Charchapatra

છટકબારી

મકાન-ઘરમાં હવા-ઉજાસ આવે તે માટે બારી રાખવામાં આવે છે. બારી અનેક રીતે ઉપયોગ લેવામાં આવે છે. એપાર્ટમેન્ટમાં રહેતાં કેટલાંકને બારીમાંથી એંઠવાડ ફેંકવાની કુટેવ હોય છે. ગંદું પાણી, સૂકો-ભીનો કચરો પણ નીચે ફેંકે. સાવચેતી રાખવાની ફરજ રાહદારીઓએ રાખવાની! કેટલાંક ઘર-ઓફીસની બારીનો ઉપયાગ નાસી છૂટવા, ખસી જવા, બચી જવા કે છટકી જવા માટે પણ કરે. પછી કહે, “હાશ, છૂટી ગયા.” કામ કરો એટલે ક્યારેક ગૂંચ પડે, ત્યારે ઉપાય-ઉકેલ શોધવાને બદલે એવો અવસર શોધે કે પોતે છટકી જઈને બીજાને જવાબદાર સાબિત કરે, પછી ખુશ થઈ જાય. કામચોરી કરી, છટકબારી શોધી ભાગનારની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. આમ તો કાર્યરત રહેવાથી પ્રગતિ થાય એની જાણ હોય છે પણ, વધારે કામ કરે કોણ?

કર્મણ્યતા એ સાચું જીવન છે. એક કહેવત મુજબ, આળસુ માનવીના મગજમાં સેતાનનું કારખાનું શરૂ થઈ જાય છે. યુવાવસ્થા, પ્રૌઢા અને વૃદ્ધાવસ્થામાં એટલે કે જીવનના દરેક તબક્કે પોતાને ભાગે આવેલ કર્તવ્યો બજાવવાની માનવીની ફરજ હોય છે. એમાં છટકબારી શોધનારા પોતાના અને બીજા માટે સમસ્યાઓ ઊભી કરે  છે. કેટલાક કહેવાતા હોશિયાર લોકો કર્તવ્યપાલન, ફરજપાલનમાં પોતાની અંગત સમસ્યાઓ બતાવીને છટકબારી શોધતા રહે છે. દરેક સમયે બહાનાનું એક લાંબું લિસ્ટ તૈયાર રાખે છે. દરેક નાગરિકની ફરજ છે કે, કર્તવ્યપાલન પ્રામાણિકતાથી કરવું જોઈએ. દરેક સમયે પોતાનો સ્વાર્થ સાધો તે અયોગ્ય કહેવાય. સૌ પોતાના અધિકાર માટે અવગત છે તો કર્તવ્યપાલનમાં બેદરકારી શા માટે? નોકરી-વ્યવસાયમાં પોતાની ફરજો, સમયપાલન સાથે નિભાવવી જોઈએ. સમય સાચવી, યોગ્ય કર્તવ્યપાલન કરનાર જ આગળ વધી શકે છે. છટકબારી શોધનારને જાણ થાય કે, નિષ્ઠાપૂર્વક કર્તવ્યપાલન એ જ સાચો માનવધર્મ છે.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top