SURAT

દર્શના જરદોશની રજૂઆત ફળી: સ્પાઇસજેટ ગોવા અને જયપુરની ફલાઇટ ફરી શરૂ કરશે

સુરત: એક સમયે સુરતથી (Surat) એક સાથે 7 એરપોર્ટને જોડતી ફ્લાઈટ શરૂ કરનાર સ્પાઇસજેટ એરલાઈન્સ એ સુરત એરપોર્ટથી બાકી બચેલી ગોવા (Goa) અને જયપુરની (Jaipur) બંને ફલાઈટનું બુકિંગ અચાનક 17 નવેમ્બરથી બંધ કરતાં સુરતનાં સાંસદ અને કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજયમંત્રી દર્શના જરદોશે નવી દિલ્હીમાં સ્પાઈસ જેટના સીએમડી અજયસિંહને સુરતથી એરલાઈન્સ એના એર ઓપરેશન ચાલુ રાખે એવી મુદ્દાસર રજૂઆત કરી હતી. એને પગલે એરલાઈન્સે 10 ડિસેમ્બરથી ગોવા અને જયપુરની ફ્લાઈટ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય મંત્રીએ રજૂઆત કરી હતી કે, સુરત એરપોર્ટથી સ્પાઇસજેટનું ઓપરેશન બંધ થશે તો ફરી પરત થવું મુશ્કેલ બનશે. કારણકે ગ્રાઉન્ડ સ્ટાફ, ઓફિસ સ્ટાફ, ટિકિટ બુકિંગ ઓફિસ સહિત બધી સુવિધાઓ ફલાઇટ વિના રાખવી શક્ય રહેશે નહીં. સુરત દેશનું 8મું સૌથી મોટું શહેર છે અને 2021ની આગામી વસ્તી ગણતરીમાં તેને મેટ્રો સિટી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા સુરતને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેર તરીકે ઓળખવામાં આવ્યું છે. વિશ્વનું સૌથી મોટું સુરત ડાયમંડ બુર્સ આવવાથી મુંબઈનો હીરાનો વેપાર અહીં શિફ્ટ થશે અને સુરતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ખૂબ જ સારી માંગ રહેશે. સુરત એરપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ ચાલુ છે અને નવા વર્ષની શરૂઆતમાં નવા ટર્મિનલ બિલ્ડીંગ, પાર્કિંગ બે અને ટેક્સીવે જેવા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ જશે. ઓછામાં ઓછી 3 દૈનિક ફ્લાઇટ્સ સાથે નવી દિલ્હી કનેક્શન પુનઃસ્થાપિત કરવું જોઈએ. અને સુરતથી મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, ચેન્નઈ, પટના અને વારાણસીની બંધ થયેલી ફ્લાઈટ ફરી શરૂ થવી જોઈએ. અજય સિંહે ટેક્સટાઈલ રાજયમંત્રી દર્શના જરદોશને રજૂઆત મામલે એરલાઈન્સની ટીમ પાસે વિગતો મંગાવ્યા પછી વળતો ઉત્તર પાઠવવા ખાતરી આપી હતી.

દર્શના જરદોશએ સ્પાઇસ જેટ એરલાઈન્સના સીએમડી.અજયસિંહને સુરત એરપોર્ટથી એર ઓપરેશન ચાલુ રાખવા સમજાવ્યા હતાં. તેમને સુરતના પેસેન્જર ગ્રોથના ડેટા સાથે રજૂઆત કરતાં સાંજે સ્પાઈસ જેટ એરલાઈન્સે 10 ડિસેમ્બરથી સુરતથી ગોવાની ફલાઈટનું ફરી બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં બીજા સ્ટેશનો ઓપન કરવાની પણ ખાતરી આપી છે. જોકે બંને ફ્લાઈટનું બુકિંગ 17 નવેમ્બર સુધી હાલ પૂરતું બંધ રેહશે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્યોએ સ્પાઈસ જેટ ના ઉચ્ચ અધિકારીઓને સુરતથી તેમની ફલાઇટો બંધ કરવાને બદલે બીજા નવા શેહરોને જોડતી ફ્લાઈટ શરૂ કરવા રજૂઆત કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ સુરતથી દુબઈ, બેંગકોકની ફ્લાઈટ શરૂ કરવા પણ સંવાદ કર્યો
કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશએ સ્પાઇસજેટના સીએમડી અજયસિંહને એર ઇન્ડિયા એક્સપ્રેસ સપ્તાહમાં 3 દિવસ સુરતથી શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઈટ સફળતા પૂર્વક ઓપરેટ કરી રહી છે. એ 3 દિવસ છોડી સ્પાઇસજેટ સુરતથી દુબઈની કનેક્ટિવિટી આપે એવી માંગ કરી હતી. હીરાના વેપાર, કાપડ ઉદ્યોગ અને હજીરાના વિશાળ પેટ્રોકેમિકલ અને સ્ટીલના પટ્ટાને કારણે સુરતને દુબઈ અને બેંગકોક સાથે આંતરરાષ્ટ્રીય જોડાણની પણ જરૂર હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top