ભેસકાતરી ગામના વડીલોના જણાવ્યા અનુસાર વર્ષો પહેલાં આ ગામમાં એક ભીલ રાજવીએ ભેંસની કતલ કરી હતી, જેથી આ ગામનું નામ ભેંસકાતરી પડ્યું, હાલ ભેસકાતરી તરીકે ઓળખાય છે
ભેસકાતરી ગામ સાથે જોડાયેલી લોકવાયકાઓમાં સાલેર, મુલેરમાંથી નીકળતી પૂર્ણા નદીની દૂગ્દધારા તેમજ પૂર્ણા નદીના પટમાં આવેલી માયાદેવીની પવિત્ર ગુફા તથા સાડીની ગડ અને માંડવો ચમત્કારિક ઇતિહાસની ગવાહી પૂરે છે
ભેસકાતરી ગામના પ્રકાશભાઈ ગામીતના ખેતરમાં વર્ષો જૂની એક પથ્થરની શિલા આવેલી છે, જે પથ્થરની શિલા પર ભેંસની ચામડીની પ્રતિકૃતિ આવેલી હોય, જેના પરથી પ્રથમ મહેશકાતરી અને બાદમાં ભેંસકાતરી નામ પડ્યાની લોકવાયકા સાંભળવા મળે છે
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનું છેવાડેનું અને તાપી જિલ્લાના સરહદને જોડતું ભેસકાતરી ગામ ચોતરફ ડુંગરોની મધ્યમાં સમથળ ભૂમિ ઉપર પૂર્ણા નદીના કાંઠે ધબકતું ગામ છે. ભેસકાતરી ગામમાંથી પૂર્ણા નદી પસાર થતી હોવાથી અહીં બારેમાસ પાણીની સગવડ જોવા મળે છે. આ ગામનો દરેક ક્ષેત્રોમાં ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે. અહીં શિક્ષણની સાથે સાથે પશુપાલન અને શાકભાજી તેમજ શેરડીની ખેતી થકી લોકજીવન આર્થિક રીતે સધ્ધર બની રહ્યું છે. ભેસકાતરી ગામ જતા પહેલાં વઘઇથી-ભેસકાતરીને જોડતા રાજ્ય ધોરી માર્ગમાં તેમજ પીંપરીથી ભેસકાતરીને જોડતા રાજ્ય ધોરી માર્ગની સાઈડમાં આવેલાં ઘટાદાર વૃક્ષો વનસંપદાની નવી ઓળખ ઊભી કરે છે. હાલમાં રોજગારી, શિક્ષણ, નોકરી, પશુપાલન, ખેતીવાડી અને જંગલોના સંરક્ષણ ક્ષેત્રે ધીમે ધીમે આ ગામ વિકાસનાં ડગલાં ભરી રહ્યું છે. ભેસકાતરી ગામ શિક્ષણ ક્ષેત્રે ઊભરી આવતાં
આ ગામના ઘણાખરા યુવાનો સરકારી નોકરી કરી રહ્યા છે.
વઘઇ-ભેસકાતરી રાજ્ય ધોરી માર્ગના ડુંગરડા, ઝાવડા થઈ ભેસકાતરી ગામ જવાય છે. જ્યારે આ ગામમાં જવું હોય તો આહવાથી પીંપરી, હનવતચોંડ અને કાલીબેલ થઈ ચકરાવો મારીને પણ જઈ શકાય છે. ભેસકાતરીથી તાપી જિલ્લાના ડોલારા અને વ્યારા, સોનગઢ, બારડોલી, સુરત તરફ જઈ શકાય છે. જ્યારે આહવા, વઘઇ અને વાંસદા પણ જઈ શકાય છે. ભેસકાતરી ગામ આહવાથી અંદાજિત 50 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે વઘઇથી અંદાજિત 30 કિલોમીટરના અંતરે આવેલું છે. તે ડાંગનું છેલ્લું ગામ છે. ભેસકાતરી ગામથી વહીવટી મથક આહવા જવું હોય તો લોકોને ઘણું દૂરનું અંતર પડે છે. જ્યારે વ્યારા ખાતે જવું હોય તો સરળતા રહે છે.
આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે, જેમાંથી સૌથી વધુ કોંકણી, ભીલ અને ગામીત જ્ઞાતિના છે. આ ગામના 60 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે 40 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા જોવા મળે છે. આ ગામમાં શિવમંદિર તથા હનુમાનજીનું મંદિર, કવાડિયા ડુંગર માઉલી માતાનો ગઢ અને બે જેટલા ચર્ચ પણ આવેલાં છે. ક્રિશ્ચયન ધર્મના લોકો રવિવારે દેવળમાં પ્રાર્થના કરે છે. ભેસકાતરી ગામમાં ભક્તો દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજીના મંદિરે શનિવારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. વધુમાં માયાદેવીના સ્થાનક અને શિવમંદિરમાં વાર તહેવારોમાં યજ્ઞ અને પૂજા-અર્ચના થાય છે. આ ગામમાં શ્રી સંપ્રદાય તથા મોક્ષમાર્ગી અને માળકરી સંપ્રદાયના ભક્તો પણ પૂજા-અર્ચના કરી પોતાના સનાતન હિન્દુ ધર્મનું પાલન કરે છે. ભેસકાતરી નજીક આવેલા કવાડિયા ડુંગર પર ડિસેમ્બર મહિનામાં મોક્ષમાર્ગી ધર્મના અનુયાયીઓનો સત્સંગ અને મેળો પણ યોજાય છે.
ભેસકાતરી ગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી આશરે 2000થી વધુ છે, જેમાં પુરુષોની સંખ્યા અંદાજિત 1000થી વધુ છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા પણ 1000થી વધુની છે. આ ગામમાં 300થી વધુ કાચાં અને પાકાં ઘરો આવેલાં છે. સાથે 300થી વધુ નાનાં-મોટાં કુટુંબ આવેલાં છે. ગામમાં ફળિયાની કુલ સંખ્યા 6 છે. ભેસકાતરી ગામમાં નાકા ફળિયું, નિશાળ ફળિયું, આસરિયા ફળિયું, નવું ફળિયું, મુર્ગે ફળિયું, અમરાય ફળિયું મળી કુલ 6 ફળિયાં આવેલાં છે. ભેસકાતરી ગામમાં વર્ષોથી માત્ર કોંકણી, ભીલ અને ગામીત જાતિના આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામમાં તુંબડા, પવાર, ગામીત, કોંકણી, ગોન્યા, ગાંગુર્ડે, રાઉત અને ગાવીત અટકના લોકોનો સમાવિષ્ટ થાય છે.
માર્ગોની સુવિધા કેવી છે?
વઘઈથી ભેસકાતરી ગામને જોડતો 30 કિલોમીટરનો માર્ગ અગાઉ ડાંગ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં સમાવેશ થતો હતો. જે માર્ગને જિલ્લા પંચાયતના વઘઇ પેટા માર્ગ-મકાનના નાયબ કાર્યપાલક ઈજનેર ટી.આઈ.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની ગ્રાંટમાંથી એક-બે વર્ષ પહેલાં જ નવીનીકરણ કરવામાં આવ્યો છે. જેથી હાલમાં આ માર્ગ વાહનવ્યવહાર માટે સલામત છે. પરંતુ હાલમાં જ આ માર્ગનો રાજ્ય ધોરી માર્ગમાં સમાવેશ કરાયો છે. જેથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા પણ આ માર્ગની કાળજી માટે પ્રયત્નો શરૂ કરી દેવાયા છે. જ્યારે પીંપરી થઈ કાલીબેલ અને ભેસકાતરીને જોડતો રાજ્ય ધોરી માર્ગ પણ એકંદરે સારો છે. જ્યારે ગામની અંદર જિલ્લા પંચાયત હસ્તકના આંતરિક માર્ગોની હાલત સારી છે. ભેસકાતરી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ફળિયામાં પેવર બ્લોક અને સીસીના માર્ગો બનાવવામાં આવ્યા છે. જે પેવર બ્લોક માર્ગોની હાલત સારી છે. જ્યારે અમુક જગ્યાએ સીસી માર્ગો ઉખડી ગયા છે. જ્યારે અમુક જગ્યાએ હજુ પણ પેવર બ્લોક અને સીસી માર્ગોની તાતી જરૂરિયાત લાગી રહી છે.
