કોઈ પણ સેલિબ્રિટીના જીવનમાં કોઈ કરુણ ઘટના બને કે મિડિયા તરફ જજમેન્ટલ બની જતું હોય છે. હજુ તો ફોજદારી કેસમાં એફઆઈઆર નોંધાઈ નથી હોતી કે ખટલો ચાલુ થયો નથી હોતો ત્યાં મિડિયા પોતાનો ચુકાદો સંભળાવી દેતું હોય છે, જેને કારણે કેટલાંક લોકોની જિંદગી બરબાદ થઈ જતી હોય છે. આવો કિસ્સો સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે બન્યો હતો. ૧૪ જૂન, ૨૦૨૦ ના રોજ, સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બાંદ્રા સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. આ પછી સોશ્યલ મિડિયા પર ચાહકોના એક વર્ગે તેની મિત્ર રિયા ચક્રવર્તી વિરુદ્ધ નફરતભરી ટિપ્પણીઓ કરી હતી. આ સમાચારને મિડિયામાં એક સનસનાટીભરી બાબત તરીકે પણ રજૂ કરવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે રિયા ચક્રવર્તી ફિલ્મ ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. રિયાને એક તરફ મિત્ર ગુમાવવાનું દુ:ખ હતું તો બીજી તરફ તેને દરરોજ નવા આરોપોનો સામનો કરવો પડતો હતો. સુશાંત સિંહ રાજપૂતના પરિવારે રિયા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી, ચોરી અને છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો તો રિયા ચક્રવર્તી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
એવા અહેવાલો હતા કે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો અને તેના માટે ડ્રગ્સ લઈ રહ્યો હતો. રિયા ચક્રવર્તીએ એક મિત્ર ગુમાવ્યો હતો, પરંતુ તે આઘાત સહન કરે તે પહેલાં જ તેને ગુનેગાર બનાવી દેવામાં આવી હતી. રિયા અને સુશાંતના અંગત જીવનને મિડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રિયા એક તરફ હતી અને સમાજ, સુશાંતનો પરિવાર, સોશ્યલ મિડિયા અને મિડિયા બીજી તરફ હતાં. એટલું જ નહીં, આ મામલો એટલો વધી ગયો કે એક સમયે એવું લાગતું હતું કે બિહાર વિરુદ્ધ પશ્ચિમ બંગાળનો મુકાબલો છે. સુશાંત સિંહના મૃત્યુ પર ફિલ્મ ઉદ્યોગ પણ ખુલ્લેઆમ બહાર આવ્યો નહોતો. તે જ સમયે, રિયા ચક્રવર્તીના સમર્થનમાં શબાના આઝમી, દિયા મિર્ઝા અને વિદ્યા બાલન જેવાં થોડાં નામ જ આગળ આવ્યાં હતાં. હવે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટ સાથે આ કેસમાં રિયાને નિર્દોષ જાહેર કરવામાં આવી છે.
આજથી લગભગ સાડા ચાર વર્ષ પહેલાં બે સમાચાર મિડિયામાં છવાયેલા હતા. એક કોરોનાના હતા અને બીજા સમાચાર હિન્દી ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના હતા. આ ઘટના પછી એવું લાગતું હતું કે શંકાની સોય રિયા ચક્રવર્તી પર જ અટકી ગઈ છે. અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેને ૨૭ દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. સમાજે તેને અને તેના પરિવારને કઠેડામાં ઊભો કર્યો હતો. તેમને ટ્રોલ કરવામાં આવ્યા અને મિડિયા ટ્રાયલનો સામનો કરવો પડ્યો હતો. દરરોજ નવી માહિતી લોકોના મનમાં જિજ્ઞાસા જગાડતી હતી, પરંતુ મિડિયા પણ આ સમાચાર સાથે એવી રીતે વળગી રહ્યું હતું જાણે તેની પાસે આ ઘટના વિશે રજેરજની માહિતી હોય. દરેક નાની વિગતને એક સ્કૂપની જેમ રજૂ કરવામાં આવી હતી.
આ સમય દરમિયાન એવું લાગતું હતું કે આ બાબત કોરોનાના સમાચાર પર હાવી થઈ રહી છે. શનિવારે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આ કેસમાં કોર્ટમાં બે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા હતા. આ કેસમાં પહેલો ક્લોઝર રિપોર્ટ સુશાંતના પિતા દ્વારા રિયા ચક્રવર્તી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દાખલ કરાયેલી ફરિયાદ સાથે સંબંધિત છે. બીજો ક્લોઝર રિપોર્ટ અભિનેત્રી રિયા ચક્રવર્તીની સુશાંતની બહેનો વિરુદ્ધની ફરિયાદ સાથે સંબંધિત છે. આ ક્લોઝર રિપોર્ટમાં અભિનેતાના મૃત્યુના કિસ્સામાં કોઈ પણ કાવતરું નકારી કાઢવામાં આવ્યું છે. એક રીતે કહી શકાય કે રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુના કેસમાં ક્લીનચીટ મળી ગઈ છે. જો કે, પટનાની અને મુંબઈની ખાસ અદાલત આ અંગે શું નિર્ણય લેશે તે જોવાનું બાકી રહે છે.
સીબીઆઈના ક્લોઝર રિપોર્ટ પછી રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ એક નિવેદનમાં સીબીઆઈનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે સીબીઆઈએ કેસના દરેક પાસાની દરેક દૃષ્ટિકોણથી સંપૂર્ણ તપાસ કરીને કેસ બંધ કરી દીધો છે. સોશ્યલ મિડિયા અને ઇલેક્ટ્રોનિક મિડિયા પર ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા. મિડિયા અને તપાસ અધિકારીઓની સામે નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવ્યા હતા. મને આશા છે કે આવી ઘટનાનું કોઈ પણ સંજોગોમાં પુનરાવર્તન નહીં થાય. રિયાને અસંખ્ય યાતનાઓમાંથી પસાર થવું પડ્યું અને મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ સારંગ કોટવાલ દ્વારા તેને જામીન પર મુક્ત કરવામાં આવી ત્યાં સુધી તેનો કોઈ વાંક ન હોવા છતાં તે ૨૭ દિવસ સુધી જેલના સળિયા પાછળ રહી હતી.
