Business

સ્માર્ટ સિટી કહેવાતા સુરતના એરપોર્ટ પરથી ફલાઈટો ઉડવાના બદલે બંધ થઈ રહી છે

સુરત : એર ઇન્ડિયા, એર એશિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સહિતની એરલાઈન્સનું તાતા ગ્રુપમાં (TATA Group) મર્જર (Merger) થવાથી સુરતની (Surat) એર કનેક્ટિવિટીમાં ગાબડું પડ્યું છે. એક તરફ હીરાબુર્સ સુરતના આંગણે આવી રહ્યું છે અને બીજી તરફ આગામી તા. 3જીથી એર ઈન્ડિયા સુરતના ઓપરેશન બંધ કરે છે જેના લીધે સુરતના ઉદ્યોગકારો અને રોકાણકારો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાવાની છે. ચાર એરલાઈન્સના તાતા ગ્રુપ સાથે મર્જરને લીધે એર ઇન્ડિયાની દિલ્હી-સુરતની બે અને સુરત-કોલકાતાની એક ફ્લાઈટ બંધ થવા ઉપરાંત વિસ્તારા એરલાઈન્સે સ્લોટ મંજુર કરાવ્યા પછી સુરત-દિલ્હીની ફલાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી એ નિર્ણય પણ પડતો મુકવામાં આવ્યો છે.

ભલે એર ઇન્ડિયાનું સ્ટેટમેન્ટ હોય કે ભુવનેશ્વર બાગડોગરા અને સુરતમાં એર ઇન્ડિયાને બદલે તાતા ગ્રૂપ એર એશિયાની વધુ બેઠકો વાળી ફ્લાઇટ ઓપરેટ કરશે અને ફ્લાઇટનાં ઓપરેશનની એર ઇન્ડિયાની સંખ્યા જાળવી રાખવામાં આવશે પરંતુ સુરતનાં કિસ્સામાં થોડું અલગ તારણ નીકળીને બહાર આવે છે.

સુરત સેક્ટર માટે એર ઇન્ડિયા દિલ્હી-સુરત-દિલ્હી માટે સવાર અને સાંજની મળી બે ફ્લાઇટ ઓપરેટ કરતું હતું અને કોલકત્તાની એક ફ્લાઇટ ચાલતી હતી. આ ઉપરાંત તાતા ગ્રુપની વિસ્તારા એરલાઈન્સ પણ સાંજની દિલ્હી-સુરત-દિલ્હી ફલાઇટ ઓપરેટ કરવા શિડ્યુલ પણ મંજૂર કરાવી ચૂક્યું હતું. એ રીતે તાતા ગ્રુપની એરલાઇન્સનું એકીકરણ ન થયું હોત તો દિલ્હી-સુરત-દિલ્હી વચ્ચે ત્રણ ફ્લાઇટ ઓપરેટ થઈ રહી હોત. એરલાઇન્સ દ્વારા પહેલા દિલ્હી-સુરત-દિલ્હીની મોર્નિંગ ફ્લાઇટ બંધ કરવામાં આવી ત્યારબાદ એકીકરણને મુદ્દે વિસ્તારા શરૂ થઈ શકી ન હતી. હવે સુરત સેક્ટર એર એશિયાને હવાલે કરવામાં આવી રહ્યું છે.

ઈનશોર્ટ તા. 3/3/2023 થી એર ઇન્ડિયા સુરતનાં ઓપરેશન બંધ કરશે. આ મામલે એર ઇન્ડિયાનાં સીએમડીને WWWA Surat ગ્રુપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, સુરતને મર્જર પહેલા મળી રહેલી સુવિધાઓ અને કનેક્ટિવિટી ચાલુ રાખવામાં આવે.

તાતા ગ્રુપની એરલાઈન્સ કંપનીઓનાં મર્જરથી સુરત શું ગુમાવશે?

  • દિલ્હી-સુરત-દિલ્હીની ચાલતી બે અને એક જાહેર થયેલી ફ્લાઈટ ગુમાવશે, એને સ્થાને એર એશિયાની દિલ્હી-સુરત-દિલ્હી રૂટની એકમાત્ર ફ્લાઈટ થશે
  • સિંગલ પીએનઆર. ટીકીટ પર મળતી ઇન્ટનેશનલ કનેક્ટિવિટી બંધ થશે
  • સુરતની ગણતરી લો કોસ્ટ ફ્લાયર, બજેટ ફ્લાયર્સ સિટી તરીકેની ઊભી થશે, જે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં નેગેટિવ ઇમેજ ઊભી કરશે
  • બિઝનેસ ક્લાસ સીટ એર એશિયામાં નહી મળે

મર્જરથી સુરત શું મેળવશે ?

  • 130 થી 167 સીટની સામે 180-189 સીટનાં એરક્રાફટ
  • બેંગલુરુની ડેઇલી ફ્લાઇટ
  • 25 કિલો ચેક ઈન બેગેજ

શું અપેક્ષા હતી

  • દિલ્હી સુરત દિલ્હીની સાંજની ફ્લાઇટ મળે
  • સિંગલ પીએનઆર ટિકિટથી ઇન્ટનેશનલ કનેક્ટિવિટી ઝડપથી મળે
  • ઝડપથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે જેમ કે સિંગાપોર અને બેંગકોકની કનેક્ટિવિટી
  • સુરતથી લખનૌ, વારાણસી જેવા નવા સ્ટેશન ઉમેરાય
  • સુરત ખાતે બેઝ ફ્લાઇટ પાર્કિંગ થકી મેટ્રો સિટી માટે સવારમાં જવાની અને સાંજે આવવાની ફ્લાઇટ મળે

સ્પાઇસ જેટ એરલાઈન્સે સુરતથી એર ઓપરેશન સમેટ્યું, એકમાત્ર ગોવાની ફ્લાઈટ પણ બંધ કરી
વધતી ખોટને પગલે સ્પાઇસ જેટ એરલાઈન્સે સુરતથી એર ઓપરેશન સમેટી લીધું છે એકમાત્ર ગોવા-સુરત-ગોવાની ફ્લાઈટ પણ 9 ફેબ્રુઆરી પછી બંધ કરી દીધી છે. એરલાઈન્સે આ ફ્લાઇટ સસ્પેન્ડ કરી હોવાની જાહેરાત કરી નવી તારીખની સ્પષ્ટતા કરી નથી.

Most Popular

To Top