88 વર્ષથી સુરતીઓને ક્લિયર વિઝન પૂરું પાડતું નાણાવટી ઓપ્ટિકલ્સ

જુના જમાનામાં ચશ્મા અને ગોગલ્સ લારી અને પેટી પર મૂકીને વેચવામાં આવતા હતા. 40ના દાયકામાં દેશના મેટ્રો સિટીમાં ચશ્મા વેચાણ માટે દુકાન, શૉ રૂમ કે આઉટલેટનો આઇડિયા સફળ રહ્યો આ અરસામાં સુરતમાં ચશ્માની પ્રથમ દુકાન સુરતના રાજમાર્ગના લાલગેટ કણપીઠ બજારમાં નાણાવટી ઓપ્ટિકલ્સના નામે 1934માં શરૂ થઈ હતી. તે સમયે સુરતના શાહપોરમાં રહેતા ચંદ્રકાંત હિરાલાલ નાણાવટી અને નવીનચંદ્ર હીરાલાલ નાણાવટીએ નાણાવટી ઓપ્ટિકલ્સની સ્થાપના કરી ત્યારે ચશ્મા ઉપરાંત ઘડિયાળ અને પેન વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જો કે પાછળથી આ વ્યવસાય ચશ્માના વેચાણમાં તબદીલ થઈ ગયો હતો. જ્યાં નાણાવાટી ઓપ્ટિકલ્સનો પ્રારંભ થયો ત્યાં જ આજે 88માં વર્ષે પણ અડીખમ ચશ્મા, ગોગલ્સ અને ચશ્માની ફ્રેમનો આધુનિક શૉ રૂમ સફળતા પૂર્વક ચાલી રહ્યો છે. નાણાવટી પરીવારની ત્રીજી પેઢી સુરતનો આ પ્રથમ ઓપ્ટિકલ્સ શૉ રૂમ નવી ટેક્નોલોજી અને નવા વિચારો સાથે ધમધમાવી રહી છે. ચશ્મા, ચશ્માની ફ્રેમ, ગોગલ્સ અને કોન્ટેક્ટ લેન્સના વેચાણ માટે નાણાવટી ઓપ્ટિક્લ્સ ભરોસાપાત્ર નામ ગણાય છે. આજે પેઢીનામામાં નાણાવટી પરીવાર વિશે જાણીશું

સુરતી સેલિબ્રિટીઝની પહેલી પસંદ નાણાવટી ઓપ્ટીકલ્સ
જયેશભાઈ
કહે છે કે, 1992માં રાજમાર્ગના ડિમોલીશન સમયે 14 ફૂટ જેટલી દુકાન કપાઈ ગઈ હતી. આ દુકાન નવેસરથી રિનોવેટ કરી તેના જૂના ગ્રાહક અને સુરતના તે સમયના મેયર અજીત દેસાઈના હસ્તે તેનું ફરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શૉ રૂમના VIP ગ્રાહકોમાં ટેક્સટાઈલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ, માજી મેયર અજય ચોક્સી, જુની પેઢીના સહકારી આગેવાન કાવસજી મોદી, ડૉ. શામ ભક્કા, ચેમ્બરના માજી પ્રમુખ રજનીકાંત મારફતીયા, સ્વતંત્રતા સેનાની અને રાજ્યસભાના સાંસદ સ્વ. કેપ્ટન ગોલંદાજ, અને કર્નલ દુધાણી, ગોરધનદાસ ચોખાવાળા, રણછોડદાસ પોપાવાળા મુખ્ય હતા.

ગાંધીજીના વિખ્યાત રાઉન્ડ શેપ ચશ્માની સિરીઝના ચશ્માનો એક સેટ પાસે છે : જયેશભાઈ નાણાવટી
જયેશ ભાઈ નાણાવટી કહે છે કે, તેમના પીતા નવિનચંદ્ર હિરાલાલ નાણાવટી દ્વારા ગાંધીજીના વિખ્યાત રાઉન્ડ શેપ ચશ્માની સિરીઝના ચશ્માનો એક સેટ પરીવારને વારસામાં આપ્યો હતો. આ સેટ અમે ચાંદીની પેટીમાં સાચવી રાખ્યો છે.  દર વર્ષે ચોપડા પૂજન સાથે આ ચશ્માના સેટની પૂજા પણ કરવામાં આવે છે. તેની સાથેની તે સમયનું સ્ક્રૂ ડ્રાઈવર પણ જાણવી રાખ્યુ છે. પહેલાના સમયમાં 100-200 રૂા.માં સારા ચશ્મા મળી રહેતા પરંતુ આજે 300થી લઇ લાખ્ખો રૂા. સુધીના ચશ્મા મળે છે.

