નાટક (અને ફિલ્મ) એક એવો કળાપ્રકાર છે કે જેમાં કોઇએ ખાસ કરીને પ્રદાન કરવું હોય તો કેટલાક કાયમી સાથી જોઇએ. એ એવા સાથી હોય જે એક સ્વપ્નને એક સાથે જીવતા હોય. નાટક અને બસ નાટક જ તેમનો હેતુ હોય. નાટકની પસંદગીથી માંડી સમગ્ર સર્જન – ભજવણી દરમ્યાન એક શ્વાસે જેઓ સાથે રહી શકતા હોય તે ઉત્તમ પરિણામ સર્જી શકે. અરવિંદ જોષી, સરિતા જોષી, શરદ સ્માર્ત, ડી.એસ. મહેતા જેવા સાથીઓ વડે પ્રવીણ જોષી એક જમાનો સર્જી ગયા.
બંગાળમાં શંભુમિત્ર જેવાની રંગભૂમિ તેમનાં અભિનેત્રી પત્ની તૃપ્તિ મિત્ર વિના કલ્પી ન શકો. હબીબ તનવીરના ગ્રુપમાં સ્થાયી અભિનેતા – અભિનેત્રી હતાં. સુરતમાં કપિલદેવ શુકલનાં નાટકોમાં એવા ચાર – પાંચ કળાકારો છે જે અનેક નાટકોમાં સાથી રહ્યા છે. દિગ્દર્શકના મનમાં નાટક અનેક રીતે જીવાતું હોય તેને ઝીલનારા સાથી હોય તો ઉત્તમ પરિણામ સાંપડે. ફિલ્મોમાં રાજ કપૂરે જે હાંસલ કરેલું તે તેમના કેટલાક કાયમી સાથીઓ વડે જ કરેલું. સત્યજીત રેની ફિલ્મોમાં અમુક અભિનેતા કાયમી રહ્યા છે. નાટકનાં જ ઉદાહરણોમાં સત્યદેવ દૂબે અને અમરીશ પુરીનો સંગાથ ૪૦ વર્ષ રહ્યો.
અમરીશ પુરી ઇબ્રાહિમ અલ્કાઝી અને સત્યદેવ દૂબેને પોતાના માર્ગદર્શક, અધ્યાપક અને ગુરુ માનતા હતા અને કહેતા કે, ‘‘અલ્કાઝીસાહેબે મને અનુશાસિત થવું શીખવાડયું અને રંગમંચ પર આગળ કેમ વધાય તે શીખવ્યું જયારે દૂબેસાહેબે મને શિલ્પ શીખવ્યું. તેઓ અદ્ભુત શિલ્પી છે. રંગમંચ પર તેમના વડે રજૂ થનારાં નાવીન્ય અને ઊંડાણ એટલાં વૈવિધ્યસભર હોય છે કે હું તેમને શબ્દોમાં વ્યકત નહીં કરી શકીશ. જયારે રંગમંચ પર અભિનયની વાત આવે છે તો જે પ્રકારની રચના અને પુનર્રચના તેઓ કરે છે અને જે પ્રકારના અર્થો તેઓ નાટકોને પ્રદાન કરે છે તે અવિસ્મરણીય છે અને મારા કળાકાર હોવાનું બધું શ્રેય હું તેમને આપું છું. ફકત તેઓ જ છે જે મંચ પર મારી પાસે ઉત્તમ કામ લઇ શકે.’’
દૂબેજી અમરીશપુરીને કહેતા કે, ‘આત્મ – સમર્પણ મહત્ત્વ છે.’ દૂબેજી એવું ય કહેતા કે જયારે તેઓ કોઇ વ્યકિતને ઢાળવા માંગે છે તો તે વ્યકિતએ તેમની સામે પૂર્ણ સમર્પણ કરવું રહેશે. પૂર્ણ આધીનતા સ્વીકારવી પડશે.’ પણ અમરીશજી શરૂમાં તો સમર્પણ કરનારા વ્યકિત નહોતા. તેઓ દૂબેજી કહેતા તે શું છે જાણતા નહોતા પણ હા, સતત વિચારતા રહેતા હતા અને જયારે દૂબેજીનું કહેવું સમજાયું ત્યારે પોતાને એક માટી સમાન તેમની સામે ધરી દીધા. લો, તમારે જેમ ઘડવું હોય એમ ઘડો. અમરીશ પુરી કહે છે કે, ‘બહુ તાર્કિક થવું યોગ્ય નથી. જો તમે વધારે પડતાં બૌધ્ધિક છો તો ભાવનાના સ્તરે હારી જાવ છો. એટલે વધારે પડતાં વિશ્લેષણ કરવા ન જોઇએ. હું બહુ જ જિજ્ઞાસુ હતો અને દૂબેસાહેબને થોડા વધુ સવાલો કરતો હોત તો તેમણે મારામાંની રૂચિ ગુમાવી દીધી હોત.’
