Top News

More Posts

   The Latest

Most Popular

મિત્રો અને દુશ્મનો – બંને સામે ‘રાષ્ટ્રવાદ’ના આવરણ હેઠળ કામ ચલાવવાનો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની વર્તમાન સરકારનો શોખ લાગે છે. આથી જયારે પ્રતિષ્ઠિત ટાટા જૂથને નિશાન બનાવાયું અને તેને બેસૂરા ‘રાષ્ટ્રવાદ’ના અગ્નિમાં હથોડાથી ચકાસવાની કામગીરી વાણિજય મંત્રી પીયૂષ ગોયલની નીગરાની હેઠળ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ પાસેથી હાથ પર લેવામાં આવી ત્યારે કેટલાકને આશ્ચર્ય થયું પણ ઉદ્યોગના માંધાતાઓ મૂંઝવણમાં મૂકાઇ ગયા.

કોન્ફેડરેશન પોતાના જમણેરી ઝોક માટે જાણીતું છે. ટાટાના રાષ્ટ્રવાદની દરેકને ખબર છે અને આઝાદી પછી ભારતના નિર્માણ માટે તેણે જે ભૂમિકા ભજવી છે તે પણ જાણીતી છે. ‘નયા ભારત’ના નિર્માણ માટે વડા પ્રધાન મોદીએ ઔદ્યોગિક ક્ષેત્રની જે નવી ભૂમિકા ઉત્સાહપૂર્વક બતાવી છે તેનું ગોયલ સમાંતર અનુસરણ કરે છે એમ ઉદ્યોગ-ધંધાના ઘણા લોકોને લાગે છે. કોન્ફેડરેશનની વાર્ષિક સભામાં ગોયલે ઓગણીસ મિનિટના વીડિયો પ્રવચનમાં ‘ધ હિંદુ’ના હેવાલ મુજબ એવું કહ્યું હતું કે હું, મારી જાત, મારી કંપની – આપણે આ અભિગમથી ઉપર જવાનું છે. તેમનાં આ વિધાન ટાટા સન્સ સામે તકાયેલાં હતાં જેણે તેમના મતે તેના મંત્રાલયે ઉપભોકતાને મદદ કરવા માટે બનાવેલા નિયમોનો વિરોધ કરતા હતા અને રાષ્ટ્રીય હિતમાં કામ નથી કરતા.

રોઇટરનો એક હેવાલ કહે છે કે પ્રધાનના પ્રવચનની વીડિયોની બે લિંકને પત્રકમાં સાથે વહેંચવામાં આવી હતી પણ હવે બ્લોક કરવામાં આવી છે. કોન્ફેડરેશનના કાર્યક્રમમાં પીયૂષ ગોયલે કહ્યું હતું કે નિયમો સામે ટાટા જૂથે કરેલા વિરોધથી હું વ્યથિત થયો છું અને મેં તેની ટાટા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરનને જાણ કરી છે. ૧૫૩ વર્ષ જૂના ટાટા જૂથને નિશાન બનાવીને તેમણે વ્યકત કરેલા વારંવારના આ નિરીક્ષણથી સરકારી વર્તુળોમાં અને ઔદ્યોગિક જગતમાં ખળભળાટ મચાવશે અને ચિંતા પેદા કરશે.

આ ઉદ્યોગ મધ્યમ અને નાના ઉદ્યોગોને ટેકો આપવા પૂરતું કરતો નથી એવી પીયૂષ ગોયલની ટીકામાં દમ છે પણ તેમણે આ વાત કેમ કરી તે ઘણાને કોયડો છે. દેશ જયારે અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા મથામણ કરી રહ્યો છે ત્યારે તેમણે આવું વિધાન કેમ કર્યું? તેમણે જાતે જ આ ગોળીબાર કર્યો કે કોઇએ તેમના ખભે બંદૂક મૂકી? તેમણે દેશના એક સૌથી જૂના અને મોટા ઔદ્યોગિક જૂથને કેમ હડફટે લીધું? વર્તમાન સરકાર એકહથ્થુ શાસન ચલાવે છે તે જોતાં નાણાં ક્ષેત્રના એક પ્રધાન એક પ્રતિષ્ઠિત ઉદ્યોગમંડળના મંચ પરથી પોતાની જાતે દેશના એક સૌથી જૂના અને શકિતશાળી જૂથ પર આ રીતે જાતે ગોળીબાર કરે તે માનવાનું મુશ્કેલ છે કે તેમની જીભ લપસી પડી?

