SURAT

વડાપ્રધાન ઉતરવાના છે તે હેલીપેડ પર રીહર્સલ શરૂ : પાંચ સનદી અધિકારીઓ પણ મુકાયા

સુરત : શહેરમાં આગામી 29મી તારીખે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી સુરતની (Surat) મુલાકાતે આવી રહ્યા છે. લિંબાયતના નીલગીરી મેદાન ખાતે તેની જાહેરસભા અને આસ્તિક સ્કૂલથી આ મેદાન સુધી અઢી કિ.મી.નો રોડ શો થવાનો હોય આખા વિસ્તારની જાણે કાયાપલટ થઇ રહી હોય તેમ તડામાર કામો ચાલી રહ્યા છે. મંગળવારે આસ્તિક સ્કૂલ ખાતે બનેલા હેલીપેડ પર હેલિકોપ્ટર ઉતારવાનું રિહર્સલ કરાયું હતું તેમજ આ વિસ્તારમાં વરસો જુના ઝુંપડાઓ હતા તે પણ આ કાર્યક્રમના બહાને હટાવી દેવાયા છે.

મનપાના તંત્ર દ્વારા મોદીની સભા થવાની છે તે ગ્રાઉન્ડ સમતળ બનાવવા યુદ્ધના ધોરણે કામ કરાયું છે. સ્ટીલ સ્લગનો ઉપયોગ કરી ખાડાઓ પુરવા પુરાણ કરી દેવાયું છે. સ્લગથી પુરાણ કરાતા જો સભાના દિવસે વરસાદ પડે તો પણ કાદવ  થશે નહીં. મનપાના અધિકારીઓ દિવસ રાત અહીં રાઉન્ડ ધ કલોક કામ કરાવી રહ્યા છે. અહીં અધિકારીઓની વ્યવસ્થા માટે તંબુ નાંખી દેવાયા છે. મનપાની મહત્તમ મશીનરીઓ અહીં કામે લગાવી દેવાઇ છે.

મોદીના કાર્યક્રમની વ્યવસ્થા માટે પાંચ સનદી અધિકારીઓ તૈનાત કરાયા
સુરત : લિંબાયતમાં નિલગીરી ગ્રાઉન્ડ ખાતે 29મી તારીખે યોજાનારી મોદીની જાહેરસભાને અભૂતપૂર્વ રીતે સફળ બનાવવા મનપા દ્વારા પાણીની જેમ પૈસા વાપરીને ઉચ્ચ કક્ષાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મનપા અને જિલ્લા પ્રશાસન દિવસરાત દોડી રહયું છે. આમ છતાં રાજ્ય સરકારને સંતોષ નહીં હોવાથી મોનિટરિંગ માટે સુરત શહેર જિલ્લાના પ્રભારી સચિવ એમ. થેન્નારસન ઉપરાંત ચીફ એકઝિક્યુટીવ ઓફિસર ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત આર.એસ.નિનામા, સંયુકત મેનેજીંગ ડીરેકટર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ બી.જી.પ્રજાપતિ, ટેક્નિકલ શિક્ષણ નિયામક જી.ટી. પંડ્યા અને અધિક ઉદ્યોગ કમિશનર કમલ શાહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નાયબ સચીવ જસ્મીન હસરતને પણ સુરત મોકલાયા છે.

Most Popular

To Top