Top News

More Posts

   The Latest

Most Popular

બિટકોઇનની કિંમત ૨૨ ટકા જેટલી ગગડી જતાં વિશ્વભરના ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોના ૨૦૦ અજબ ડૉલર ધોવાઇ ગયા હતા. અગ્રણી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન શુક્રવારે વધીને ૪૨૦૦૦ ડૉલર જેટલી ઓલ-ટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યો હતો, પણ સોમવારે અચાનક તેની કિંમતો ગગડવા માંડી હતી અને જોત જોતામાં તો તેનો ભાવ ૩૧૦૦૦ ડૉલરનો થઇ ગયો હતો.

બિટકોઇનના મૂલ્યમાં બાવીસ ટકા જેટલું જંગી ધોવાણ થતાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોના ૨૦૦ અબજ ડૉલર ધોવાઇ ગયા હતા. જો કે નિષ્ણાતો કહે છે કે ચિંતાજનક વધારા પછી પુલબેકની ઘણી જરૂર હતી અને આ ૨૨ ટકાનો ઘટાડો એ આવું જ જરૂરી પુલબેક છે. બિટકોઇનની કિંમતમાં મોટા ઉછાળા પછી બેંક ઓફ અમેરિકાએ ગયા સપ્તાહે ચેતવણી આપી જ હતી કે આ ઉછાળો મધર ઓફ ઓલ બબલ્સ એટલે કે એક સૌથી મોટો પરપોટો સાબિત થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં બિટકોઇનનો ભાવ ૩૮પ૦ ડોલર ચાલતો હતો તેમાં ૯૦૦ ટકા કરતા વધુના ઉછાળા સાથે તેનો ભાવ ગયા સપ્તાહના અંતે ૪૨૦૦૦ ડોલર પર પહોંચી ગયો હતો અને આખા ક્રિપ્ટોકરન્સી બજારનું મૂલ્ય એક ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું. જો કે આ સપ્તાહની શરૂઆત સાથે જ તેમાં મોટો ઘટાડો થયો છે. જો કે કેટલાક નિષ્ણાતો આ ઘટાડાને એક તંદુરસ્ત કરેકશન ગણાવે છે.

To Top