કઈ કઈ સુવિધા છે આ ગામમાં
ભેસકાતરી ગામના લોકોના શિક્ષણ ક્ષેત્ર વિશેની વાત કરીએ તો આ ગામ શિક્ષણ ક્ષેત્રે ઊભરી આવ્યું છે. જેના પગલે હાલમાં નોકરિયાતોની સંખ્યા પણ સારી એવી જોવા મળે છે. આ ગામનાં યુવાન-યુવતીઓ સરકારી નોકરીના ઉચ્ચ હોદ્દા પર કામ કરી ગામનું નામ રોશન કરી રહ્યા છે. ભેસકાતરીમાં બે આંગણવાડી કેન્દ્રો, ધો.1થી 8ની સરકારી પ્રાથમિક શાળા, ધો.1થી 8ની આશ્રમશાળા, એક સરકારી માધ્યમિક શાળા, પોસ્ટ ઓફિસ, ફોરેસ્ટ રેન્જ કચેરી, આયુષ્યમાન સબ સેન્ટર, ફોરેસ્ટ ચેકિંગ નાકુ, લાકડાંનો ડેપો, સેન્ટ્રલ પ્લાન્ટેશન નર્સરી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સહિત ગ્રામ પંચાયત કચેરી આવેલી હોવાથી લોકોને સરળતાવાળી સગવડ જોવા મળી રહે છે. અહીં સમયાંતરે લોકલ એસટી બસ, ખાનગી વાહનો રોજેરોજ નિયત સમય મુજબ મુસાફરોને આવનજાવન કરવા માટે મળી રહે છે. માત્ર આ ગામને મોટી બીમારીના સમયમાં આહવા અથવા તો વ્યારા સિવિલ હોસ્પિટલ સુધી જવું પડે છે. વધુમાં નજીકમાં કાલીબેલ ખાતે પી.એચ.સી. આવેલું છે. જેથી નાની બીમારીઓમાં સરળતા પડે છે. આ ગામમાં આયુષ્યમાન સબ સેન્ટર તો છે, પરંતુ આ ગામ ધાર્મિક પ્રવાસન સ્થળ સાથે જોડાયેલું હોવાથી પી.એચ.સી.ની તાતી જરૂરિયાત છે. જેથી આ ગામમાં પી.એચ.સી.નું નિર્માણ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.
અહીં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શાળાનાં બાળકો, આગેવાનો અને ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે. વધુમાં ગ્રામ પંચાયત ભેસકાતરી દ્વારા ચાલુ વર્ષમાં ગામમાં અનેક લાભાર્થીઓને ઇન્દિરા આવાસ અને પ્રધાનમંત્રી આવાસ તથા સમાજ કલ્યાણ શાખામાંથી આવાસ તથા બોર્ડર વિલેજ અંતર્ગત આવાસોની ફાળવણી કરાઈ છે. ભેસકાતરી ગામની વર્ષો જૂની સમસ્યામાં સ્મશાનની સમસ્યાનો અંત આવ્યો છે. આ ગામમાં પાંચ વર્ષ અગાઉ સ્મશાન ઘરનું નિર્માણ કરવામાં આવતાં ચોમાસાની ઋતુમાં અગ્નિદાહ માટે સરળતા જોવા મળે છે. આ ગામમાં ખ્રિસ્તી લોકો દરેક ઋતુમાં દફનવિધિ સરળતાથી કરી શકે છે.
