Madhya Gujarat

નડિયાદમાં 13.40 લાખની મત્તા ચોરાઈ

નડિયાદ: નડિયાદના જવાહરનગર વિસ્તારમાં રહેતો પરિવાર પોતાનું મકાન બંધ કરીને અમૃતસર ખાતે સુવર્ણ મંદિરે દર્શન કરવા ગયો હતો. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનમાં ઘુસીને ગેસ કટરની મદદથી બેડરૂમમાં મુકેલ લોખંડના લોકર તોડી અમેરિકન ચલણ મળી કુલ રૂ.13.40 લાખની મત્તા ચોરી કરી હતી. નડિયાદના જવાહરનગર વિસ્તારમાં આવેલા દિપ બંગ્લોઝમાં રહેતા ભગવાનદાસ મોટવાણીની પુત્રી જૂન માસમાં અમેરિકાથી આવ્યાં હતાં. તેઓ 4થી જુલાઈના રોજ અમૃતસર ખાતે સુવર્ણ મંદિરે દર્શન કરવા ગયાં હતાં.

દરમિયાન ભગવાનદાસે મકાનની ચાવી શહેરમાં જ રહેતાં પુત્ર પ્રદિપને આપી રાખી હતી. પ્રદિપભાઈ 6 જુલાઈના રોજ પિતાના ઘરે ગયાં હતાં. તે વખતે મકાનમાં પ્રવેશવાના મુખ્ય દરવાજાને તેમજ કમ્પાઉન્ડની લોખંડની જાળીવાળા ગેટને તાળું મારેલું હતું. તેઓ મીટર શોધતાં-શોધતાં મકાનના બેડરૂમમાં પહોચ્યાં હતાં. તે વખતે બેડરૂમમાં મુકેલ સરસામાન વેરવિખેર હાલતમાં હતો, દિવાલમાં ફિટ કરેલાં લાકડાના બે કબાટોના લોક તુટેલાં હતાં, ડ્રોવરો ખુલ્લાં હતાં અને રૂમમાંની કાચવાળી બારી તુટેલી હતી. જેથી મકાનમાં ચોરી થઈ હોવાનું પ્રદિપભાઈને લાગ્યું હતું. તેઓએ કબાટ પાસે જઈને ચેક કરતાં લોકર ગેસ કટરથી તોડ્યું હોવાનું જણાયું હતું.

આ ઉપરાંત બીજા બેડરૂમના કબાટોના લોક પણ તુટેલાં હતાં. જેથી તેઓએ પોતાના મોટાભાઈને તાત્કાલિક ઘરે બોલાવ્યાં હતાં. આ અંગે માતા-પિતાને જાણ કરી હતી. અને કબાટમાં શું-શું મુકેલ હતું તે બાબતે પુછતાં, તેમાં 11 લાખ રૂપિયા તેમજ 3000 અમેરીકન ડોલર (રૂ.2,40,000) મળી કુલ રૂપિયા 13,40,000 ની મત્તા તેમજ સોના-ચાંદીના દાગીના હોવાનું જણાવ્યું હતું. પરંતુ, લોકરમાંથી આ તમામ મુદ્દામાલ ગાયબ હતો. જેથી તસ્કરો ભારતીય અને અમેરિકન ચલણ મળી કુલ રૂ.13,40,000 ની રોકડ તેમજ અન્ય સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી, ફરાર થયાં હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે પ્રદિપ ભગવાનદાસ મોટવાણીની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે અજાણ્યાં તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

પુત્રી પોતાનું ઘર વેચ્યાંના રૂપિયા લેવા માટે અમેરિકાથી આવી….પરંતુ, તે ચોરાઈ ગયાં
ભગવાનદાસ મોટવાણીની પુત્રી નિલમબેન છેલ્લાં ઘણાં સમયથી નોર્થ અમેરિકામાં સ્થાયી થયાં છે. આ નિલમબેનને તેના મોટાભાઈ દિપકે નડિયાદ-મંજીપુરા રોડ પર પુજન બંગ્લોઝમાં આવેલ એક મકાન આપ્યું હતું. આ મકાન નિલમબેને વેચી દેવા માટે પોતાના ભાઈને કહ્યું હતું. જેથી દિપકભાઈએ તે મકાન રૂ.11,00,000 માં વેચ્યું હતું અને આ રૂપિયા પિતા ભગવાનદાસને આપ્યાં હતાં અને બહેન નિલમ આવે ત્યારે તેને આપી દેવા જણાવ્યું હતું. જેથી ભગવાનદાસે આ રૂપિયા પોતાના ઘરના લોકરમાં સાચવીને મુકી રાખ્યાં હતાં. થોડા દિવસો પૂર્વે નિલમબેન આ મકાન વેચ્યાંના રૂપિયા લેવા માટે નિલમબેન થોડા દિવસો પૂર્વે જ ખાસ અમેરિકાથી નડિયાદ આવ્યાં હતાં. અને આ રૂપિયા લઈને તા.13-7-23 ના રોજ પરત અમેરિકા જવાના હતાં. પરંતુ, તે પહેલાં જ રૂપિયા ચોરાઈ ગયાં છે.

Most Popular

To Top