Top News

More Posts

   The Latest

Most Popular

આખો દેશ જયારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત આખા દેશના ખેડૂતો પણ સરકાર સાથે ખભેખભા મિલાવીને ઊભા છે, પણ ખેડૂતોને તકલીફ એટલી છે કે સરકાર એમના ખભા પર હાથ મૂકવાની જગ્યાએ ચિંતા અને દેવાનો બોજ મૂકી અને વધારી રહી છે.  દેશનો દરેક ખેડૂત પોતાની ફરજ સમજી એક સાચા સિપાહીની જેમ કોરોના સામે લડવાની સાથે સાથે આખા દેશને અનાજ, શાકભાજી, દૂધ, ફળફળાદિ પૂરું પાડી રહ્યા છે ત્યારે સરકારની પ્રથમ ફરજ ખેડૂતોને મદદ કરવાની, એમનો પાક બચાવવાનો અને એમના ભવિષ્યની ચિંતા કરવાનો છે.

સરકાર કદાચ ચિંતા અને ચિંતન કરતી જ હશે પણ સરકારને શું ખબર છે કે કોરોનાની ત્રીજી લહેરમાં ખેડૂતોનું શું થશે? મોસમ વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે એક બાજુ કોરોનાનો કાળ ને બીજી બાજુ વરસાદની ખેંચ ખેડૂતોને બંને બાજુથી હેરાન કરશે.જો કોરોનાનો કહેર આવો ને આવો લંબાતો રહ્યો તો બિચારો અને બાપડો ખેડૂત અને એમનાં પરિવારજનોનું શું થશે? સરકારે એમના ભવિષ્ય સાથે દેશના ભવિષ્યની ચિંતા કરીને ખેડૂતો માટે કોઈ નક્કર આયોજન કરવાની જરૂર છે,નહિ તો કોરોનામાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની માઠી દશા બેસી જશે.

ગુજરાત સહિત કેટલાંય રાજ્યોમાં વરસાદ પડતો  નથી, જેના કારણે આ વર્ષે દુકાળની સંભાવના દેખાઈ રહી છે.એક બાજુ કોરોના ને બીજી બાજુ દુકાળ જો પડયો તો ખેડૂતોની સાથે સાથે ગુજરાતની આર્થિક સ્થિતિની કમર પણ ભાંગી જવાનાં એંધાણ છે. કોરોના વાયરસ મહામારીના કારણે દેશ અને ગુજરાતની સરકાર પહેલેથી આર્થિક તાણ અનુભવી રહી છે. એવામાં જો દુકાળ પડ્યો તો સરકાર સામે અનેક પ્રશ્નો મોઢું ફાડીને ઊભા થઇ જશે. સરકાર જેમ તેમ કરીને કોરોના સામે તો લોકોને સમજાવી લેશે પણ દુકાળનું શું કરશે? 2022 માં ગુજરાતનાં લોકો ખેડૂતોને સરકાર પાસે આપવા માટે કોઈ જવાબ કે સમાધાન કદાચ નહિ હોય. મોસમ વિભાગના અનુમાન મુજબ જો આવો જ વરસાદ રહ્યો તો ખેડૂતોને સિંચાઇ માટે તો શું, ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા પણ દુકાળના કારણે જોવા મળશે કારણ કે નર્મદા સિવાયના તમામ ડેમ પાણી વિના સુકાઈ રહ્યા છે.

ગુજરાતમાં સામાન્યપણે મધ્ય જૂનથી મધ્ય સપ્ટેમ્બર મહિના સુધી વરસાદી સિઝન જામતી હોય છે. ગયા વર્ષે જ્યાં નવમી ઓગસ્ટ સુધીમાં જ 449.3 mm વરસાદ ગુજરાતમાં પડ્યો હતો ત્યાં આ વર્ષે 15 ઓગસ્ટ સુધી માત્ર  304.7 mm વરસાદ જ પડ્યો છે. એક અંદાજ મુજબ 12 મી ઓગસ્ટના રોજ ગુજરાતની નદીઓમાં માત્ર 30 થી 35 ટકા જ પાણી બચ્યું હતું. ગુજરાતમાં અત્યારથી સ્થિતિ એટલી ખરાબ થઇ રહી છે કે સિંચાઇ માટે રાજ્ય સરકારે નર્મદા નદીમાંથી બે સપ્તાહ માટે પાણી છોડવાની નોબત આવી હતી. ગુજરાતની સૌથી વધારે ચિંતા સૌરાષ્ટ્રનાં ખેડૂતોને થઈ રહી છે. સૌરાષ્ટ્રનો વિસ્તાર એમ પણ પાણી અને સિંચાઈના પ્રશ્નો સામે વર્ષોથી લડે છે, એવામાં જો એક અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો બધો પાક નિષ્ફળ જતો રહેશે. કેમ કે  પાક માટે જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં જ સૌથી વધારે પાણીની જરૂર પડે છે. એવામાં બંને મહિના કોરાધાકોર રહ્યા છે અને દિવસો પસાર થઈ રહ્યા છે.

ગુજરાતમાં 23 ઑગસ્ટ સુધીમાં વરસાદની ઘટ 46 ટકા રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 49 ટકા ઓછો વરસાદ પડ્યો છે.સુરેન્દ્રનગરમાં આ વર્ષે તેની સરેરાશ કરતાં 63 ટકા ઓછો વરસાદ થયો છે તો કચ્છમાં સરેરાશ કરતાં 57 ટકા ઓછો વરસાદ થયો છે. જામનગર, ગીર-સોમનાથ તથા પોરબંદરમાં વરસાદની ઘટ 50 ટકાથી વધારે છે.એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.

અડધાથી વધારે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે અને હજી વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. જો આવી જ સ્થિતિ રહી તો અનેક વિસ્તારોમાં શિયાળાથી જ પીવાના પાણીની તંગી સર્જાવાની સ્થિતિ પેદા થઈ શકે છે. જગતના તાતની સ્થિતિ તો છેલ્લાં બે વર્ષથી ખરાબ છે.કોરોના કાળ થયો ત્યારથી તૈયાર પાકના ભાવો યોગ્ય નથી મળી રહ્યા. બીજી બાજુ પાણીની ખેંચ જો પડી તો ગુજરાતના ખેડૂતો કોની પાસે મદદ માંગવા જશે? ગુજરાતમાં કપાસની ખેતી મોટા પાયે થાય છે .કપાસને ખૂબ પાણી બીજા શબ્દોમાં કહીએ તો સારા વરસાદની જરૂર પડે છે એવામાં જો આગાહી સાચી પડી તો કપાસ પકવતા ખેડૂતો દેવાના ડુંગરમાં દબાઈ જશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top