SURAT

બિહારના લઠ્ઠાકાંડમાં સુરતના યુવકનું મોત, 3 બાળકો અનાથ બન્યા

સુરત: બિહાર (Bihar) ના સારણમાં નકલી દારૂ (spurious liquor) ના કારણે અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. કોઈ અનાથ થઈ ગયું તો કેટલી મહિલાઓ વિધવા બની ગઈ. ઘણા એવા પરિવારો પણ છે, જેમનો એક માત્ર કમાનારો જ ઝેરી દારૂનો શિકાર બન્યો હતો. ઝેરી દારૂ પીવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. આ પરિવારનો એક યુવક સુરત (Surat) માં રહેતો હતો અને છઠ પૂજા પર ગામ આવ્યા હતા. દરમિયાન પરિવારમાં લગ્નના કારણે તેઓ ગામમાં જ રોકી ગયો હતો. ત્યારબાદ ઝેરી દારૂ પીવાથી મોત (Death) ને ભેટ્યો હતો.

યુવકનાં મોતથી પરિવારમાં શોક
આ યુવકનું નામ છે રૂપેશ શાહ. રૂપેશ મૂળ બિહારનો રહેવાસી છે અને સુરતમાં નોકરી કરતો હતો. રૂપેશ છઠ પૂજાને લઇ ગામ ગયો હતો. જો કે ત્યારબાદ પરીવારમાં લગ્ન પ્રસંગ હોવાના કારણે તે ગામમાં લાંબા સમયથી રોકાયેલો હતો. પરિવારજનોનાં જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે રૂપેશ અને ગામના અન્ય ઘણા લોકો દારૂ પીને મસરખથી પરત ફર્યા હતા, ત્યારબાદ તેમની તબિયત બગડવા લાગી હતી અને તે મોતને ભેટ્યો હતો. રૂપેશને બે યુવાન પુત્રીઓ અને 11 માસનો પુત્ર છે. રૂપેશના મોતથી પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે અને ઘરમાં શોકનો માહોલ છે. રૂપેશની સાસુ લાલ મુનિ દેવીએ કહ્યું કે મોટાભાગના મૃતકો ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના હતા અને તેઓ રોજીરોટી મજૂરી કરીને તેમના પરિવારોને ટેકો આપતા હતા. તેમના નિધન બાદ પરિવારમાં સંકટનો પહાડ તૂટી પડ્યો છે.

ઘટનાની તપાસ માટે SITની રચના
બિહારના સારણમાં ઇસુઆપુર અને મશરક પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત રીતે નકલી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. મૃતકના પરિજનોના જણાવ્યા મુજબ મોત દારૂ પીવાથી થયું છે. આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તેમાં 31 પોલીસકર્મીઓ છે. આટલું જ નહીં આ મામલામાં મશરક પોલીસ સ્ટેશનના એસએચઓ અને સ્થાનિક ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય મરહૌરાના સબ ડિવિઝનલ પોલીસ અધિકારીની બદલીની ભલામણ કરવામાં આવી છે. તેમની સામે વિભાગીય તપાસની માંગ કરવામાં આવી છે. ડીએમ અને એસપીએ સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેમની પાસે આ અંગે જે પણ માહિતી હોય, તેઓ ડર્યા વિના આગળ આવે અને પોલીસને જાણ કરે.

ઝેરી દારૂના કારણે મોતના મામલામાં ચોંકાવનારો ખુલાસો
નકલી દારૂના કારણે થયેલા મોત વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દારૂ સંબંધિત મૃત્યુના મુદ્દે વહીવટીતંત્ર મૌન છે, ત્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા ગેરકાયદે સ્પિરિટની ચોરી કરીને દારૂના વેપારીઓને વેચવામાં આવે છે. જેના કારણે લોકો તૈયાર થયેલો ઝેરી દારૂ પીને મરી રહ્યા છે. ગ્રામજનોમાં એવી ચર્ચા છે કે થોડા મહિના પહેલા મશરક પોલીસ સ્ટેશને મોટી માત્રામાં સ્પિરિટનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમાંથી 210 લીટર સ્પિરિટ ભરેલો ડ્રમ પોલીસ સ્ટેશન પરિસરમાંથી ગાયબ છે. ગ્રામજનોએ મશરક પોલીસ સ્ટેશનના ચોકીદાર પર ડ્રમ ચોરી કરીને દારૂ માફિયાઓને વેચવાનો આરોપ લગાવ્યો છે. જોકે પોલીસ આ સમાચારને અફવા ગણાવી રહી છે.

Most Popular

To Top