Top News

More Posts

   The Latest

Most Popular

આ વર્ષે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મિથુન ચક્રવર્તીને આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે (30 સપ્ટેમ્બર) આ જાહેરાત કરી હતી. મિથુનને 8 ઓક્ટોબરે 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. મિથુને લગભગ 5 દાયકાની કારકિર્દીમાં બંગાળી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, ઓડિયા અને ભોજપુરીમાં 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ત્રણ વખત નેશનલ એવોર્ડ મળ્યો છે. જાન્યુઆરી 2024માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. મિથુને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1976માં મૃગયાથી કરી હતી. તેમણે પોતાની પહેલી જ ફિલ્મમાં નેશનલ એવોર્ડ જીત્યો હતો. તેમને 1982માં ડિસ્કો ડાન્સરથી ઓળખ મળી હતી.

દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત થતા મિથુને પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે સાચું કહું તો મારી પાસે કોઈ શબ્દ નથી. ન તો હું હસી શકું છું, ન હું આનંદથી રડી શકું છું. આટલી મોટી વાત છે. હું કલ્પના પણ કરી શકતો નથી કે જ્યાંથી હું આવું છું એ છોકરાને આટલું મોટું સન્માન મળ્યું છે. હું આ મારા પરિવાર અને વિશ્વભરના ચાહકોને સમર્પિત કરું છું.

મિથુને પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થામાંથી અભિનય શીખ્યો અને પછી કામની શોધમાં મુંબઈ આવ્યા હતા. તેમણે ઘણા દિવસો અને રાત ભૂખ્યા વિતાવી. ઘણા મહિનાઓની સખત મહેનત અને રાહ જોયા પછી તેમને હેલનના સહાયક બનવાની તક મળી. મિથુનને હેલનના આસિસ્ટન્ટ તરીકે ફરતો જોઈને કેટલાક ફિલ્મમેકર્સે તેમને નાની નાની ભૂમિકાઓ પણ આપી. મિથુનને અમિતાભ બચ્ચનની ફિલ્મ દો અંજાનેમાં નાનો રોલ મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન મિથુનને બોડી ડબલ તરીકે ફિલ્મોમાં પણ કાસ્ટ કરવામાં આવ્યા હતા.

મિથુનને મૃગયામાં તેમના શાનદાર અભિનય માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, પરંતુ એવોર્ડ લેવા માટે દિલ્હી જવા માટે તેમની પાસે પૈસા નહોતા. ત્યારબાદ રેખા તેમને પોતાના સ્પોટબોય તરીકે લઈ ગયા હતા. સંઘર્ષ દરમિયાન ઘણી વખત એવું બન્યું હતું કે જ્યારે મિથુને ભૂખ્યા પેટે રાતો વિતાવી હતી. તેમની પહેલી ફિલ્મ ‘મૃગયા’ પછી પણ તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો. નેશનલ એવોર્ડ મળ્યા બાદ જ્યારે એક પત્રકાર તેમનો ઈન્ટરવ્યુ લેવા આવ્યો તો ભૂખને કારણે તેઓ બોલી શક્યા ન હતા. તેમણે પત્રકારને કહ્યું કે પહેલા તેમને ખવડાવો અને પછી ઈન્ટરવ્યુ આપીશ.

મિથુનને 100 કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ ડિસ્કો ડાન્સરથી ઓળખ મળી હતી. 100 કરોડની કમાણી કરનાર હિન્દી સિનેમાની આ પહેલી ફિલ્મ હતી. જો કે તેનું કલેક્શન ભારત કરતાં સોવિયેત યુનિયનમાંથી વધુ હતું. મિથુન નોન-ડાન્સર હતો પરંતુ જ્યારે તેમણે ડિસ્કો ડાન્સર ફિલ્મમાં ફિલ્મની જરૂરિયાત મુજબ ડાન્સ કર્યો ત્યારે તેમના સ્ટેપ્સ દેશભરમાં ફેમસ થઈ ગયા.

મિથુન નક્સલવાદી હતા
મિથુન ચક્રવર્તીનો જન્મ 16 જૂન 1950ના રોજ કોલકાતામાં થયો હતો. તેમનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી છે. મિથુને કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ગ્રેજ્યુએશન પછી મિથુન નક્સલ ચળવળમાં જોડાયા અને કટ્ટર નક્સલ બની ગયા અને ઘરથી દૂર રહ્યા. થોડા વર્ષો પછી મિથુનના એકમાત્ર ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું. ઘરમાં કપરા સંજોગો જોઈને તેમણે નક્સલ ચળવળ છોડીને ઘર તરફ પ્રયાણ કર્યું. નક્સલવાદ સાથે સંબંધ તોડ્યા બાદ મિથુનનો જીવ જોખમમાં હતો પરંતુ તે ડર્યા નહોતા. કુખ્યાત નક્સલી રવિ રંજન સાથે તેમની ગાઢ મિત્રતા હતી.

અગાઉ પણ ઘણા સ્ટાર્સનું દાદા સાહેબ ફાલકેથી સન્માન કરવામાં આવ્યું છે
મિથુન ચક્રવર્તીને તેમની સફળ ફિલ્મ સફર અને સિનેમામાં તેમના યોગદાન માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ ઘણા દિગ્ગજોને તેમની શાનદાર સિનેમેટિક સફર માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં દિલીપ કુમાર, દેવ આનંદ, આશા પારેખ, આશા ભોસલે, લતા મંગેશકર જેવા અનેક દિગ્ગજ લોકોના નામ સામેલ છે.

To Top