uncategorized

દાંડીકૂચ પૂર્વેનો ગાંધીજીનો ઐતિહાસિક પત્ર

કોઈ પણ સત્યાગ્રહ આરંભતા પહેલાં ગાંધીજી સામે પક્ષને સમાધાની અર્થે પ્રસ્તાવ મોકલતાં. દાંડીકૂચ આરંભતા અગાઉ પણ તત્કાલીન વાઇસરૉય લૉર્ડ અર્વિનને ગાંધીજીએ સમાધાનના પ્રસ્તાવરૂપે પત્ર લખ્યો હતો. આ ઐતિહાસિક પત્ર લૉર્ડ અર્વિનને એક અંગ્રેજ રેજિનાલ્ડ રેનલ્ડ દ્વારા જ સુપરત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પત્ર લઈ જનાર રેજિનાલ્ડ રેનલ્ડને ગાંધીજીએ આગ્રહ કર્યો હતો કે પત્ર લઈ જતાં પહેલાં તે ધ્યાનથી વાંચી લેવો, કારણ કે પત્રમાં જણાવેલ બાબત સાથે જો તેઓ પૂરેપૂરા સંમત ન હોય તો તે પત્ર પહોંચાડવાના કામમાં જોડાય તેવું ગાંધીજી ઇચ્છતા નહોતા. એ પત્ર એક અંગ્રેજ દ્વારા મોકલવાનો ગાંધીજીનો ઉદ્દેશ એ પણ દર્શાવવાનો હતો કે આ સંઘર્ષ માત્ર હિંદીઓ અને અંગ્રેજો વચ્ચેનો નથી. દાંડીકૂચના દસ દિવસ પહેલાં સાબરમતી આશ્રમથી લખાયેલા આ પત્રની વિગતો વાંચવા જેવી છે અને આજના સંદર્ભમાં તે વિગત જોઈએ તો તેનાથી વિરોધી પક્ષ સામે દ્વેષ રાખ્યા વિના લડત કેવી રીતે કરી શકાય તેવા અઢળક સંદર્ભ મળે છે.

‘પ્રિય મિત્ર’ના સંબોધનથી ગાંધીજી લૉર્ડ અર્વિનને લખે છે : “વિનંતી કે સવિનયભંગની શરૂઆત કરવામાં રહેલું જે જોખમ ખેડતાં હું આટલાં વર્ષો સુધી અચકાયા કર્યો છું, તેમાં હું ઊતરું તે પહેલાં જો કાંઈ સમાધાનીનો માર્ગ મળે એમ હોય તો તે શોધવાની ઉમેદથી હું આપને આ લખવાને પ્રેરાઉં છું.”

“અહિંસા વિશેની મારી નિષ્ઠા સાવ સાફ છે. જાણીજોઈને હું કોઈ પણ જીવની હિંસા કરી શકું એમ નથી, તો મનુષ્યહિંસાની તો વાત જ શી? પછી, ભલે ને, તે માણસોએ મારું કે જેમને મારા સમજું તેમનું ભારેમાં ભારે અહિત કર્યું હોય! આથી જો કે અંગ્રેજી રાજ્યને હું એક બલા માનું છું, છતાં એક પણ અંગ્રેજને, કે તેણે હિંદમાં મેળવેલા એક પણ ધર્મ્ય હિતસંબંધને, નુકસાન પહોંચાડવાનો મારો ઇરાદો નથી.”

“ગેરસમજ ન થાય તે માટે ફરીથી સ્પષ્ટ કરું છું. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યનો અમલ એક બલા છે એમ હું માનું છું ખરો પણ, તેથી અંગ્રેજો માત્ર દુનિયાના બીજા લોકો કરતાં વધારે દુષ્ટ છે એમ મેં કદી માન્યું નથી. ઘણાં અંગ્રેજો સાથે ગાઢ મિત્રતા બાંધવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે; એટલું જ નહીં પણ અંગ્રેજી રાજ્યે હિંદુસ્તાનને કરેલા નુકસાન વિશેની ઘણી હકીકતો તો કઠોર સત્યને નિખાલસ અને નીડર રીતે ખુલ્લું પાડનારા ઘણા અંગ્રેજોનાં લખાણોમાંથી જ મેં જાણી છે, એ પણ મારે આભારપૂર્વક સ્વીકારવું જોઈએ.

