતા તેમાના ઘણાએ એક સ્થળે ભેગા થઇને પોતાની ટેસ્લા કારો એવી વ્યુહાત્મક રીતે ગોઠવી હતી કે તેમની હેડ લાઇટોને એકસાથે સળગાવતા રામ એવો શબ્દ વંચાય! આ ઉજવણી પછી સોમવારે તો અમેરિકામાં ભારતીયોએ અનેક શહેરોમાં વિવિધ પ્રકારે ઉજવણી કરી હતી.

દુનિયાના વિવિધ દેશોમાં કરવામાં આવેલી ઉજવણીઓમાં પ્રાર્થનાઓ, કાર રેલીઓ, સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમો વગેરેનો સમાવેશ થતો હતો. અયોધ્યામાંના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમિંગ પણ વિશ્વમાં વિવિધ સ્થળે કરવામાં આવ્યું હતું. સૌથી વધુ ઉજવણીઓ કદાચ અમેરિકાના ભારતીય સમુદાયે કરી હતી. આ ઉપરાંત કેરેબિયન દેશોમાં પણ નોંધપાત્ર ઉજવણીઓ થઇ હતી. અમેરિકાના ન્યૂયોર્ક શહેરના જાણીતા ટાઇમ્સ સ્ક્વેરમાં અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઇવ સ્ટ્રિમિંગ વિશાળ સ્ક્રીન પર કરવામાં આવ્યું હતું જે જોવા માટે ભારતીય મૂળના ઘણા લોકો ભેગા થયા હતા. તેઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને આવ્યા હતા અને ત્યાં તેમણે ભજનો પણ ગાયા હતા અને નાચ્યા પણ હતા. નાસ્ડેકની સ્ક્રીન પર અયોધ્યાના રામ મંદિરનું ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું.

થોડા સમય પહેલા આપણા ગુજરાતના ગરબાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું ત્યારે આ જ ટાઇમ્સ સ્કવેરમાં ભારતીયોએ, ખાસ કરીને ગુજરાતીઓએ ગરબા ગાયા હતા. આમ પણ ટાઇમ્સ સ્કવેરમાં વિવિધ દેશોના લોકો તેમના કાર્યક્રમો ગોઠવતા હોય છે. અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના સંદર્ભમાં અમેરિકાના પશ્ચિમ કાંઠેના મહાનગર લોસ એન્જેલસમાં એક મોટી કાર રેલી યોજાઇ હતી, જેમાં ૨૫૦ કારોમાં ૧૦૦૦ જેટલા લોકો જોડાયા હતા. બ્રિટનમાં પણ કાર રેલીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વડે ઉજવણીઓ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના કેનબેરા શહેરમાં એક સ્થળે અયોધ્યાના કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું જે જોવા માટે ભારતીય સમુદાયના લોકો ભેગા થયા હતા. કેરેબિયન દેશ ટ્રિનિદાદ એન્ડ ટોબેગોમાં યોજાયેલ એક મોટા કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

આ બાબતો સૂચવે છે કે હવે વિદેશવાસી ભારતીયોનું પોતાના દેશ સાથેનું ભાવનાકીય બંધન વધુ ગાઢ બન્યું છે. ભારતીય મૂળના લોકોની મોટી વસ્તી ધરાવતા મોરિશ્યસમાં અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠાના સમયે લોકો ઉજવણી કરી શકે તે માટે સરકારી કર્મચારીઓ માટે આજે બે કલાકની રજા જાહેર કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરિશ્યસમાં ભારતીય મૂળના લોકોને અંગ્રેજો શેરડીના ખેતરોમાં કામ કરાવવા લઇ ગયા હતા, ત્યારથી તેઓ ત્યાં જ વસી ગયા છે. મોરેશિયસના હાલના વડાપ્રધાન પ્રવીંદ કુમાર જુગનોથ છે. મોરિશ્યસની બાબતમાં મહત્વની બાબત એ છે કે ત્યાંના મોટા ભાગના ભારતીયો, હિન્દુઓ સદીઓથી ત્યાંના વતની બની ગયા છે અને ભારત સાથેનો તેમનો સંપર્ક નહીંવત રહ્યાો હતો છતાં ત્યાં ઉજવણી થઇ છે.

અમેરિકાના વર્જિનિયાની ફેરફેક્સ કાઉન્ટીમાં થયેલી ઉજવણીમાં શીખો, ભારતીય મૂળના મુસ્લિમો ઉપરાંત પાકિસ્તાની અમેરિકન સમુદાયના લોકો પણ જોડાયા હતા. પાકિસ્તાની મુસ્લિમો પણ જોડાયા તે બાબત અહીં મહત્વની છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકા(વીએચપીએ) અને વિશ્વ હિન્દુ પરિષદ ઓફ કેનેડા દ્વારા જાહેરાત કરાઇ હતી કે એક રામ મંદિર યાત્રા કાઢવામાં આવશે જે અમેરિકા અને કેનેડાના ૧૦૦૦ કરતા વધુ મંદિરોની મુલાકાત લેશે. આ યાત્રા અમેરિકાના મેસેચ્યુસેટ્સથી ૨૫મી માર્ચે શરૂ થશે અને ૪૫ દિવસ સુધી ચાલશે.

આજથી થોડા દાયકાઓ પહેલા અમેરિકા, બ્રિટન, કેનેડા વગેરે દેશોમાં વસતા ભારતીયોનો ભારત સાથેનો લાગણીનો સંબંધ ઘણો ઓછો જણાતો હતો. પરંતુ અગાઉની યુપીએ સરકાર અને હાલની સરકારે પ્રવાસી ભારતીય દિવસ જેવા કાર્યક્રમો યોજીને ભારતીયોને દેશ સાથે સાંકળવાના પ્રયાસો કર્યા તેના સારા પરિણામો હવે આવી રહેલા જણાય છે. પંજાબ અને કાશ્મીરના અલગતાવાદીઓના ઉધામાઓના કારણે સર્જાયેલો બેકલેશ પણ વિદેશવાસી ભારતીયોનો સ્વદેશપ્રેમ ઉગ્ર બનાવી રહેલો જણાય છે.

Most Popular

To Top