Dakshin Gujarat

દાદરા નગરહવેલીની ચૂંટણીમાં શિવસેનાની જીત, સ્વ. મોહન ડેલકરના પત્ની 50 હજાર કરતા વધુ મતોથી વિજયી થયા

આજે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની લોકસભા બેઠક પરની ચૂંટણીમાં સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરનો ભવ્ય વિજય થયો છે. શિવસેના તરફથી ઉમેદવારી નોંધાવનાર કલાબેન ડેલકરે 47 હજાર કરતા વધુ મતોથી જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર મહેશ ગાવીત બીજા ક્રમે રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા નહોતા. દાનહ લોકસભા બેઠક પેટા ચૂંટણી મતગણત્રીના 24માં રાઉન્ડના અંતે શિવસેનાના ઉમેદવાર કલાબેન 50677મતથી ભાજપને હરાવી જીતી લીધી છે. દાનહના ઇતિહાસમાં પહેલી વખત મહિલા સાંસદ જીત્યા છે.

અપક્ષ સાંસદ મોહન ડેલકરના આપઘાત બાદ દાદરા નગર હવેલીમાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ચારેય નવા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર પહેલાં અપક્ષ લડવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેઓ શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. જોકે, તેમનું અપક્ષ તરીકેનું બેટ્સમેનનું ચિહ્ન તેઓએ જાળવી રાખ્યું હતું.

મોહન ડેલકરના અપમૃત્યુ બાદથી પ્રજાની સહાનુભૂતિ ડેલકર પરિવાર પ્રત્યે હતી. પ્રશાસન પ્રત્યેની નારાજગી આજે ચૂંટણી પરિણામમાં દેખાઈ આવી છે. દાદરા નગર હવેલીના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા ઉમેદવાર સાંસદ તરીકે જીતી આવ્યા છે અને મોટી વાત એ છે કે 2.50 લાખ મતદારોની ચૂંટણીમાં તેઓ 50 હજારથી વધુ મતોથી જીત્યા છે. દાનહના ઈતિહાસમાં આટલા મોટા માર્જિનથી પહેલીવાર કોઈ ઉમેદવાર જીત્યું છે. આ અગાઉ ગઈ ચૂંટણીમાં કલાબેન ડેલકરના સ્વર્ગસ્થ પતિ મોહન ડેલકરે અપક્ષ ચૂંટણી લડી ભાજપના નટુભાઈ પટેલને 9000ના માર્જિનથી હરાવ્યા હતા.

શિવસેના તરફથી કલાબેન ડેલકર ચૂંટણી લડ્યા હતા, પરંતુ જે મોટા માર્જિનથી તેઓ જીત્યા છે તે જોતાં અપક્ષ લડ્યા હોત તો પણ તેમની જીત નિશ્ચિત હતી તેવું કહી શકાય. કલાબેન ડેલકરના ચૂંટણી પ્રચાર માટે શિવસેના તરફથી સંજય રાઉત અને આદિત્ય ઠાકરે જાતે આવ્યા હતા. આજની જીત સાથે ગુજરાતના રાજકારણમાં શિવસેનાએ પ્રવેશ કર્યો હોવાનું પણ કહી શકાય.

Most Popular

To Top