રાજકીય ક્ષેત્રે ભેસકાતરી
અગાઉ ભેસકાતરી ગ્રામ પંચાયતમાં કાકરદા, કરળી, ભોગડિયા, કોલબરી, એન્જીનપાડા અને ભેસકાતરી ગામોનો સમાવેશ થતો હતો. હાલ ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં ગ્રામ પંચાયતમાં વસતીના આધારે માત્ર એક જ ભેસકાતરી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી ગ્રામ પંચાયત ભેસકાતરીમાં ભાજપાની બોડીનો દબદબો જોવા મળે છે. ભેસકાતરી ગ્રામ પંચાયતની વાત કરીએ તો ગત ટર્મમાં અહીં સરપંચ તરીકે કલ્પનાબેન મહેશભાઈ તુંબડા દબદબાભેર ચુંટાઈ આવ્યાં હતાં. હાલ તો ગ્રુપ ગ્રામ પંચાયત ભેસકાતરીનું વિભાજન થયું હોવાથી સમગ્ર કારભાર તલાટી કમ મંત્રી અને વહીવટદાર ચલાવી રહ્યા છે. ગ્રુપ ગ્રામ પંચાયત ભેસકાતરીના આગેવાનો વહીવટદાર સાથે મળી તલાટી કમ મંત્રી તથા તાલુકા સદસ્ય તેમજ જિલ્લા સદસ્યના માર્ગદર્શન મુજબ વિકાસકીય કામો કરી રહ્યા છે. ભેસકાતરી ગામનાં યુવા મહિલા આગેવાન અને ભાજપાના પાયાના કાર્યકર એવાં કલ્પનાબેન મહેશભાઈ તુંબડાનો ગામના વિકાસમાં અગ્રીમ ફાળો જોવા મળે છે. સાથે જ અન્ય મહિલા આગેવાન તરીકે જાગૃતિબેન નટુભાઈ ગામીતનો પણ ભેસકાતરી ગામના વિકાસમાં અગ્રીમ ફાળો જોવા મળે છે. ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકા બનતાં ભેસકાતરી ગ્રુપ ગ્રામ પંચાયતનો વઘઇ તાલુકા પંચાયતમાં સમાવેશ થયો છે. ભેસકાતરી ગ્રામ પંચાયત વિસ્તારમાં માજી સરપંચ કલ્પનાબેન મહેશભાઈ તુંબડા ઉમદા અને યુવા મહિલા નેતા તરીકે ઊભરી આવી છે. ભેસકાતરી ગામ વિસ્તારનાં કલ્પનાબેન તુંબડા તથા જાગૃતિબેન નટુભાઈ ગામીતે ભાજપ સાથે જોડાઈને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી અહીં ભાજપનો પાયો નાંખ્યો અને આ ગામને ભગવામાં રંગી નાખી વિકાસમાં સહિયારું યોગદાન આપ્યું છે. હાલમાં ભેસકાતરી ગામ વિસ્તારમાં ભાજપમાંથી જિલ્લા સદસ્ય તરીકે મંગળભાઈ ગાવીત ચુંટાઈ આવ્યા છે. મંગળભાઈ ગાવીત ડાંગ જિલ્લાના રાજકારણમાં પીઢ અને અનુભવી નેતાની આગવી છાપ ધરાવે છે. તેઓ અગાઉ સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ, બે ટર્મ સુધી ધારાસભ્ય, એક ટર્મ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલમાં ભેસકાતરી જિલ્લા સીટ પરથી જિલ્લા સદસ્ય તરીકે કાર્યરત છે. જેઓ રાજકારણમાં અનુભવી નેતાની ઓળખ ધરાવે છે. હાલમાં જિલ્લા સદસ્ય મંગળભાઈ ગાવીત ભેસકાતરી ગામનાં માજી સરપંચ કલ્પનાબેન તુંબડા તથા જાગૃતિબેન ગામીત સહિત ગામના આગેવાનો સાથે સંકલન કરી ગામના વિકાસમાં ભાગીદાર બન્યા છે.