1934માં થઇ શરૂઆત
સુરતમાં ચશ્માની પ્રથમ દુકાન સુરતના રાજમાર્ગના લાલગેટ કણપીઠ બજારમાં નાણાવટી ઓપ્ટિકલ્સના નામે 1934માં ચંદ્રકાંત નાણાવટી અને નવીનચંદ્ર નાણાવટી દ્વારા દુકાનની સ્થાપના થઈ ત્યારે ચશ્મા ઉપરાંત ઘડિયાળ અને પેન વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જો કે પાછળથી આ વ્યવસાય ફક્ત ચશ્માના વેચાણમાં તબદીલ થઈ ગયો હતો. નાણાવટી ઓપ્ટિકલ્સનો 88 વર્ષનો એક ભવ્ય ઈતિહાસ રહ્યો છે. જોકે, સંયુક્ત કુટુંબમાં જેમ પરીવારનું વિસ્તરણ અને વિભાજન થાય છે તેમ ચંદ્રકાંત નાણાવટીના પરીવારજનોએ ચશ્માઘર નામથી આઉટલેટ શરૂ કર્યા હતા. જ્યારે નવીનચંદ્ર નાણાવટીના પરીવારજનોએ નાણાવટી ઓપ્ટિકલ્સના નામથી જ વેપાર આગળ ધપાવ્યો છે. 40ના દાયકામાં દેશના મેટ્રો સિટીમાં ચશ્મા વેચાણ માટે દુકાન, શૉ રૂમ કે આઉટલેટનો આઇડિયા સફળ રહ્યો. એ પહેલા પેટીઓમાં ચશ્માનું વેચાણ થતું હતું.

નાણાવટી પરીવારના મીનળબેને અમેરિકામાં લગ્ન થતા ત્યાં પણ ઓપ્ટિકલ્સનો શૉ રૂમ શરૂ કર્યો
નાણાવટી પરીવારના લોહીમાં ચશ્માથી જોવામાં આવતું વિઝન છે. નાણાવટી પરીવારના મીનળ બકુલ નાણાવટીના લગ્ન અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં થયા હતા. ત્યાં પણ મીનળબેને હ્યુસ્ટનમાં ઓપ્ટિકલ્સનો આધુનિક શૉ રૂમ શરૂ કર્યો છે. અને તેનું સંચાલન તેઓ સફળતાપૂર્વક કરી રહ્યા છે.

રે-બેનના ચશ્માની પહેલી ફ્રેન્ચાઈઝી નાણાવટીને મળી હતી
જાણકારો કહે છે કે, વિખ્યાત રે-બેન ચશ્માના આઉટલેટ ભારતમાં 1992માં લોન્ચ કરવામાં આવ્યા ત્યારે દેશમાં મેટ્રો સિટીની સાથે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં નાણાવટીને રે-બેનની પ્રથમ ફ્રેન્ચાઈઝી મળી હતી. તે સમયે રે-બેનની ફ્રેન્ચાઈઝી મેળવવી ઓપ્ટિક્લ્સ ઈન્ડસ્ટ્રીમાં સ્ટેટ્સ સિમ્બોલ માનવામાં આવતી હતી.

સુરતમાં ગ્લાસ મેન્યુફેક્ચરિંગનું પ્રથમ કારખાનું નંખાયંુ
1950 દરમિયાન સુરતના ચશ્માના ગ્લાસ માટે પ્રથમ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચંદ્રકાંત નાણાવટીના પરીવારજનોએ ઉધના અને ઓલપાડમાં શરૂ કર્યું હતું. અહીં હોલસેલમાં ગ્લાસ મેન્યુફેક્ચરિંગનો વેપાર ચાલતો હતો.