આ પછી ગાંધીજી જે લખે છે તે વર્તમાન રાજકીય વ્યવસ્થા વિશે લાગુ પડે છે. તેઓ “…હું શા માટે અંગ્રેજી રાજ્યને એક બલારૂપ માનું છું?” આ પ્રશ્ન ઉઠાવીને જવાબ વાળતાં તેનાં કારણો આપતાં લખે છે : “આ રાજ્યે એક એવા પ્રકારનું તંત્ર ગોઠવી દીધું છે કે એથી દેશ સદૈવ વધતા પ્રમાણમાં ચુસાયા જ કરે; વળી એ તંત્રનો લશ્કરી અને દીવાની ખર્ચ એટલો તો સત્યાનાશ વાળનારો છે કે દેશને એ કદી પોસાઈ શકે એમ નથી. આના પરિણામે, હિંદુસ્તાનની રાંકડી કોટ્યવધિ પ્રજા ભિખારી થઈ ગઈ છે.”

લૉર્ડ અર્વિનના પત્રમાં ગાંધીજી આમ હિંદુસ્તાનની પેરવી કરતાં વારંવાર દેખાય છે. પત્રમાં આગળ લખે છે : “પ્રજાને નામે જેઓ કામ કરી રહ્યા છે, તેઓ જો સ્વતંત્રતાની ઝંખના પાછળ રહેલા ઉદ્દેશો સ્પષ્ટપણે ન સમજે અને સર્વની દૃષ્ટિ સમક્ષ ન રાખે તો એવી ધાસ્તી છે કે જેમને માટે સ્વતંત્રતા ઇચ્છાય છે અને મેળવવા જેવી છે, તે રાતદિન શ્રમ કરતા છતાે મૂંગા રહેલા કરોડોને એ સ્વતંત્રતા એટલા બોજા તળે કચડાયેલી મળે કે તે કશી વિસાતની ન રહે.”
આ પત્રમાં ગાંધીજીએ પૂર્ણ સ્વરાજનો ખ્યાલ શું હોઈ શકે અને તે આજે પણ ગાંધીજીની તે સ્વરાજની વ્યાખ્યાને લાગુ કરીએ તો તેનાથી આમજનનું કલ્યાણ જ થાય. અફસોસ સ્વરાજનો તે ખ્યાલ વિસરાઈ ચૂક્યો છે. ગાંધીજી સાચી સ્વતંત્રતા શેમાં છે ? આ સવાલનો જવાબ આપતાં લૉર્ડ અર્વિનને પત્રમાં લખે છે : “રાજની આવકમાં ભારે ફાળો આપનાર જમીનમહેસૂલનો બોજો રૈયતને કચડી નાખનારો છે. સ્વતંત્ર ભારતમાં એમાં ભારે ફેરફાર થવો જોઈએ. બહુ વખણાયેલી કાયમી મહેસૂલ પદ્ધતિથી પણ માત્ર મૂઠીભર શ્રીમંત જમીનદારોને જ લાભ થાય છે; રૈયતને નહીં. રૈયતના કલ્યાણને જ મુખ્ય ધ્યેય બનાવી આખી મહેસૂલપદ્ધતિ ફરી રચવાની જરૂર છે.”
મૂઠીભર શ્રીમંત જમીનદારોને લાભ અને રૈયતને નહીં એ આજની પણ પરિસ્થિતિ છે. આગળ તેઓ ખર્ચાળ તંત્રની વાત કરતા લખે છે : “દેખીતી રીતે જગતમાં સૌથી વધારે ખર્ચાળ એવા પરદેશી રાજ્યતંત્રને નિભાવવાને માટે આ બધાં પાપો ચાલુ રાખવામાં આવે છે.

