World

રશિયામાં યુદ્ધમાં ફસાયેલા ભારતીયોની મુક્તિ પર વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: નોકરીની લાલચ આપી રશિયા (Russia) ગયેલા ઘણા ભારતીય યુવકોને બળજબરીપૂર્વક યુક્રેન (Ukraine) સામેના યુદ્ધમાં (War) સામેલ કરી દેવાયાના અહેવાલ તાજેતરમાં બહાર આવ્યા હતા. દરમિયાન સુરતના એક 23 વર્ષીય યુવકનું આ યુદ્ધમાં મોત પણ થયું છે. આ મામલો બહાર આવતા ભારતીય વિદેશ મંત્રાલય (Indian Ministry of External Affairs) સક્રિય થયું છે. હવે વિદેશ મંત્રાલયેએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતની માંગ પર રશિયાએ ઘણા ભારતીયોને રશિયન સેનામાંથી મુક્ત કર્યા છે. સોમવારે એક નિવેદન જારી કરીને મંત્રાલયે કહ્યું કે ભારત રશિયન સૈન્યમાંથી ભારતીય નાગરિકોને તાત્કાલિક મુક્ત કરવા માટે રશિયન સત્તાવાળાઓ સાથે વાતચીત કરી રહ્યું છે અને આ ભારતની ‘ટોચની પ્રાથમિકતાઓ’માં છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે મદદગાર તરીકે ભરતી કરાયેલા ભારતીયોને રશિયા જઈને રશિયન સેનામાં યુક્રેન સામે યુદ્ધ લડવાની ફરજ પાડવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રશિયામાં ફસાયેલા ભારતીયોએ ભારત સરકાર પાસે મદદ માંગી છે. જો કે વિદેશ મંત્રાલયે તમામ અહેવાલોને ફગાવી દીધા છે.

મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું, અમે મીડિયામાં કેટલાક ખોટા અહેવાલો જોયા છે કે ભારતીયોએ તેમની મુક્તિ માટે રશિયન સેનાની મદદ માંગી છે. મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં આ સંબંધમાં જે પણ મામલા સામે આવ્યા છે તે તમામ મામલાઓને રશિયન સત્તાવાળાઓ સમક્ષ મજબૂત રીતે ઉઠાવવામાં આવ્યા છે. અમે મંત્રાલય સમક્ષ જે મામલો ઉઠાવ્યો છે તેને અમે દિલ્હીમાં રશિયન દૂતાવાસ સાથે ઉઠાવ્યો છે. મંત્રાલયે કહ્યું કે પરિણામ એ આવ્યું છે કે ઘણા ભારતીયો પહેલા જ રશિયાથી પાછા ફર્યા છે.

આ અગાઉ ગયા અઠવાડિયે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારત રશિયન સૈન્યમાં હેલ્પર તરીકે કામ કરતા ભારતીયોને તાત્કાલિક મુક્ત કરવા માટે રશિયન અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીયોએ યુક્રેન સાથે રશિયાના ચાલી રહેલા યુદ્ધથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, અમે તમામ ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને સંઘર્ષથી દૂર રહેવાની વિનંતી કરીએ છીએ.

મીડિયા રિપોર્ટ્સમાં શું દાવા કરાયા હતા?
તાજેતરમાં કેટલાક મીડિયા અહેવાલોમાં એવા દાવા કરાયા હતા કે નવેમ્બર 2023 થી લગભગ 18 ભારતીય નાગરિકો રશિયા-યુક્રેન સરહદ પર ફસાયેલા છે. આ લોકો માર્યુપોલ, ખાર્કિવ, ડનિટ્સ્ક, રોસ્ટોવ-ઓન-ડોનમાં છે. યુદ્ધ દરમિયાન એક ભારતીય નાગરિકનું પણ મૃત્યુ થયું હતું.

રશિયામાં ભારતીયોને મેળવતા એક એજન્ટે કહ્યું કે આ લોકો ભારતના અલગ-અલગ રાજ્યોના છે અને તેમનો જીવ જોખમમાં છે. એજન્ટે કહ્યું હતું કે, તેમને રશિયામાં આર્મી હેલ્પરની નોકરીની ઓફર કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવશે અને કેટલાક સામાન્ય ટેસ્ટ કરવામાં આવશે.

એવું કહેવામાં આવ્યું હતું કે તેઓને કિચન હેલ્પર અથવા અન્ય સમાન નોકરીઓ તરીકે કામ કરાવવામાં આવશે. પરંતુ એક મહિના પછી તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા હતા અને તેમને યુક્રેન સામે યુદ્ધ લડવાની ફરજ પાડવામાં આવી હતી. જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે વર્ષ થઈ ગયા છે. બંને દેશો વચ્ચે ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયું હતું અને હજુ પણ ચાલુ છે.

Most Popular

To Top