Dakshin Gujarat Main

એક હાથમાં ગ્લુકોઝની બોટલ ચડતી હતી અને બીજા હાથથી ડાંગની વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષા આપી!

સાપુતારા (Saputara): ડાંગ જિલ્લામાં (Dang District) બોર્ડની પરીક્ષામાં (Board Exam) એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે સંભવત: રાજ્યનો પહેલો કેસ હશે. અહીં બોર્ડની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીની (Student) તબિયત લથડતા તેને 108 મારફત નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર લઇ જવામાં આવી હતી અને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવી હતી. આ વિદ્યાર્થિનીએ ચડાવેલી બોટલની સાથે જ ખંડમાં જઇને પરીક્ષા પૂર્ણ કરી હતી.

  • SSC બોર્ડની સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષામાં બની ઘટના
  • સુબિર કેન્દ્રના બ્લોક નં.2ની પરીક્ષાર્થી સ્વીટી ગામીતની તબિયત બગડી
  • 108માં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જઈ સારવાર કરાવાઈ
  • ગ્લુકોઝની બોટલ સાથે પરીક્ષા આપી

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં હાલમાં એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. છૂટાછવાયા કોપી કેસના કિસ્સાને બાદ કરતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી રહ્યાં છે. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ કુલ 9 જેટલા કેન્દ્રો પર એસ.એસ.સી બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન ગુરુવારે ડાંગ જિલ્લાનાં સુબિર કેન્દ્ર ખાતે એસ.એસ.સી બોર્ડની સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પોતપોતાના બ્લોકમાં ગોઠવાઇ ગયા હતા. ત્યારે અચાનક જ સુબિર કેન્દ્ર ખાતેના બ્લોક નંબર 2માં પરીક્ષાર્થી સ્વીટીબેન છગનભાઈ ગામીતની તબિયત અચાનક જ લથડી ગઇ હતી. વિદ્યાર્થિનીની તબિયત અચાનક લથડતાં કેન્દ્રના સંચાલકે તાત્કાલિક 108નો સંપર્ક કર્યો હતો અને ગણતરીની મીનિટમાં જ સાયરનના અવાજ સાથે 108 કેન્દ્ર પર આવી પહોંચી હતી.

પરીક્ષાના કેન્દ્રથી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માત્ર 400 મીટરના જ અંતરે હોવાથી ત્રણ જ મીનિટમાં 108 સ્વીટી ગામીતને લઇને સુબિર સીએચસી ઉપર પહોંચી ગઇ હતી. ગંભીરતા જોઇને ફરજ પરના તબીબોએ તેની સારવાર પણ શરૂ કરી દીધી હતી. જો કે, તેને સામાન્ય તકલીફ હોવાથી ગ્લુકોઝની બોટલ ચડાવતાની સાથે જ તે સ્વસ્થ થઇ ગઇ હતી. તબીબોની આરામની સલાહ વચ્ચે પણ તેણે પરીક્ષા આપવાની જીદ પકડતા તેને ફરીથી તેને પરીક્ષા કેન્દ્ર ઉપર લાવવામાં આવી હતી અને તેણે ચડાવેલી બોટલ સાથે જ પરીક્ષા પૂર્ણ કરી હતી. આવો કિસ્સો ભાગ્યે જ બનતો હોવાથી તેમજ વિદ્યાર્થિનીની હિંમત જોઇને કલેક્ટર કચેરીના ઓબ્ઝર્વર પરિમલ આર. પટેલ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેને સાનુકુળ વાતાવરણમાં પરીક્ષામાં બેસાડી હતી. આ નાનકડી દીકરીની હિંમત જોઇને તેના સહપાઠી અને કેન્દ્રનો સ્ટાફ તો અવાક રહી જ ગયો હતો પરંતુ જેમ જેમ આ વાત ફેલાઇ તેમ તેમ ડાંગના લોકો તેની હિંમતને દાદ આપતા નજરે પડ્યાં હતા.

Most Popular

To Top