અમરીશપુરીને ફિલ્મો સંદર્ભે વિચારનારા ખરેખર જાણતા નથી કે તેઓ રંગભૂમિને કેટલી ઊંડેથી વિચારતા હતા. તેઓ કહેતા કે, ‘કોઇ પણ સામાજિક વાતાવરણમાં પ્રગતિશીલ અને વિચારશીલ લોકોની એ જવાબદારી છે કે રંગમંચને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવે. કોઇ કળાકાર શ્રેષ્ઠ નથી હોતો, કેવળ ભૂમિકાઓ હોય છે જેનું શ્રેષ્ઠ રીતે નિર્વહણ કરી શકાય છે, ઉત્તમ રીતે ભજવી શકાય છે. એ વ્યકિત પર નિર્ભર કરે છે કે તે કઇ ભૂમિકામાં પોતાનું કેટલું યોગદાન આપે. હું પૂરા મનથી રંગમંચમાં કૂદી ગયો હતો. રિહર્સલ મારી દૈનિક ચર્યાનો અનિવાર્ય ભાગ બની ગયું હતું. એવો ભાગ જેની કંટાળાજનક દિવસના અંતે પ્રતીક્ષા કર્યા કરતો. ઓફિસથી સીધો રિહર્સલસ્થળે જતો અને મારો બધો થાક ઊતરી જતો. એક પાત્ર ભજવવાનો વિચાર માત્ર મને રોમાંચિત કરી દેતો. મારામાં ધૂન સવાર થઇ ગયેલી અને મારી ભીતર અભિનય કરવાની આગ લાગી ગઇ હતી.’
અમરીશ પુરી દૂબેજી કેવી રીતે ગ્રુપ ચલાવતા તેની વાત સરસ રીતે કહેતા અને તે એ કે દૂબેજી કહેતા કે જે પોતે કાંઇ કમાણી ન કરતા હોય તે મારી સાથે નાટક કરવા ન આવે. નાટકમાં કોઇને પૈસા મળવાના નથી. હકીકતે પણ દૂબેજીના બધા જ અભિનેતા – અભિનેત્રી એવાં હતાં જે પોતાના ખર્ચે રિહર્સલમાં આવતાં અને સાથે મળી ભોજન કરે યા દારૂ પીએ. એ બધા માટે નાટક જ કેન્દ્રમાં હતું, નાટક વડે પૈસા મળે એવો ખ્યાલ જ નહોતો. અમરીશજી તો જાણે ગુરુ-શિષ્ય પરંપરાથી સમર્પિત હતા. એક વાર અમરીશજીએ દૂબેજીને કહ્યું, ‘મારા મગજમાં કયાંક અડચણ છે કારણ કે તમે જે કહો છો, તે સમજી તો જાઉં છું પણ તેને ક્રિયાન્વિત નથી કરી શકતો!’ દૂબેજીનો જવાબ હતો, ‘ચિંતા નહીં કરો. જે દિવસ સુધી આ અડચણ પૂરી ન થઇ જાય ત્યાં સુધી નિરંતર પ્રયત્ન કરતા રહો અને જયારે એ દિવસ આવશે ત્યારે તમે બધું જ સમજી જશો. અત્યારે તમારું મગજ તૈયાર નથી, તેમાં સમય લાગશે.’ ને કહેવું જોઇએ કે અમરીશજીએ રંગમંચ પર જ અભિનયની સમસ્ત વ્યવહારિક બાજુનો અભ્યાસ કર્યો અને સતત બહેતર બનતા ગયા.
તેઓ એક શિસ્તબધ્ધ કળાકાર હતા. ઉત્તમ નાટક, ચુસ્ત શિસ્ત વિના થતાં નથી. તેઓ તો ત્યાં સુધી કહેતા કે જયારે તમે નાટક ભજવતાં હો તો ત્યારે નાટક જેમ લખાયેલું હોય તેમાં જ તમને સીમિત રાખો કારણ કે ભજવણી દરમ્યાન જયારે કોઇ ફેરફાર કરો છો તો તમે તમારા સહકળાકારને દગો કરો છો. તમે કાંઇક એવું કરો છો જેની જાણકારી તેને નથી. તમારે વડે જો ફેરફાર થવાનો હોય તો તેનું રિહર્સલ થવું જોઇએ.
અમરીશ પુરી જેવા અભિનેતા જે રીતે નાટકને સમજયા છે ને સત્યદેવ દૂબે સાથેની તેમની નિરંતર પ્રશિક્ષણની પ્રક્રિયા છે તે અત્યંત આદર જન્માવે તેવી અને અનોખી છે. સત્ય દેવ દૂબેએ એક વાર કહેલું કે મને નાટકમાં કોઇ પૂર્ણ સમર્પિત સ્ત્રી મળી હોય તો તે અમરીશ છે. એવું તેઓ એટલે કહેતા કે પૂર્ણ સમર્પણનો જો ગુણ હોય તો તે સ્ત્રીમાં છે.