આપનો જ પગાર લો. એ માસિક રૂ. 21,000થી વધુ છે. એ ઉપરાંત તેમાં ભથ્થાં અને બીજા આડાઅવળા ઉમેરા જુદા. …જે રાજ્યપદ્ધતિ આવી ઉડાઉ વ્યવસ્થા યોજે છે, તેને તાબડતોબ તિલાંજલિ આપવી ઘટે છે. જે દલીલ આપના પગારને લાગુ પડે છે, તે આખા રાજતંત્રને લાગુ પડે છે.”
હિંસા-અહિંસાની વિચારધારાના મુદ્દાની પણ ચર્ચા ગાંધીજીએ આ પત્રમાં વણી લીધી છે. તે અંગે ગાંધીજી લખે છે : “હિંદમાં રહેલો પક્ષ ભલે અવ્યવસ્થિત અને આજે નજીવો હોય, છતાં તે દિવસે દિવસે બળવાન થતો જાય છે અને અસરકારક બનતો જાય છે. એનું ધ્યેય અને મારું ધ્યેય એક જ છે, પણ મારી ખાતરી છે કે હિંદના કરોડોને જે મુક્તિ જોઈએ છે, તે એ નહીં અપાવી શકે. વળી, મારી દિવસે દિવસે દૃઢ પ્રતીતિ થતી જાય છે કે શુદ્ધ અહિંસા સિવાય બીજા કશાથી બ્રિટિશ સરકારની વ્યવસ્થિત હિંસા અટકાવી શકાશે નહીં. …મારી સમજ પ્રમાણેની અહિંસાની અમોઘ શક્તિ મારી નિઃશંક અને અડગ શ્રદ્ધા હોવાથી, તેનો પ્રયોગ કરવાને બદલે હું માથે હાથ જોડી બેસી રહું તો મને લાગે છે કે હું પાપમાં પડું.”

ગાંધીજી જે લડત ઉપાડે છે તેનાં જોખમોને સારી રીતે જાણતા જ હોય અને તે જોખમ અંગે પણ તેઓ લખે છે : “હું જાણું છું કે અહિંસાત્મક લડત ઉપાડવામાં ગાંડું સાહસ કહી શકાય એવું જોખમ હું ખેડી રહ્યો છું. પણ ગંભીરમાં ગંભીર જોખમો ખેડ્યા વિના સત્યનો જય થયો નથી. જે પ્રજા પોતાના કરતાં વધારે મોટી અને પ્રાચીન, અને પોતાના જેટલી જ સંસ્કારી પ્રજાનો જાણ્યેઅજાણ્યે નાશ કરી રહી છે, તે પ્રજાનો હૃદયપલટો કરવા માટે જેટલું જોખમ ખેડવું પડે તેટલું ઓછું.”

આ પૂરા પત્રની વિગત તો ગાંધીજીના અક્ષરદેહના ગ્રંથ ક્રમાંક 43માં વાંચવા મળી જશે, પરંતુ પત્રના અંતે જે ગાંધીજીએ સૌજન્ય દાખવ્યું છે તે પણ તેમના શબ્દોમાં વાંચી લેવું જોઈએ. તેઓ લખે છે : “આપને નકામી – અથવા જરાયે – મૂંઝવણમાં નાખવાની મારી ઇચ્છા નથી. જો આપને મારા કાગળમાં કાંઈ વજૂદ લાગતું હોય અને મારી સાથે ચર્ચા કરવા જેટલું આપ એને મહત્ત્વ આપતા હો, અને તે કારણસર જો આપ આ કાગળની પ્રસિદ્ધિ અટકાવવા ચાહતા હો, તો આ કાગળ મળતાં જ આપ મને તારથી ખબર આપશો તો હું ખુશીથી તેમ કરતો અટકીશ. પણ, જો મારા કાગળના મુખ્ય મુદ્દાઓને સ્વીકારવાનું આપને અશક્ય લાગતું હોય તો મને માર્ગેથી પાછો ફેરવવાનો પ્રયત્ન કરશો નહીં એવી વિનંતી કરું છું.”

“આ કાગળ ધમકીરૂપે લખાયેલો નથી, પણ સત્યાગ્રહીના સરળ અને પવિત્ર ધર્મના પાલનને અંગે છે. આથી આ પત્ર હું એક અંગ્રેજ યુવક દ્વારા આપને પહોંચાડવાનો ખાસ માર્ગ લઉં છું. એ યુવક હિંદની લડત ન્યાયી માને છે, અહિંસામાં એને પૂર્ણ શ્રદ્ધા છે અને જાણે ઈશ્વરે જ એને આ પત્ર માટે મારી પાસે મોકલી આપ્યો હોય તેમ મારી પાસે આવ્યો છે. ”

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top