World

અમે દેશના વડાની ખોટી પસંદગી કરી હતી, ટૂંક સમયમાં રશિયાને નવા રાષ્ટ્રપતિ મળશે: વેગનર આર્મી

લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ સામે એમના જ દેશની સેના વેગનર ગ્રૂપના (Wagner group) વડા યેવજેની પ્રિગોઝિને બળવો કર્યો છે. આવી સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (vadmir Putin) માટે પડકાર એ છે કે સીમા પાર યુદ્ધનો સામનો કરવો કે આંતરિક વિરોધનો સામનો કરવો. પુતિને વેગનર જૂથને ઘમકી આપ્યા પછી વેગનર જૂથે એક અહેવાલમાં જણાવ્યુ કે અમે દેશના વડાની ખોટી પસંદગી કરી હતી અને દેશને ટૂંક સમયમાં એક નવો પ્રમુખ મળશે.

જો કે રશિયન પ્રમુખ પુતિને વેગનરના વડા યેવજેની પ્રિગોઝિન પર રાજદ્રોહનો, સશસ્ત્ર બળવો શરૂ કરવાનો અને પોતાના દેશની પીઠમાં છરો ભોંકવાનો આરોપ મૂક્યો છે. આ આરોપ પર જવાબ આપતા પ્રિગોઝિન કહ્યુ હતુુ કે તેનો હેતુ લશ્કરી બળવો નથી, પરંતુ ન્યાય માટે કૂચ છે.

વેગનરની સેનાએ રોસ્ટોવ શહેર પર કબજો કર્યો
વેગનરની સેનાએ રોસ્ટોવ શહેર પર કબજો કરી લીધો છે. આ પછી વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિન પોતાના 25 હજાર સૈનિકો સાથે રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યા છે. આ સમયે મોસ્કોમાં લોકડાઉન છે. કારણ કે સૈનિકો શહેરના સંરક્ષણની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન પ્રિગોઝિને રાષ્ટ્રપતિ પુતિનના તે નિવેદનનો પણ મજાક ઉડાવ્યો છે જેમાં પુતિને પ્રિગોઝિને દેશદ્રોહી કહ્યા હતા.

પ્રિગોઝિનની ધરપકડ માટે વોરંટ જારી કરાયુ
વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિનના બળવા બાદ રશિયન સંરક્ષણ મંત્રાલયે તેમની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે. પ્રિગોઝિન રશિયાની ખાનગી સેના વેગનર ગ્રુપના માલિક છે. પ્રિગોઝિનને સશસ્ત્ર બળવો બદલ 20 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.

ટૂંક સમયમાં રશિયાને નવા રાષ્ટ્રપતિ મળશે
રશિયામાં વ્લાદિમીર પુતિનના ભાષણ પછી વેગનેરે તેમની ટેલિગ્રામ ચેનલ દ્વારા એક નિવેદન બહાર પાડ્યું હતુ. આ નિવેદનમાં વેગનરનું કહેવું છે કે અમે પુતિનની ખોટી પસંદગી કરી છે અને ટૂંક સમયમાં રશિયાને નવા રાષ્ટ્રપતિ મળશે. તેમણે વધુમાં કહ્યુ કે વિજય તેમનો જ થશે. એક કે બે દેશદ્રોહીઓના જીવનને 25,000 સૈનિકોના જીવન ઉપર મુકવામાં આવ્યા છે. વેગનરના નિવેદનમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે રશિયામાં ગૃહયુદ્ધ હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે.

વેગનરના લડવૈયાઓ પર રશિયન સૈન્યનો હુમલો
રશિયન સેનાએ વેગનરના લડવૈયાઓ પર હુમલા શરૂ કર્યા છે. રશિયન લશ્કરી હેલિકોપ્ટરોએ શનિવારે વોરોનેઝ શહેરની બહાર M4 હાઇવે પર વેગનરના લશ્કરી કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલાના ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. રશિયામાં વેગનર-અધિકૃત રોસ્ટોવમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા છે. આ હુમલાના કેટલાક ફૂટેજ સોશિયલ મીડિયા દ્વારા સામે આવ્યા છે. વીડિયો ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે હુમલાને કારણે લોકો ડરી ગયા છે. બોમ્બ વિસ્ફોટ બાદ સ્થાનિકો અહીં-ત્યાં દોડતા જોઈ શકાય છે.

Most Popular

To Top