National

“મારો કેસ સીમા હૈદર જેવો નથી”, હું 2-4 દિવસમાં ભારત પાછી આવીશ: અંજુ

નવી દિલ્હી: જેમ પાકિસ્તાનની (Pakistan) મહિલા સીમા હેદર (Seema Heder) પોતાના ઓનલાઈન પ્રેમીને મળવા પાકિસ્તાનથી ભારત પહોંચી હતી. તેવી જે રીતે એક ભારતીય મહિલા પોતાના ઓનલાઈન પ્રેમીને મળવા માટે પાકિસ્તાન પહોંચી છે. રાજસ્થાનથી પંજાબ થઈને પાકિસ્તાન પહોંચેલી અંજુને લઈને હવે એક નવી વાત સામે આવી છે. આ વાત સામે આવતા જ લોકો આ કેસને સીમા હૈદર કેસ સાથે જોડી રહ્યા છે. જેને લઇને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. જે મુદ્દે અંજુએ જણાવ્યુ કે મારો કેસ સીમા હૈદર જેવો નથી, હું 2 થી 4 દિવસમાં ભારત પરત ફરીશ.

અંજુના ભાઈ ડેવિડે જણાવ્યું કે તેને પહેલાથી જ ખબર હતી કે તેની બહેન ક્યાંક જઈ રહી છે. પરંતુ એ ખબર ન હતી કે તે માત્ર પાકિસ્તાન પહોંચશે. ડેવિડના જણાવ્યા મુજબ ગોવાનો પ્લાન કેન્સલ કર્યા પછી અંજુએ કહ્યું કે તે જયપુર જઈ રહી છે. પરંતુ 21 જુલાઈએ જયપુરને બદલે તે પંજાબના અમૃતસર પહોંચી હતી. પરંતુ તેણે કહ્યું ન હતું કે તે પાકિસ્તાન જઈ રહી છે. અમને હવે પાકિસ્તાન વિશે ખબર પડી છે. તેણે વધુમાં કહ્યું કે ત્યાર બાદથી અંજુએ અમારી સાથે વાત કરી નથી. પરંતુ તેણે તેના બાળકો સાથે વાત કરી છે.

મળતી માહિતી મુજબ અંજુએ કહ્યું કે હું અહીં ફરવા આવી છું. મેં તમામ કાયદાકીય ફોર્મેટનું પાલન કર્યું છે. હું બધું પ્લાનિંગ અને તૈયારી કરીને આવી છું. જ્યારે અંજુના પતિ અરવિંદનું કહેવું છે કે મારી પત્ની ખોટું બોલીને ભીવાડીથી પાકિસ્તાન પહોંચી ગઈ છે. તેણે મને કહ્યું કે તે તેના એક મિત્રને મળવા જયપુર જઈ રહી છે. હું 4 દિવસ સુધી વોટ્સએપ દ્વારા તેની સાથે વાત કરતો રહ્યો. પરંતુ રવિવારે મને ખબર પડી કે તે જયપુરમાં નહીં પરંતુ પાકિસ્તાનના લાહોરમાં છે. પહેલીવાર તેણે મારી સાથે ખોટું બોલ્યું જે તદ્દન ખોટું છે. હવે મારા બાળકો જ નક્કી કરશે કે આપણે અંજુ સાથે રહીશું કે નહીં.

પતિની વાત નકારતા અંજુ કહે છે કે તે મજબૂરીમાં પતિ સાથે રહેતી હતી. ભારત આવ્યા બાદ તે પોતાના બાળકો સાથે પતિથી અલગ રહેવા માંગે છે. અંજુએ કહ્યું કે હા, મેં પાકિસ્તાન જવા વિશે કોઈને કહ્યું નથી. પરંતુ હું 2 થી 4 દિવસમાં પાછી આવીશ. તેણે કહ્યું કે લોકો મારા વિશે ઘણી વાતો કહે છે કે હું નસરુલ્લા સાથે સગાઈ કરવા પાકિસ્તાન આવી છું. લોકો તેને સીમા હૈદર કેસ સાથે પણ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી હું તેમને કહેવા માંગુ છું કે મારો કેસ સીમા જેવો નથી. હું 2 થી 4 દિવસમાં ભારત પરત ફરીશ. નસરુલ્લા સાથે મારી વાતચીત વર્ષ 2020માં ફેસબુક દ્વારા શરૂ થઈ હતી. પરંતુ લોકો બિનજરૂરી રીતે મારું નામ તેની સાથે જોડે છે.

Most Popular

To Top