Surat Main

સુરત: સાયબર ક્રાઇમની તપાસ કરતાં સાયબર સેલનું જ ફેક ફેસબુક પેઇજ સામે આવી ગયું!

સુરત: (Surat) પાસોદરા ખાતે રહેતા રત્નકલાકાર સાયબર પોલીસ (Cyber Police) તથા લોકલ પોલીસના સાયબર અવરનેસ કાર્યક્રમમાં ભાગ લીધા પછી તેમનાથી પ્રભાવિત થયો હતો. અને બાદમાં ફેસબુક (Facebook) ઉપર પોતે સાયબર ક્રાઈમ સેલના નામે પેજ બનાવી પોતે જ અધિકારી હોવાનો દાવો કરી તેનો સંપર્ક કરવાની જાહેરાત મુકતા સાયબર ક્રાઈમ પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ફેસબુક ઉપર થોડા દિવસ પહેલા સાયબર પોલીસના ધ્યાને સાયબર ક્રાઈમ સેલ તરીકેનું એક પેજ બન્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેની તપાસ કરતાં પ્રહલાદ શાંતીભાઇ રાજપરા નામની વ્યક્તિએ ફોટો સાથે પોતે સાયબર ક્રાઇમ સેલ, સુરત શહેરમાં નોકરી કરતો હોય તેવું પ્રસ્થાપિત થાય તે રીતે પેજ બનાવ્યું હતું. પોતે સાયબર સેલમાં અધિકારી તરીકેનું ખોટુ નામ ધારણ કરી સોશિયલ મીડિયા ફેસબુક ઉપર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરતનું ફેક પેજ બનાવ્યું હતું. તે પેજમાં તથા તેના પોતાના ફેસબુક એકાઉન્ટમાં પ્રહલાદ રાજપરા પોતાના ફોટોની સાથે ગુજરાત પોલીસના લોગોનો ઉપયોગ કર્યો હતો. પોતે સાયબર ક્રાઇમ સેલ ઇન્ટેલિજન્સ હેડ ઓફ સુરત સિટી હોવાનું જાહેર કર્યું હતું. આ પોસ્ટ વાયરલ થતાં સાયબર સેલે તેની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી પ્રહલાદ શાંતીભાઇ રાજપરા (ઉ.વ.-૨૪, રહે.ઘર નં.સી/૩, ૪૦૭, ગઢપુર ટાઉનશીપ, નવકાર પેલેસની પાસે, કઠોદરા રોડ, પાસોદરા, સરથાણા તથા મુળ ગઢડા, જી.બોટાદ) ની ધરપકડ કરી હતી. આરોપી પોતે રત્નકલાકાર છે. અને સાયબર પોલીસે લોકલ પોલીસ સાથે મળીને અવેરનેસ કાર્યક્રમ કર્યો ત્યારે તે ફ્રેન્ડ ઓફ પોલીસ તરીકે જોડાયો હતો. બાદમાં પોલીસથી પ્રભાવિત થઈ તેને આ રીતે પેજ બનાવીને વાયરલ કર્યું હતું.

  • આરોપીએ ફેસબુક ઉપર આ મેસેજ મુક્યો હતો
  • જો આપની બહેન દિકરી સ્કુલ કે કોલેજ જતી વખતે તમને કોઈ ખોટી રીતે હેરાન કરે અથવા પીછો કરે કે કોઈ પણ પ્રકારના ખોટા વાહિયાત મેસેજ કે ફોટો અપલોડ કરે તથા ખોટી માહિતી શેર કરે તો સાઈબર ક્રાઈમ સેલની મુલાકાત લો. -પ્રહલાદ રાજપરા
  • બહેન દીકરીને ખાસ વિનંતી કોઈનાથી બિવાની જરૂર નથી એની ટાઈમ કોલ કે માહિતી અમારી સાઈબર ક્રાઈમ સેલ ઇન્ટેલિજન્સ પાસેથી લઈ શકો છો. તમારા માતા પિતાને સમજવાની જવાબદારી આ ટીમની રહેશે.

Most Popular

To Top