Comments

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાનો વિવાદ દેશને ભારે નુકસાન કરશે

એક તરફ ભારતમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં જ બીજી તરફ કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ યુવતી દ્વારા હિજાબ પહરેવાને મામલે ઊભો થયેલો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં અને તે પણ વિદ્યાર્થીઓમાં રાજકારણ હોવું જોઈએ નહીં. પરંતુ રાજકીય નેતાઓ દ્વારા પોતાનો રોટલો શેકવા માટે મુદ્દાઓ ઊભા કરવામાં આવે છે અને તેનો ભોગ વિદ્યાર્થીઓ ખુદ બની રહ્યાં છે. હિજાબ પહેરીને ભણવા જેવું તે નવી વાત નથી. અનેક રાજ્યોમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરીને ભણવા માટે જાય જ છે પરંતુ કર્ણાટકમાં ઉડ્ડુપી કોલેજમાં હિજાબ પહેરીને આવેલી 6 વિદ્યાર્થિનીને ક્લાસમાં પ્રવેશથી અટકાવવામાં આવી હતી. જેને પગલે વિદ્યાર્થિનીઓ ધરણાં પર બેસી ગઈ હતી અને વિવાદ ઊભો થવાની સાથે મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. ભારતના કર્ણાટકમાંથી શરૂ થયેલો વિવાદમાં વિશ્વના અન્ય દેશના નેતાઓ પણ પોતાનો નિવેદનો આપી રહ્યા છે. ચૂંટણી હોવાને કારણે રાજકીય નેતાઓ દ્વારા આ વિવાદને ભારે તૂલ આપવામાં આવી રહ્યું છે.

કર્ણાટકની એક કોલેજમાં આ ઘટના બની હતી પરંતુ બાદમાં અનેક કોલેજમાં તેના પડઘા પડવાનું શરૂ થઈ ગયું હતું. હાઈકોર્ટ દ્વારા આ મામલે નિર્ણય કરવા માટે મામલો લાર્જ બેન્ચને સોંપી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ રાજકીય નેતાઓ દ્વારા નિવેદનોની વણઝાર શરૂ થઈ ગઈ છે. કર્ણાટક સરકારે 3 દિવસ માટે સ્કૂલ અને કોલેજ બંધ કરી દેવાનો આદેશ કર્યો છે. કર્ણાટકના આ વિવાદમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે હિજાબ પહેરવો કે નહીં તે મહિલાનો અધિકાર છે અને તે તેને બંધારણે આપ્યો છે. તો બીજી તરફ મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ એવું નિવેદન કર્યું છે કે જે સ્કૂલોમાં જે યુનિફોર્મનો નિયમ છે તે નિયમનું તમામ વિદ્યાર્થીઓએ પાલન કરવું જોઈએ. લાલુ પ્રસાદ યાદવે એવું નિવેદન કર્યું છે કે આ વિવાદ બતાવી રહ્યું છે કે દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે.

AIMIMના પ્રમુખ અને સાંસદ ઓવૈસીએ એવું કહ્યું છે કે, કોણે શું પહેરવુ અને ખાવુ તે બીજુ કોઈ નક્કી કરી શકે નહીં. બીજી તરફ એક્ટ્રેસ અને ભાજપની નેતા ખુશ્બુનુ કહેવુ છે કે, શિક્ષણ સંસ્થાઓ ધાર્મિક ઓળખ રજૂ કરવા માટેના અડ્ડા નથી. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાનુ કહેવુ છે કે, મુસ્લિમો માટે નફરત એ ભારતમાં બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. નોબલ પ્રાઈઝ વિજેતા મલાલાએ પણ આ વિવાદમાં ઝુકાવી એવું નિવેદન આપ્યું છે કે, કોલેજ અમને અભ્યાસ અને હિજાબ વચ્ચે પસંદગી કરવા માટે મજબૂર કરી રહી છે. છોકરીઓને તેમના હિજાબમાં શાળામાં જવાનો ઇનકાર કરવો એ ભયાનક છે. મહિલાઓને વધુ કે ઓછા પહેરવા પ્રત્યેનું વલણ યથાવત છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલવાનું બંધ કરવું જોઈએ.

કર્ણાટકથી શરૂ થયેલો આ વિવાદ અન્ય રાજ્યોમાં પહોંચ્યો છે. બેંગલુરૂમાં પણ સ્કૂલોની આસપાસ વિરોધ પ્રદર્શન પર રોક લગાડવાની સાથે 144ની કલમ લાગુ કરવામાં આવી છે. યુપીની ચૂંટણીમાં આ વિવાદ ટ્રેન્ડ કરવા લાગ્યો છે. તાજેતરમાં એક મુસ્લિમ યુવતીની સામે ભગવાધારી યુવાનો દ્વારા કરાયેલા સુત્રોચ્ચારનો વિડીયો યુપીમાં વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાઈરલ કરવા પાછળની ગણતરી રાજકીય છે. પરંતુ જે રીતે આ વિડીયો વાઈરલ થઈ રહ્યો છે તે એવું બતાવી રહ્યો છે કે યુપીની ચૂંટણીને ધ્યાને લઈને જ આ વિવાદ સર્જવામાં આવ્યો છે અને વિડીયો વાઈરલ કરાયો છે. હિજાબના આ વિવાદ અંગે આગામી દિવસોમાં કર્ણાટક હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે પરંતુ જે રીતે હિજાબની તરફેણ અને તેના વિરોધને કારણે જે સ્થિતિ ઊભી થઈ રહી છે તે ભારતના હિતમાં નથી. આવા વિવાદો દેશને વિકાસના પંથે પાછળ પાડી શકે છે. આ વિવાદમાં સાચું કોણ? તેનો જવાબ દરેક વ્યક્તિ પોતાની સમજ અને રાજકીય વિચારધારા પ્રમાણે આવી શકે છે. કેટલાક તેની તરફેણ કરશે અને કેટલાક તેના વિરોધમાં રહેશે. પરંતુ આવા વિવાદો બને ત્યાં સુધી ટાળવા જોઈએ અને જો વિવાદ ઊભો થાય તો પણ તેમાં રાજકારણ ઘુસાડવાને બદલે તેનો ઉકેલ લાવી દેવો જોઈએ. જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં દેશમાં કોમ વચ્ચેની ખાઈ વધતી જશે અને તેનું મોટું નુકસાન દેશએ જ ભોગવવાનું રહેશે તે નક્કી છે.

Most Popular

To Top