માત્ર વેપાર નહીં સમાજ સેવામાં પણ અવ્વલ
સુરત ઓપ્ટિક્લ્સ એસોસીએશનમાં 20 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર જયેશભાઈ માત્ર વેપાર નહીં પરંતુ વેપાર થકી જે મળ્યું છે તે જરૂરિયાતમંદ લોકોને પરત આપવા માટે પણ જાણીતા છે. પ્રત્યેક મહિને તેઓ શહેરના સેવાભાવી ટ્રસ્ટને નુકસાન વેઠીને પણ 40થી 50 ચશ્માઓ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે ટ્રસ્ટને આપતા આવ્યા છે. કોરોનાકાળમાં પણ તેમણે ટ્રસ્ટને જરૂરિયાતમંદ લોકો માટે ચશ્મા વિતરણ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા ગોગલ્સ અને ચશ્માની ફ્રેમનો ક્રેઝ ચાલી રહ્યો છે
વિશ્રુત નાણાવટી કહે છે કે, અત્યારે સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઈજીન બ્રાન્ડની ફ્રેમના ચશ્મા પહેરે છે અને શીલોટ કંપનીના ગોગલ્સ પહેરે છે. તેની સૌથી વધુ ડિમાન્ડ યુવાનોમાં જોવા મળે છે. એક રીતે યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષયકુમાર અને રિતિક રોશન જે ગોગલ્સ પહેરે છે તે તરફ આકર્ષાય છે. જ્યારે કોન્ટેક્ટ લેન્સમાં સવારે પહેરીને સાંજે ફેંકી દેવાના યુઝ એન્ડ થ્રો કોન્ટેક્ટ લેન્સનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. યરલી લેન્સીસનો ચલણ પણ વધ્યું છે. આ લેન્સીસ અલ્ટ્રાસોફ્ટ, કમ્ફર્ટેબલ હોય છે. જે સીલીકોન મટિરિયલમાંથી બને છે. હાર્ડ લેન્સ અને સેમી સોફ્ટલેન્સનું સ્થાન હવે પ્યોરલી સોફ્ટલેન્સે લીધુ છે. જેમાં વોટર કન્ટેન્ટ સારો હોય છે. આંખમાં ડ્રાઈનેસની સમસ્યા રહેતી નથી. 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ ચશ્માનું ક્રેઝ પણ યુવાનોમાં વધુ જોવા મળી રહ્યો છે. કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણ થતાં બાળકો માટે બ્લુ લાઈટ લેન્સીસની ડિમાન્ડ નીકળી હતી. બ્લ્યુ ટરકોઈઝ અને બ્લ્યુ વાયોલેટ રેઈઝની ડિમાન્ડ મોબાઈલ અને કોમ્પ્યુટર સહીતના ગેઝેટ ચલાવતા વિદ્યાર્થીઓ માટે વધુ રહી હતી. ઓપ્ટીકલ્સના વેપારમાં બોલીવૂડનુંં યોગદાન છે. દીવારમાં અમિતાભે પહેરેલા ગોગલ્સ હોય કે શાહરૂખે બાઝીગરમાં પહેરેલી રાઉન્ડ ફ્રેમ હોય, રાજેશ ખન્નાથી લઇને દીપીકા પાદૂકોણ અને ઐશ્વર્યા રાય જે ગોગલ્સ પહેરે છે બધાંની જ ડિમાન્ડ દેખાતી હોય છે.

બદલાતી ડિઝાઈન અને ફેશન પ્રમાણે ઓપ્ટિકલ ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવે છે : વિશ્રુત નાણાવટી
નાણાવટી ઓફ્ટિકલ્સની ત્રીજી પેઢીના સંચાલક વિશ્રુત નાણાવટી કહે છે કે,  બદલાતી ડિઝાઈન અને ફેશન પ્રમાણે ઓપ્ટિકલ ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવે છે  ફ્રેમ મેટલ અને પ્લાસ્ટિકની પહેરવાનો ક્રેઝ ચાલે છે. ફાઈબર લેન્સનું ચલણ પણ વધ્યું છે. 1990 પછી કોન્ટેક્ટ લેન્સ આવ્યા અને 2000ના વર્ષ પછી ચશ્મામાં ફેશનેબલ ડિઝાઈનનો ક્રેઝ શરૂ થયો. 1995થી 2007 સુધી હીરા ઉદ્યોગમાં તેજી હતી ત્યારે ઓપ્ટિકલ ઇન્ડસ્ટ્રીએ ખૂબ સારો વેપાર કર્યો હતો.

વંશ વેલો
• ચંદ્રકાંત હિરાલાલ નાણાવટી
• નવીનચંદ્ર હિરાલાલ નાણાવટી
• બકુલ ચંદ્રકાંત નાણાવટી
• શૈલેષ ચંદ્રકાંત નાણાવટી
• દિલીપ ચંદ્રકાંત નાણાવટી
• જયેશ નવીનચંદ્ર નાણાવટી
• વિશ્રુત જયેશ નાણાવટી
• શૌનક બકુલ નાણાવટી
• મીનળ બકુલ નાણાવટી

Most Popular

To Top