Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતના વાપીથી તાપી સુધી આદિવાસીઓના ઘેરિયા નૃત્યનું અનેરું મહત્ત્વ

સાપુતારા : ગુજરાતના લોકોનો મનપસંદ તહેવાર એટલે દિવાળી. દિવાળી નજીક આવતા જ ખૂલીને બહાર આવતું લોકોને મોહિત કરતું આદિવાસી નૃત્ય કેટલે’ ઘેર નૃત્ય’. દિવાળીની સાથોસાથ માતાજીની આરાધનાનુ પર્વ આવે. આ આરાધના પર્વથી છેક દેવદિવાળી સુધીનો સમય એટલે જાણે કે આદિવાસી સમાજ માટે ઘેર બાંધી માતાજીને રિઝવવાનો શ્રેષ્ઠ અવસર. આસો માસની ઋતુ આવે એટલે લોકો ધીમે ધીમે કાપણીના કાર્યમાંથી પરવારતા હોય અને પોતાને કૃષિ પાકમાં મબલક પાક ઊતરવાનો આનંદ આ સમયગાળા દરમિયાન આદિવાસી કૃષકોમાં બેવડાતો હોય છે. આ આનંદ અને નવરાશની પળને મન ભરીને માણી લેવા આદિવાસી સમુદાય માતાજી સાથોસાથ પોતાના વિવિધ દેવ-દેવીઓને ઘેરનૃત્યના તાલે ભજી લેવા આતુર બન્યા હોય છે. આ કલાના ઉપાસક સમુદાયના લોકો થનગની ઊઠતા હોય છે અને એના ધબકાર પરંપરાગત ઘેર નૃત્યમાં ઝળકી ઊઠતા હોય છે. ઘેરિયાઓનો થનગનાટ જોનારની આંખો અને અંતર બંનેને એક અલગ પ્રકારનો એ અહેસાસ આપી જાય છે.

ઘેરિયાઓનું નૃત્ય માત્ર શક્તિની આરાધના નહીં પણ વિવિધ પ્રકારની માન્યતાઓ પર આ સાથે જોવા મળે છે. જેમ કે, મૃતાત્માઓની આ ઘેરિતા મંડળી દ્વારા તાર મરાવીને યાદ કરવી, ઘરમાં કોઈ નાનું બાળક હોય એને ઘોડીએ ચડાવીને એના શેષ જીવનને આનંદમય બનાવવાની માન્યતા વગેરે. ઘેરિયા મંડળીનો મુખ્ય વ્યક્તિ એટલે ‘કવીયો’. કવિયો એટલે માતાજીની આરાધના કરનાર તો ખરો જ પણ સાથોસાથ ગુઢ વિદ્યાઓના જાણકાર પણ હોય એવી માન્યતા પ્રવર્તે છે. તેથી કવિયો સક્ષમ હોય તો એક ગામથી બીજે ગામ જતા રસ્તામાં આવતા વન-વગડા કે નદી-નાળા પસાર કરતા ઘેરિયા મંડળીને કોઈ તકલીફ આવતી નથી.

ઘેરિયાનો પોશાક અર્ધનારેશ્વર જેવો હોય છે. કચછો મારીને સાડી અને ઉપર બ્લાઉઝ અને વળી માથે પાઘડી અને કમર ઉપર બળદોને ગળામાં બાંધવામાં આવે એ ઘૂઘરા રણકતા હોય, હાથમાં લાકડાના જાડા દાંડિયા અને મોરપીંછની કલગીથી તેઓ શોભતા હોય છે. સમયના વહેણ સાથે હવે બદલાવ પણ આવ્યો છે. હવે બુટ-મોજાં અને આંખે ગોગલ્સ પણ કેટલાક લોકો ધારણ કરે છે. આવા અનેરા ઘેરિયાઓ એક ઘરેથી બીજા ઘરે ગરબે ઘૂમવા જાય છે ત્યારે અનેરો થનગનાટ જોવા મળે છે. વળી, દરેકના પગ સ્ફૂર્તિ સાથે ઊંચકાતા હોય ત્યારે થાકનું નામનિશાન જોવા મળતું નથી. તેમની સાથે હોય છે એક ઘોડીવાળો. તે સમગ્ર ઘેરિયા મંડળીમાં વિદૂષકની જેમ ચાળા પાડીને આકર્ષણ જમાવતો હોય છે. ઘેર બાંધીને ઉપાસના કરાતી હોવા છતાં નોંધનીય બાબત એ છે કે નૃત્ય મંડળીઓમાં સ્ત્રીઓ હોતી નથી, માત્ર પુરુષો જ તેમાં અર્ધનારેશ્વર વેશે હોય છે.

ઘેરૈયાઓ તબલા કે ઢોલ ના તાલે વિવિધ ગીતો લલકારતા દાંડિયા પીટીને ગરબે ઘૂમતા હોય છે. દાંડિયા પીટવાની ઝડપ પણ એટલી જોરદાર હોય છે કે મહાવરા વગરના નૃત્યકારોનું આમાં કોઈ સ્થાન ન હોય. ઘેર બાંધવામાં આવે ત્યારે આ મંડળીના દરેક સભ્યો વણલખ્યા નિયમોને અનુસરતા હોય છે. જેમકે બ્રહ્મચર્યનું પાલન કરવું માંસાહાર કે મદિરાનું સેવન ન કરવું અને ટુકડીના નાના એકના આદેશોનું પાલન કરવું. સાથે જ કોઈપણ સભ્ય આર્થિક બાબતોને વ્યક્તિગત રીતે કોરાણે મૂકી છે. જે કંઈ બક્ષિસ યજમાનો તરફથી પ્રાપ્ત થાય એ સામૂહિક રીતે જ મેળવાતી હોય છે. ઘેર મંડળીમાં ગરબા સાથે જ વિવિધ ગીતો ગવાતાં હોય છે તે અલગ-અલગ માન્યતા સાથે છે. ઘેરિયાનું આગમન થાય એટલે મુદ્રાપંક્તિ સમાંન સામરેક મોરચા…સામરેક મોરચા એ કવીયો લયબદ્ધ રીતે બોલતો જાય અને ઘેરિયા લયબદ્ધ રીતે બોલતા જાય.

ઘેરિયા મંડળી ઘરના આંગણે રમી જાય એટલે આખું વર્ષ સારું રહે
દક્ષિણ ગુજરાતના વાપીથી તાપી સુધી આ ઘેરિયાનું અનેરું મહત્ત્વ છે. ઘેરિયા મંડળી ઘરના આંગણે રમી જાય એટલે આખું વર્ષ સારું રહે એવી માન્યતા પ્રવર્તે છે. ઘેર છોડવામાં આવે અને જે બક્ષિસ ભેગી થઈ હોય એ ગામમાં દેવસ્થાન માટે અથવા તો ગામના સાર્વજનિક કામ માટે વાપરવામાં આવે છે. હાલ આ પરંપરાગત નૃત્ય લુપ્ત થઇ રહ્યું છે. ત્યારે સંશોધનકર્તાએ સંસોધી રાખે એ જરૂરી છે.

હવે સંસ્કૃતિપ્રેમીઓ ઘેર સ્પર્ધાનું આયોજન કરે છે
આ આદિવાસીઓના આ ઘેર નૃત્યની પરંપરા જળવાઈ રહે એ માટે હવે સંસ્કૃતિપ્રેમીઓ ઘેર સ્પર્ધાનું આયોજન કરે છે, જેમાં મોટી સંખ્યામાં ઘેરમંડળી ભાગ પણ લે છે. વિજેતા ઘેરિયાઓને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવે છે.

Most Popular

To Top