સરકારનો ઉદ્યોગ-ધંધા તરફ શું અભિગમ છે તે બાબતમાં પિયૂષ ગોયલના વિધાનથી મોટો ગૂંચવાડો થયો છે. સરકાર ઉદ્યોગ-ધંધા કરવા માટે તમામ જરૂરી સલવતો પૂરી પાડે છતાં ઉદ્યોગો અર્થપૂર્ણ રીતે કામ નહીં કરતા હોય તેવું સરકાર કે વાણિજય મંત્રીને લાગતું હોય તો આ ક્ષેત્રને ઉત્તરદાયી બનાવવું જ જોઇએ એમાં કંઇ ખોટું નથી અને સત્તા આગળ શાણપણ નકામું એ વાત પણ સાચી, પણ કોઇ ક્ષેત્રને આમ જાહેરમાં ખંચકાટભરી સ્થિતિમાં મૂકવાનું બરાબર છે? ગોયેલનો ઇરાદો ગમે તે હોય, પણ તેમણે વિવાદ પેદા કર્યો છે.

વધુ રસપ્રદ તો એ છે કે કોવિડ મહામારીથી અસરગ્રસ્ત કેટલીક નાની પેઢીઓ માટે કોન્ફેડરેશનના થોડા સભ્યોએ સહારો માંગ્યો અને તેના જવાબમાં પીયૂષ ગોયેલ આવું ઓચર્યા. પીયૂષ ગોયેલ તેમની સરકારની રસમ મુજબ નાના ઉદ્યોગોની ટીકાના દોષનો ટોપલો મોટા ઉદ્યોગ પર નાંખવા માંગતા હતા? પીયૂષ ગોયેલે જાતે ડહાપણ ડહોળ્યું હોય કે સરકારે તેમને ઘોંચપરોણો કર્યો હોય, તેની અસર પડશે જ. એક તાત્કાલિક અસર તરીકે કોન્ફેડરેશનને પીયૂષ ગોયલના પ્રવચનની વીડિયો યૂ ટયૂબ પરથી હઠાવી લેવાનું કહેવામાં આવ્યું. કોણે કહ્યું તે ખબર નથી પડી, પણ એમાં ઝાઝું ભેજું કસવાની જરૂર નથી. કોન્ફેડરેશને કાપકૂપ સાથે વીડિયો જાહેર કરી અને પછી તે વીડિયો પણ જાહેર પહોંચમાંથી બહાર ખેંચી લેવામાં આવ્યો હોવાના હેવાલ છે.

પ્રધાનો અને અધિકારીઓ અગ્રણી ઉદ્યોગપતિઓનો તેમની રીતરસમ બદલ ઉધડો લેતા હોય તેવું બનતું આવ્યું છે પણ આવી ઘટના પહેલી વાર બની છે કે જેમાં એક પ્રધાને જાહેરમાં કોઇ ઔદ્યોગિક જૂથ પર હુમલો કર્યો હોય. હજી આગલા દિવસે જ વડા પ્રધાને ઉદ્યોગ-ધંધાને રાષ્ટ્રમાં પૈસા રોકી પડકાર ઝીલવાનું આહ્‌વાન આપ્યું હતું અને તેને પૂરી મદદ કરવાની ખાતરી આપી હતી. સરકારનો કે સત્તાધીશોનો ઇરાદો શું છે? એક બાજુ સંસદનું ચોમાસું સત્ર ખોડંગાઇને પૂરું થયું અને સરકાર વિરોધીઓને મોં આપવા માંગતી નથી અને હવે ઉદ્યોગોને હથોડા મારે છે? વિરોધીઓ અને ટીકાકારોને એવું માનવા માટે હવે પૂરતું બળ મળે છે કે સરકાર પાસે દ્રષ્ટિ અને બુધ્ધિધન બંને નથી.

કેન્દ્રમાં એક સૌથી મજબૂત નેતા હોવા છતાં ગમે તેમ બફાટ કરવાની કેન્દ્ર અને ભારતીય જનતા પક્ષશાસિત રાજયોમાં રસમ થઇ પડી છે. કોઇ સત્તાવાર રદિયો ન હોય ત્યારે એવું માનવું પડે કે પક્ષ અને તેના નેતાઓની આ રાજકીય વ્યૂહરચના છે.પીયૂષ ગોયેલે વિરોધ પક્ષને નિશાન નથી બનાવ્યા, પણ એક ટોચના ઉદ્યોગ જૂથને નિશાન બનાવ્યું છે અને તેની સામે ગોઠવાઇ ગયા છે. વડા પ્રધાનને ચિંતા થવી જોઇએ. ‘નયા ભારત’ના નિર્માણ માટે બધાને સાથે રાખવાના છે. તેને બદલે આ તો ખંખેરવામાં આવે છે.
  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top