Editorial

કેરળમાં તાપમાન 54 ડિગ્રી, આ વખતે ગરમી ભારતીયોનો પરસેવો કાઢી નાખે તેવી સંભાવના

પ્રદૂષણને કારણે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું હોવાની બુમરાણ ઘણા સમયથી થઈ રહી છે પણ તેનો ખરો અનુભવ હવે થઈ રહ્યો છે. હાલમાં જ શિયાળામાં ભારે ઠંડીનો અનુભવ કરવામાં આવ્યા બાદ હવે ઉનાળો પણ એટલો જ આગ દઝાડનારો બની રહે તેવી સંભાવના છે. હજુ ઉનાળો શરૂ થયો નથી અને ત્યાં તો દેશના અનેક પ્રદેશોમાં ગરમીએ માઝા મુકવાની શરુઆત કરી દીધી છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી તાપમાનને પાર કરી ગયો છે. સુરતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થઈ ગયો હતો. ભારે ગરમીને કારણે ગુજરાતના અનેક પ્રદેશોમાં માવઠા પણ થયા હતા. ગુજરાતની ગરમીની હજુ ચર્ચા જ શરૂ થઈ છે ત્યાં હવે એવા સમાચાર આવ્યા છે કે કેરળમાં ગરમીએ ત્રાહિમામ પોકારાવી દીધું છે.

માર્ચ માસના હજુ 10 જ દિવસ થયા છે અને ત્યાં તો શરીરને દઝાડે તેવી ગરમી કેરળમાં દેખાઈ છે.  કેરળમાં  તાપમાનનો પારો 54 ડિગ્રીએ પહોંચી ગયો છે અને  ગોવામાં પણ હિટવેવ શરૂ થઈ ગયો છે. કેરળમાં તો અનેક ઠેકાણે 45 ડિગ્રીથી શરૂ કરીને 54 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હોવાને કારણે શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. લૂની ચેતવણી પણ વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. હજુ થોડા સમય પહેલા જ કેરળમાં વરસાદ પણ પડ્યો હતો ત્યાં અચાનક વધી ગયેલી ગરમીએ પરિસ્થિતિ આકરી કરી નાખી છે. કેરળમાં વધી ગયેલા તાપમાનને કારણે હિટ સ્ટ્રોકનો ભય ઊભો થયો છે. હવામાન વિભાગે ભારે ગરમીની ચેતવણી આપી જ હતી અને હવે તે સાચી સાબિત થઈ રહી છે.

હાલમાં કેરળમાં ભારે ગરમી પડવા માંડી છે પરંતુ આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં પણ ભારે ગરમી પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા તેની ચેતવણી જારી કરવામાં આવી જ છે અને હિટવેવની લપેટમાં આગામી દિવસોમાં અનેક રાજ્યો આવી જાય તેવી સંભાવના છે. હાલમાં કેરળ અને ગોવામાં હિટવેવ છે પરંતુ આગામી દિવસોમાં જ્યારે ખરો ઉનાળો શરૂ થશે ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર થશે. કેરળ અને હોવા બાદ ગુજરાત, રાજસ્થાનની સાથે સાથે દેશના અન્ય રાજ્યો પણ ગરમીની લપેટમાં આવી જવાની સંભાવના છે. થોડા સમય પહેલા જ એવી આગાહી કરવામાં આવી હતી કે દેશમાં હિમયુગ પુરો થઈ ગયો છે અને હવે ઉષ્ણયુગ શરૂ થશે.

હાલમાં જ જો આવી ગરમી પડી રહી છે તો ઉષ્ણયુગ કેવો હશે તેની કલ્પના કરવી જ ડરામણી છે. ભુતકાળમાં સરકારી તંત્ર વરસાદ વખતે જ કુદરતી આફત માટે દોડતું હતું. ક્યારેક વાવાઝોડું આવે ત્યારે તેનો કેર વર્તાતો હતો પરંતુ હવે ભારે ગરમી માટે પણ તૈયાર રહેવું પડે તેવી સ્થિતિ છે. જે રીતે કેરળમાં તાપમાન 54 ડિગ્રી પહોંચી ગયું તેવી જ રીતે દેશના અન્ય રાજ્યોમાં પણ તાપમાનનો પારો ઉંચો જશે તો ગરમી દેશમાં ગંભીર સ્થિતિ ઊભી કરશે. ગરમીને કારણે ગ્લેશિયર પીગળવાનો પણ મોટો ખતરો રહેલો છે. હિમાલયમાં રહેલા ગ્લેશિયર પીગળશે તો ભરઉનાળે દેશની અનેક નદીઓમાં પૂર જોવા મળે તેવું છે.

દેશમાં ઊભી થઈ રહેલી ગરમીની આ સ્થિતિને કાબુમાં કરવા માટે વહીવટીતંત્રએ અત્યારથી જ પગલાઓ લેવાની જરૂરીયાત છે. ગરમીમાં ઘરની બહાર ક્યારે નીકળવાથી માંડીને ગરમીથી બચવા માટે શું શું કરી શકાય તેની માર્ગદર્શિકા વહીવટીતંત્રએ જારી કરવાની જરૂરીયાત છે. આમ તો હજુ ઉનાળો શરૂ થયો નથી અને ત્યાં આવી સ્થિતિ છે ત્યારે ખરા ઉનાળે તંત્રએ લોકોને બચાવવા માટે દોડવું પડશે. ભારે  ગરમીના સમયે શું કરવો તેનો કોઈ જ મહાવરો સરકારી તંત્ર પાસે નથી. કેરળમાં તો પહાડી વિસ્તારોમાં પણ વિક્રમી ગરમી નોંધાઈ છે. કેરળની જેમ દેશના અન્ય પહાડી વિસ્તારોમાં પણ આ વખતે વધુ ગરમી પડે તેવી સંભાવના જોવાઈ રહી છે.

ભારે ગરમીને કારણે કમોસમી વરસાદ થાય છે અને તેને કારણે ખેડૂતોએ નવી ઉપાધિનો સામનો કરવો પડી રહ્યો છે. પાકને ભારે નુકસાન થવાને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે. ભારે ગરમી સાથે કેમ પનારો પાડવો તે ભારતના અનેક પ્રદેશો માટે નવી વાત છે. ભારતમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં પ્રમાણમાં ગરમી સામાન્ય રહેતી હોય છે પરંતુ આ વિસ્તારોમાં ગરમીનો પારો વધી રહ્યો હોવાથી તે માહોલ ચિંતાજનક છે. હવામાન વિભાગ પાસેથી જાણીને સરકાર દ્વારા દેશના કયા વિસ્તારોમાં કેટલી ગરમી પડે તેમ છે તેનો અંદાજ મેળવીને તેના માટે પગલા લેવાની શરૂઆત અત્યારથી કરી દેવાની જરૂરીયાત છે. જો સરકાર ઝડપથી નહીં જાગે તો આગામી દિવસોમાં ગરમી ભારતમાં એક નવી જ કટોકટી ઊભી કરશે તે નક્કી છે.

Most Popular

To Top