Madhya Gujarat

ડાકોરમાં તહેવાર ટાણે પાણી માટે વલખાં મારતી પ્રજા

નડિયાદ: ડાકોર-ઠાસરા રોડ પર ચાલતાં નવા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાથી નગરજનો ત્રણ દિવસથી પાણી માટે વલખાં મારી રહ્યાં છે. તહેવારો ટાણે જ સર્જાયેલી પાણીની સમસ્યાથી નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીને કારણે હાલમાં નગરના રહીશો પરેશાન થઇ રહ્યા છે.

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં હાલ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ડાકોર-ઠાસરા રોડ પર આવેલ શેઢી નદી નજીક ચાલતાં ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ત્રણ દિવસ અગાઉ પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું હતું. જેને પગલે નગરના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લાં ત્રણેક દિવસથી પાણીનો સપ્લાય બંધ થયો હતો. સતત ત્રણ દિવસ સુધી પાણીનો પુરવઠો ન મળવાથી નગરજનો રીતસરના ત્રાસી ગયાં છે.

હાલ પવિત્ર શ્રાવણ માસ ઉપરાંત રક્ષાબંધન સહિતના વિવિધ તહેવારો ટાણે જ પાણીની સમસ્યા સર્જાતાં નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે પાલિકાતંત્ર દ્વારા ઓવરબ્રિજની કામગીરી કરતી એજન્સીને નોટીસ ફટકારી સંતોષ માનવામાં આવ્યો છે. જોકે, એજન્સી દ્વારા નોટિસ મળ્યા બાદ પાણીની પાઈપલાઈનમાં પડેલાં ભંગાણનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. એકાદ-બે દિવસમાં મરામતની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો સામાન્ય થઇ જશે તેમ પાલિકાતંત્રએ જણાવ્યું હતું.

અગાઉ નાની ભાગોળ વિસ્તારની પ્રજા સતત ત્રણ મહિના સુધી પાણી વિના ટળવળી હતી

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર છેલ્લાં ઘણાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી ઝઝુમી રહ્યું છે. છાશવારે મોટર બળી કે પછી અન્ય કોઈ કારણોસર પાણીનો સપ્લાય બંધ રહેતો હોવાથી સ્થાનિકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવતો હોય છે. કોરોના મહામારીની બીજી લહેર વખતે નાની ભાગોળ વિસ્તારમાં એક-બે દિવસ નહી પરંતુ સતત ત્રણ મહિના સુધી પાણીનો પ્રશ્ન જોવા મળ્યો હતો. જેને પગલે આ વિસ્તારના રહીશોએ પીવા તેમજ ઘર વપરાશના પાણી માટે રીતસરના વલખાં માર્યા હતા. જે તે વખતે રોષે ભરાયેલી આ વિસ્તારની મહિલાઓએ પાલિકા કચેરીનો ઘેરાવ કરતાં આખરે પાલિકાએ પાણીનો સપ્લાય નિયમિત આપવાનો શરૂ કર્યો હતો. આ વાતને હજુ માંડ થોડો સમય જ વિત્યો છે, ત્યારે ફરી વખત પાણીનો સપ્લાય બંધ થવાથી પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ટેન્કરથી પાણી પહોંચાડવામાં ભેદભાદની ચર્ચા

ડાકોરમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાથી નગરના રહીશો છેલ્લાં ત્રણ દિવસથી પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ટેન્કરો મારફતે વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જોકે, કેટલાક વિસ્તારોમાં ટેન્કરો પહોંચતા જ ન હોવાની ફરીયાદો ઉઠી રહી છે. આ અંગે સ્થાનિકો રોષપૂર્વક જણાવે છે કે, પાલિકાના સત્તાધીશો તેમજ કર્મચારીઓ પોતાના સગાં-સબંધી તેમજ મળતીયાઓના વિસ્તારોમાં જ પાણીના ટેન્કર મોકલી રહ્યાં છે. સામાન્ય પ્રજા દ્વારા પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર ટેન્કરની માંગણી કરવા છતાં મોકલવામાં આવતું નથી.

Most Popular

To Top