Gujaratmitra Daily Newspaper - Since – 1863

Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: આધુનિકરણના માર્ગે આગળ વધેલી ગુજરાત પોલીસ (Gujarat Police) હવે બોડી વોર્ન કેમેરાથી સુસજ્જ થઈ ગઈ છે. આજે ગુજરાત પોલીસને રાજયના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ 10 હજાર જેટલા બોડી વોર્ન કેમેરા (Body Worn Camera) આપ્યા હતા. જાડેજાએ અમદાવાદમાં ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરા “Body Worn Camera” લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે.’ આ પહેલથી રાજ્યનું પોલીસતંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે એટલું જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી પોલીસ ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

‘બોડી વોર્ન કેમેરા’ની ઉપયોગિતા વર્ણવતા જાડેજાએ કહ્યું હતું કે ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, VVIP સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ ‘બોડી વોર્ન કેમેરા’નો ઉપયોગ કરી શકશે. પોલીસતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે બદલાતા સમયમાં પોલીસતંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથોસાથ ટેકનોલોજીનો પણ સુપેરે ઉપયોગ કરવો પડશે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો, ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 7 હજારથી વધુ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે પોલીસ સેવાના વિસ્તરણ અને આધુનિકીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. વર્ષ 2017 થી 2020 સુધીમાં ગુજરાત સરકારે લોકરક્ષકથી માંડીને પોલીસ ઈન્સ્પેક્ટર સુધીના સંવર્ગમાં 30,419 યુવાનોની ભરતી કરી છે અને ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં કાયદો અને વ્યવસ્થા માટે રૂા. 7,960 કરોડની ફાળવણી કરી છે.

રાજ્યમાં શાંતિ અને સલામતી માટે કરવામાં આવેલા કાનૂન-સુધારાની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, બહેન અને દીકરીઓની સલામતી માટે રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં સુધારો કરી ગુનેગારોને નશ્યત કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જમીન પચાવી પાડતા અસામાજિક તત્વો પર સંકજો કસવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રિવેન્શન એક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુંડાઓ સામે વધુ કડક હાથે કામગીરી કરવા માટે ગુજરાત ગુન્ડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવીટી (પ્રિવેન્શન), 2020 રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી અર્થે મૂક્યો છે.

To Top