SURAT

SMCનો ચીફ એકાઉન્ટન્ટ અને પટાવાળો 2.50 લાખની લાંચ લેતા ACB દ્વારા ઝડપાયા

સુરત: સુરત (Surat) ઘોડદોડ રોડ પંચોલી સોસાયટી નજીકથી પાલિકાનો (SMC) ચીફ એકાઉન્ટન્ટ (CA) અને પટાવાળો રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાય ગયા હતા. ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર મળી ગયા બાદ સિક્યોરીટી ડિપોઝીટ પેટે જમા કરાવેલા રૂપિયા પરત મેળવવા લાંચ મંગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હાલ બન્નેને ACB એ પોતાની કસ્ટડીમાં લઈ તપાસ ચાલુ કરી છે.

ACB એ જણાવ્યું હતું કે, લાંચ લેતા ઝડપાયેલા બે પૈકી તેજસ પ્રકાશચંદ્ર આરીવાલા વર્ગ-2 સુરત મહાનગર પાલિકા મુગલીસરામાં ચીફ એકાઉન્ટ તરીકે અને લાલુભાઇ ભીખુભાઇ પટેલ વર્ગ-4 પટાવાળા સુરત મહાનગર પાલિકામાં કામ કરે છે. મહાનગર પાલિકા તરફથી ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર પૂરો કયા બાદ સીક્યુરીટી ડીપોઝીટ પેટે જમા કરાવેલા નાણા પરત મેળવવા અરજી કરાઈ હતી. જેને લઈ ચીફ એકાઉન્ટન્ટ દ્વારા ફરિયાદીને રુબરુ બોલાવી નાણા પરત કરવાના અવેજ પેટે રૂ. 2.50 લાખની લાંચ માંગવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, લાંચની રકમ પટાવાળાને આપી દેવા જણાવવામાં આવ્યું હતું. જેને લઈ ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચના છટકાનું ગોઠવી પટાવાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી તથા ચીફ એકાઉન્ટટ એ પણ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી પટાવાળા ને લાંચની રક્મ સ્વીકારવા જણાવ્યું હોવાનું સામે આવ્યું હતું. બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારી કે.જે.ધડુક, પોલીસ ઇન્સપેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.તથા એ.સી.બી. સ્ટાફ અને સુપર વિઝન અધિકારી તરીકે આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ એ જવાબદારી નિભાવી હતી.

Most Popular

To Top