અભિનેત્રી દિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે શું કોઈ મિડિયા રિયા ચક્રવર્તી અને તેના પરિવારની લેખિતમાં માફી માંગશે? કૃપા કરીને માફી માંગશો. તમે આટલું ઓછામાં ઓછું કરી શકો છો. રિયા ચક્રવર્તી તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ એક અહેવાલ મુજબ રિયા ચક્રવર્તીએ તેના પરિવાર સાથે ઈશ્વરનો આભાર માનવા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી છે, જ્યારે તેના ભાઈ શૌવિકે સોશ્યલ મિડિયામાં તેનો વિડિયો પોસ્ટ કરીને લખ્યું છે ‘સત્યમેવ જયતે’.
સુશાંતનો કેસ હોય કે બીજા ઘણા કેસ હોય, તેની મિડિયા દ્વારા ચલાવવામાં આવતી ટ્રાયલ અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. મિડિયાની ભૂમિકા કોઈને સાચા કે ખોટા જાહેર કરીને કોઈ ચુકાદો આપવાની નથી હોતી. પરંતુ પછી ભલે તે રિયા કેસ હોય કે ૨૦૦૮નો પ્રખ્યાત આરુષિ તલવાર હત્યા કેસ હોય કે પછી મધ્યપ્રદેશથી કુંભમાં માળા વેચીને પૈસા કમાવવા આવેલી મોનાલિસાનું તાજેતરનું ઉદાહરણ હોય, મિડિયાની ભૂમિકા હંમેશા પ્રશ્નાર્થમાં રહી છે.
પંજાબ યુનિવર્સિટીના મહિલા અભ્યાસ વિભાગના ડૉ. અમીર સુલતાના કહે છે કે ભારતીય સમાજમાં મોટા ભાગના કિસ્સાઓમાં મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે. રિયાએ તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુશાંતનો તેના પિતા સાથે સારો સંબંધ નહોતો. તેની માતા ગયા પછી સુશાંત દુઃખી હતો. તેણે તેને ડૉક્ટર પાસે લઈ જવાનું કહ્યું હતું. રિયા ફક્ત તેને મદદ કરી રહી હતી. પરંતુ સુશાંતના પરિવારે રિયા પર આરોપ લગાવ્યો હતો. મને લાગે છે કે આ સમગ્ર કાર્યવાહી કોઈ રાજકીય કે અન્ય પ્રભાવ હેઠળ કરવામાં આવી હતી. આ રિપોર્ટ આજે આવ્યો છે પણ આટલાં વર્ષોમાં સોશ્યલ મિડિયા અને મિડિયાએ રિયાને બદનામ કરી દીધી છે. હવે મને કહો કે રિયાને આ વળતર કેવી રીતે આપી શકાય? શું રિયાના તે દિવસો પાછા લાવી શકાય? તેના માનસિક સ્વાસ્થ્યનું શું થયું? આનો જવાબ કોણ આપશે? આની ભરપાઈ કેવી રીતે થશે?
ડૉ. અમીર સુલતાના કહે છે કે રિયા ચક્રવર્તીએ આ કેસ ખૂબ જ મજબૂતીથી લડ્યો છે અને ઘણા આઘાતનો સામનો કર્યો છે. તાજેતરમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્તન પકડવા અને સલવારના દોર ખોલવાને બળાત્કાર ન ગણી શકાય, તો પછી સોશ્યલ મિડિયા કે મિડિયા આના પર ચર્ચા કેમ નથી કરતાં? આવા મુદ્દાઓ કેમ ઉઠાવવામાં આવતા નથી? બંને મુદ્દાઓમાં, ભલે તે સમાજના પક્ષમાંથી હોય કે ન્યાય વ્યવસ્થાના પક્ષમાંથી, પીડિત એક મહિલા છે. મિડિયામાં ઘણી બાબતોમાં અસંવેદનશીલતા જોવા મળે છે. અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે મિડિયા આવી ઘટનાઓને કેવી રીતે ઉઠાવે, જેથી કોઈની ગોપનીયતા અને સંવેદનશીલતાનું ઉલ્લંઘન ન થાય અને તેનું જીવન મુશ્કેલ ન બને.
મનોચિકિત્સક સાક્ષી સિંગલા કહે છે કે શું આ મુદા્ને મનોવૈજ્ઞાનિક સ્તરે સમજવામાં આવ્યો હતો? થોડા સમય પહેલાં એક છોકરી કોઈના જીવનમાં આવે છે અને તે વ્યક્તિ તેના કારણે આત્મહત્યા કરે છે? શું આ શક્ય છે? આ કેસમાં કાર્યવાહી પૂર્ણ થઈ ન હતી પરંતુ રિયાને દોષિત જાહેર કરવામાં આવી હતી. તેને સોશ્યલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી કારણ કે તે એક સુંદર મહિલા હતી. તે મિડિયા માટે TRPનું સાધન બની ગઈ હતી. મિડિયા હવે તથ્યો રજૂ કરતું નથી પરંતુ પોતાનો અભિપ્રાય રજૂ કરે છે અને ઘણી વાર તેને એટલી સનસનાટીભરી રીતે રજૂ કરવામાં આવે છે કે સામાન્ય માણસ સમજી શકતો નથી કે સમાચાર સાચા છે કે ખોટા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
