Top News

More Posts

   The Latest

Most Popular

શું આપણે કદી શિક્ષણનાં સત્તાસ્થાનો અને તેની નિમણૂકો વિષે જાગૃત ચર્ચા કરીએ છીએ. જાગૃત નાગરિકની વ્યાખ્યામાં ફીટ થવા માટે આ મુદ્દો પણ અગત્યનો છે. એ વાત સાચી છે કે બજારના વેપારીઓ, રસ્તા પરના ફેરિયાઓ કે કારખાનાના કારીગરો આવી બધી ચિંતા ન કરે. પણ સમાજના અગ્રિમ અધ્યાપકો, સાહિત્યકારો, ડૉક્ટર્સ, વકીલ પણ આ બાબતો માટે જાગૃત હોય છે ખરા? જો તમને એમ થાય કે એ વળી આ બાબતોમાં શા માટે રસ લે!

તો તમને જણાવી દઈએ કે આપણા દેશની મોટા ભાગની યુનિવર્સિટી અને સ્કૂલબોર્ડમાં સમાજના તમામ વર્ગનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે આ તમામ સમુદાયોના પ્રતિનિધિ હોય છે.

કમભાગ્યે ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રનાં સત્તામંડળો પણ રાજકારણ અને કાવાદાવાથી પર નથી અને શિક્ષણનાં સત્તામંડળોમાં પણ રાજકીય નિમણૂકો થાય છે અને સત્તાલાલસા તો એ રહે છે કે પૂર્ણત: શૈક્ષણિક અને અભ્યાસ સંશોધનને લગતા નિર્ણયો કરવાના હોય તેવી અભ્યાસ સમિતિઓ એક્ઝીકયુટીવ કાઉન્સીલ, પરીક્ષા સમિતિઓમાં શિક્ષણવિદો અને અભ્યાસુઓને બદલે રાજનીતિના દાવપેચ જાણનારા, જ્ઞાતિવાદમાં રમમાણ રહેનારાનો દબદબો હોય છે.

કોવિડ જેવી મહામારી પણ આ શિક્ષણ ક્ષેત્રના સત્તાલાલચુઓને નડતી નથી. ઉલ્ટાનું અત્યારે જ્યારે અભ્યાસુ અને શિક્ષણના જીવ જેવા લોકો ઘરમાં બેસવું વધારે પસંદ કરે છે ત્યારે ખટપટિયાળો દોડાદોડ કરી પોતાનાં સ્થાનોની ગોઠવણ પાકી કરે છે.

મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કારણ કે આવનારા વર્ષે નવી શિક્ષણનીતિનો અમલ થવાનો છે. અત્યારે કોરોનાના કારણે શિક્ષણ-પરીક્ષણનું પરંપરાગતથી ઉલ્ટું વિચારવાનું છે! જૂદું વિચારવાનું છે. હવે જાતમહેનતે અને તેજસ્વિતાથી સત્તામંડળમાં પહોંચેલાં લોકો કોઈક રસ્તો કાઢે! પણ જેમને માત્ર હા-એ-હા કરવા ગોઠવી દીધા હોય અને ઉપરથી આવે તે હુકમનો અમલ કરવો એટલું જ જે જાણતા હોય તેમને આવી મુશ્કેલ સ્થિતિમાં રસ્તો કાઢવો ન ફાવે!

તમે આને સુશાસન કહો કે દિશાહીનતા પણ આખું વરસ પૂરું થવા આવ્યું, યુનિવર્સિટીઓ કોલેજોની ફી ઘટાડવાનું નક્કી કરી શકી નથી! ગુજરાત શિક્ષણબોર્ડ 9 થી 12 ધોરણનો કોર્સ 30% ઘટાડી દીધો, પણ કોલેજોમાં આવું હજુ કોઈને ધ્યાનમાં નથી આવ્યું!

યુ.જી.સી.એ પરીક્ષા લેવાનું કીધું પછી બધી યુનિ. પરીક્ષા લેવા મેદાને પડી છે તે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ છેક ફેબ્રુઆરી મહિના સુધી ચાલવાની છે. એટલે બીજું સેમેસ્ટર માર્ચ-એપ્રિલમાં ચાલશે. મે મહિનામાં પરીક્ષાઓ અને જૂનમાં જય હો! આપણી વ્યાપક ઉદાસીનતા આપણાં જ બાળકોના ભવિષ્યને રોળી રહી છે. શિક્ષણ, અભ્યાસ, વાચન આમ પણ ગુજરાતના કોઠે ઓછું પડે છે.

એમાં કોરોનાનું બહાનું મળ્યું છે. શાળા કક્ષાનાં બાળકોને તો મા-બાપ ઘરે પણ ભણાવે છે કે ધ્યાન રાખે છે પણ કોલેજ કક્ષાએ શું ચાલે છે તે ન તો વાલીઓ પૂછે છે ન શિક્ષણના આગેવાનો ધ્યાન દે છે. જો આપણે આવનારી નવી શિક્ષણનીતિનાં ઉજળાં પરિણામોની આશા સેવતાં હોઈએ તો ઓછામાં ઓછું શિક્ષણમાં રાજકારણ ઘટાડવું રહ્યું.

પરીક્ષા સમિતિ, અભ્યાસ સમિતિ, સંસ્થાઓને મંજૂરી આપતી તપાસ સમિતિ માત્ર ભાડાં-ભથ્થાંનાં બીલો લઈને છૂટી પડશે તો શિક્ષણનું નિકંદન જ નીકળશે! આપણે દબાણ ઊભું કરવું પડશે અને જવાબ માંગવા પડશે કે આ પરીક્ષા અંગેના નિર્ણયો કર્યા ત્યારે તજજ્ઞોએ મૂલ્યાંકનની કઈ કઈ પ્રવિધિઓનો અભ્યાસ કર્યો હતો.

અભ્યાસ સમિતિએ અભ્યાસક્રમ જાતે ઘડ્યો છે કે માત્ર બીજી યુનિ. ના ઉતારા જ કર્યા છે. તપાસ સમિતિએ શિક્ષણ સંસ્થાને મંજૂરી આપી ત્યારે પ્રયોગશાળા, પુસ્તકાલય, શૈક્ષણિક સ્ટાફનું ખરેખર ચેકિંગ કર્યું છે કે બધું લોલમલોલ!

ઠંડી છે પણ ઠંડા થઈ જવાથી નહીં ચાલે! જાગવું પડશે! શિક્ષણના ધંધાને રોકવો પડશે! શિક્ષણમાં અભ્યાસ અને અભ્યાસુઓના મહત્ત્વને વધારવું પડશે.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
To Top