Sports

પીએમ મોદી સાથેની મુલાકાતમાં ખેલાડીઓએ તેમને વિવિધ ભેટ આપી

નવી દિલ્હી: બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા સન્માનિત થવા બદલ ભારતીય ખેલાડીઓએ (Indian Players) ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન અલગઅલગ ખેલાડીઓ દ્વારા મોદીને અલગઅલગ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. જેમાં નિખત ઝરીને પીએમ મોદીને પોતાના બોક્સિંગ ગ્લવ્સ અને સ્પ્રીન્ટર હિમા દાસે પરંપરાગત આસામી ગમછો આપ્યો હતો. શનિવારે, વડા પ્રધાને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું.

નિખતે ટ્વીટ કર્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને તમામ બોક્સરો દ્વારા સહી કરાયેલા બોક્સિંગ ગ્લોવ્સ ભેટ આપવા બદલ સન્માનિત થયેલી અનુભવી રહી છું. આ અદ્દભૂત તક બદલ આભાર. દેશને ગૌરવ અપાવનાર મારા સાથી ખેલાડીઓ સાથે મારો દિવસ અદ્દભૂત રહ્યો. સ્પ્રીન્ટર હિમાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તરફથી આશીર્વાદ મેળવીને ખુશ છું. હું ભાગ્યશાળી છું કે તેમને પરંપરાગત ગમછો ભેટમાં આપી શકી.

ચેમ્પિયન વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ તમામ વેઈટલિફ્ટર્સની સહીવાળી જર્સી વડાપ્રધાન મોદીને આપી હતી. ચાનુએ કહ્યું હતું કે મને આપણા માનનીય વડાપ્રધાન સાહેબને મળીને વાત કરીને ગર્વ છે. તમારા સમર્થન અને પ્રોત્સાહન બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. આ ઉપરાંત મહિલા રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે પણ વડાપ્રધાનને ભારતીય રેસલરોના હસ્તાક્ષરવાળી જર્સી આપી હતી. જ્યારે હોકીમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયાએ પણ પીએમને હોકી ખેલાડીઓની હસ્તાક્ષરવાળી જર્સી ભેટમાં આપી હતી.

Most Popular

To Top