Surat Main

મેટ્રો માટે સુરતના 4 કિલોમીટરના આ વિસ્તારમાં 4 એલિવેટેડ સ્ટેશન બનાવાનું કામ સોંપાયું

સુરત:(Surat) સુરત માટે મહત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. સુરત મેટ્રો રૂટમાં બે રૂટ ફાઈનલ કરાયા છે. જેમાં પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમસિટી (21.61 કિ.મી) નો રૂટ છે. હાલમાં પ્રથમ ફેઝમાં કાદરશાની નાળથી ડ્રીમસિટીના (Dream City) 10 કિ.મી ના એલિવેટેડ (Elevated) રૂટની કામગીરી સદભાવ એન્જિનિયરિંગ અને એસ.પી સીંગલા દ્વારા કરવામાં આવી રહી છે. તો કાપોદ્રા રેમ્પથી સુરત રેલવે સ્ટેશનના 3.46 કિ.મીના અંડરગ્રાઉન્ડ રૂટની કામગીરી ગુલેમાર્ક દ્વારા તો સુરત રેલવે સ્ટેશન-ચોકબજારના 3.5 કિ.મી ના અંડરગ્રાઉન્ડ (Underground) રૂટની કામગીરી જે.કુમાર દ્વારા હાલ કરવામાં આવી રહી છે. અને હવે પ્રથમ ફેઝમાં બાકી રહી ગયેલા કાપોદ્રાથી સરથાણા સુધીના 4.15 કિ.મી માટેના 4 સ્ટેશન માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવાયા છે જેથી ફેઝ-1 ના તમામ સ્ટેશનોની કામગીરી હવે ઝડપભેર થશે.

  • સુરત મેટ્રો ફેઝ-1 ના બાકી રહેલા 4 સ્ટેશન માટેના પણ ટેન્ડરો મંગાવાયા
  • જીએમઆરસી દ્વારા સુરત મેટ્રોની 21.61 કિમી ફેઝ-1 માટેના બાકી રહેલા 4 એલીવેટેડ સ્ટેશન માટેના ટેન્ડર બહાર પડાયા: જે સરથાણા – ડ્રીમ સિટીને 20 સ્ટેશનો દ્વારા જોડશે.

હાલમાં જ જીએમઆરસી દ્વારા ફેઝ-2 માટેના ભેસાણથી સારોલી કે જે 18.74 કિ.મી નો રૂટ છે. જે પૈકીના ભેસાણથી મજૂરાગેટ સુધીના 10.55 કિ.મીના રૂટ માટે ટેન્ડર મંગાવાયા હતા. જેમાં કુલ 11 સ્ટેશનો હશે. હવે સુરત મેટ્રો માટે માત્ર મજુરાગેટથી સારોલી સુધીના એટલે કે, માત્ર 8.19 કિ.મી ના રૂટના જ ટેન્ડરો મંગાવવાના બાકી છે. બાકી તમામ અન્ય તમામ રૂટના ટેન્ડરો બહાર પડી ચૂક્યા છે અને અંડરગ્રાઉન્ડ અને એલિવેટેડના અન્ય રૂટની તો કામગીરી પણ એજન્સીઓ દ્વારા શરૂ કરી દેવાઈ છે.

કાપોદ્રાના ઉત્તર રેમ્પથી સરથાણા સુધી 4 એલિવેટેડ સ્ટેશનો બનશે
જીએમઆરસી (GMRC) દ્વારા સુરત મેટ્રોના (Surat Metro) પ્રથમ ફેઝને પુર્ણ કરવા માટે બાકી રહી ગયેલા કાપોદ્રાથી સરથાણા સુધીના 4.15 કિ.મીના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં કુલ 4 સ્ટેશનો હશે. જે સરથાણા અને કાપોદ્રા સ્ટેશન પાસે ઉત્તર રેમ્પને જોડશે. સરથાણાથી ડ્રીમસિટીના રૂટમાં 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો છે. અને કાપોદ્રા સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે ત્યારબાદ કાપોદ્રા રેમ્પથી સરથાણા સુધી એલિવેટેડ સ્ટેશન હશે. આ 4.15 કિ.મી ના એલિવેટેડ રૂટમાં સરથાણા, નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન અને શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ આમ 4 સ્ટેશન બનશે જેથી ડ્રીમસિટીથી સરથાણાના સંપુર્ણ રૂટ પુર્ણ થશે.

Most Popular

To Top