ભારતમાં ગાય, ભેંસ વગેરે પશુઓની ગેરકાયદે કતલ મોટા પ્રમાણમાં થાય છે. પશુ સંરક્ષણ કાયદા મુજબ કોઈ પણ ઉંમરની ગાયોની અને દૂધ આપતી ભેંસોની કતલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૧૯૬૦ના પશુ ક્રૂરતા નિવારણ કાયદા અંતર્ગત ૨૦૧૭ માં ઘડવામાં આવેલા નિયમો મુજબ કતલ માટે લઈ જવાતાં પશુઓને વાહનમાં ખીચોખીચ ભરીને લઈ જવા પર પણ પ્રતિબંધ છે.
તેમ છતાં કેટલાંક સ્વાર્થી તત્ત્વો કાયદાઓનો ભંગ કરીને કતલ માટે પશુઓની હેરફેર કરે છે અને તેમની ગેરકાયદે કતલ પણ કરી નાખે છે. જ્યારે કોઈ જીવદયાપ્રેમીને સમાચાર મળે કે ગેરકાયદે કતલ માટે પશુઓની હેરાફેરી ચાલી રહી છે ત્યારે તેઓ પોલીસને ફરિયાદ કરે છે. પોલીસ દરોડો પાડીને પશુઓ ઉપરાંત વાહન પણ જપ્ત કરે છે અને વાહનચાલકની ધરપકડ કરે છે.
પોલીસ દ્વારા વાહનચાલક પર કેસ કરવામાં આવે છે અને કેસ ચાલે તે દરમિયાન પશુઓનો કબજો કોઈ પાંજરાપોળને કે ગોશાળાને સોંપવામાં આવે છે. જો વાહનચાલક નિર્દોષ છૂટી જાય તો પશુઓનો કબજો તેના મૂળ માલિકને પાછો સોંપવામાં આવે છે, પણ જો તેનો ગુનો પુરવાર થાય તો પશુઓ આજીવન પાંજરાપોળમાં કે ગોશાળામાં રહે છે. આ પ્રક્રિયાને કારણે કતલનો ધંધો કરતા કસાઈઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે.
તાજેતરમાં હૈદરાબાદની બફેલો ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશન નામની સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી કે ૨૦૧૭ માં ઘડવામાં આવેલા નિયમોને કારણે તેમનાં પશુઓ બળજબરીથી જપ્ત કરીને ગોશાળામાં મોકલી દેવામાં આવે છે, જેને કારણે તેઓ પોતાની આજીવિકાથી વંચિત રહી જાય છે.
ગઈ તા. ૪ જાન્યુઆરીના આ કેસની સુનાવણી નીકળી ત્યારે ચીફ જસ્ટિસ શરદ બોબડેની બેન્ચે ૨૦૧૭ ના નિયમો રદ કરવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું; પણ કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે આ નિયમો પશુ ક્રૂરતા નિવારણ કાયદા સાથે સુસંગત છે. હવે અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘે પણ આ કેસમાં જોડાવા માટે અરજી કરી છે.
અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘની સ્થાપના સ્વ. વિનોબા ભાવેએ કરી હતી અને તેની હેડ ઓફિસ વર્ધામાં આવેલી છે. હાલમાં માલેગામના ગાંધીવાદી નેતા કેશરીચંદ મહેતા તેના પ્રમુખ છે. તેમને ખ્યાલ આવ્યો કે જો સુપ્રિમ કોર્ટ દ્વારા પશુ ક્રૂરતા નિવારણ નિયમો રદ કરી દેવામાં આવશે તો પશુઓનો કબજો કસાઈઓના હાથમાં જતો રહેશે અને તેમની કતલ થઈ જશે. આ કારણે તેમણે બફેલો ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશનના કેસમાં તેમની સંસ્થાને પક્ષકાર બનાવવા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે.
તેમણે પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે ‘‘બફેલો ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ પોતે કતલખાનું ચલાવે છે. તેમણે જે જાહેર હિતની અરજી કરી છે તેનો મૂળ હેતુ પોતાના અંગત હિતનું રક્ષણ કરવાનો છે. સમાજના નબળા વર્ગનું કલ્યાણ કરવાને બહાને તેઓ પોતાના જપ્ત થયેલાં પશુઓ પાછાં મેળવવા માગે છે, જેની ગેરકાયદે કતલ થઈ જાય તેવી તમામ સંભાવનાઓ છે.’’
બફેલો ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને પોતાની અરજીમાં દલીલ કરી હતી કે ‘‘૧૯૬૦ ના પશુ ક્રૂરતા નિવારણ કાયદાની ૨૯ મી કલમમાં લખ્યું છે કે ‘જો પશુઓનો માલિક ગુનેગાર પુરવાર થાય કે તેના દ્વારા પશુ પર વધુ હિંસા ગુજારાય તેમ હોય તો જ પશુઓને કબજે કરવાં.’
પરંતુ ૨૦૧૭ ના નિયમોમાં આ કલમની ઉપરવટ જઈને કેસ ચાલતો હોય અને ચુકાદો આવવાનો બાકી હોય તે દરમિયાન પણ પશુઓને કબજે કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ૧૯૬૦ ના કાયદામાં લખવામાં આવ્યું છે કે જો પશુઓ માંદા કે ઇજાગ્રસ્ત હાલતમાં હોય તો જ તેમને પશુ આશ્રયસ્થાનમાં દાખલ કરવાં જોઈએ. જો પશુઓ સાજાં થઈ જાય તો તેમને મૂળ માલિકને પરત કરવાં જોઈએ.’’
અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘‘અરજદારો પશુઓ જપ્ત કરવા અને કબજે કરવા તેના વચ્ચેનો ફરક સમજી શક્યા નથી. જ્યારે કેસ ચાલતો હોય તે દરમિયાન પશુઓને કામચલાઉ ગોશાળાને સોંપવામાં આવે તેને જપ્ત કરવા કહેવાય છે. જ્યારે કેસનો ચુકાદો આવી જાય અને ગુનો પુરવાર થઈ જાય તે પછી પશુઓ ગોશાળાને સોંપવામાં આવે તેને કબજો આપ્યો કહેવાય.
આ બંને શબ્દો સરખા જણાય છે, પણ કાયદાની પરિભાષામાં તેમના અર્થો અલગ અલગ કરવામાં આવે છે. વળી અરજી કરનારી સંસ્થાના પ્રમુખ અકિલ કુરેશી પોતે દિલ્હીમાં એક કતલખાનાની માલિકી ધરાવે છે. તેઓ કતલખાનામાંથી મળતાં હાડકાં અને ચામડાં ઉદ્યોગોને વેચવાનો ધંધો પણ કરે છે. આ કારણે તેમની અરજી જાહેર હિતની અરજી નથી. અરજદારના તેમાં સ્થાપિત હિતો છે. તેઓ ચોખ્ખા હાથ સાથે અદાલતમાં આવ્યા નથી. ’’
‘‘પશુઓ જપ્ત કરવામાં આવે તે થોડા સમય પૂરતા હોય છે. આ સમય દરમિયાન પશુની માલિકી તેના મૂળ માલિક પાસે જ રહે છે, પણ કોર્ટ દ્વારા તેનો કામચલાઉ કબજો ત્રીજા પક્ષકાર (ગોશાળા કે પાંજરાપોળ) ને સોંપવામાં આવે છે. ત્રીજા પક્ષકારને કામચલાઉ કબજો સોંપવાનો હેતુ એ હોય છે કે કેસ ચાલે તે દરમિયાન પશુઓ પર વધુ ક્રૂરતા આચરવામાં આવે નહીં.
જો કેસ ચાલતો હોય તે દરમિયાન પશુઓનો કબજો તેના મૂળ માલિકને સોંપવામાં આવે તો તે ક્રૂરતાનો ભોગ બની શકે છે. વળી તેને કારણે પશુઓની ગેરકાયદે કતલને પણ પ્રોત્સાહન મળશે. આ વેપારીઓ કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા પશુઓના પરિવહનના નિયમોનો પણ ભંગ કરે છે.’’
જાન્યુઆરી મહિનામાં સુપ્રિમ કોર્ટમાં આ કેસની સુનાવણી નીકળી ત્યારે કેન્દ્ર સરકારે ૨૦૧૭ ના નિયમોનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘‘પશુઓના માલિકોને તેમની આજીવિકાથી વંચિત રાખવામાં આવે છે તે દલીલ ટકી શકે તેવી નથી. તેમને ગેરકાયદે ધંધો કરવાનો કોઈ અધિકાર નથી.
તેમણે પશુઓનું પરિવહન પણ ૧૯૭૮ ના ટ્રાન્સપોર્ટ ઓફ એનિમલ્સ રુલ્સ પ્રમાણે કરવાનું છે. માટે પશુના માલિકો ગુનેગાર પુરવાર થાય તે પહેલાં તેમની આજીવિકા ઝૂંટવી લેવામાં આવે છે તે વાતમાં કોઈ દમ નથી.’’ કેન્દ્ર સરકારે આ વાત સોગંદનામાના રૂપમાં સુપ્રિમ કોર્ટમાં જણાવી હતી.
સુપ્રિમ કોર્ટમાં તા. ૪ જાન્યુઆરીના આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ શરદ બોબડેએ સરકારને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘‘૨૦૧૭ ના નિયમો અરજદારને તેમની આજીવિકાથી વંચિત બનાવતા હોવાથી તેને સુધારવા જોઈએ.’’ જો કે સરકાર દ્વારા તેના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ‘‘આ નિયમો ૧૯૬૦ ના પશુ ક્રૂરતા કાયદાને સુસંગત જ છે.
આ નિયમોને કારણે પશુઓના માલિકો અને ટ્રાન્સપોર્ટરો પશુઓને બિનજરૂરી પીડા આપતાં અટકે છે. ભારતના બંધારણની ૫૧ એ (જી) કલમ દેશનાં તમામ નાગરિકોને તમામ જીવો પ્રત્યે દયા રાખવાનું કહે છે, કારણ કે પશુઓ પણ દુ:ખ, પીડા, ગમગીની અને અગવડનો અનુભવ કરી શકતાં હોય છે.’’
સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા જીવદયાનો પક્ષ લઈને ૨૦૧૭ માં ઘડવામાં આવેલા નિયમોનો બચાવ જ કરવામાં આવ્યો છે, પણ ચીફ જસ્ટિસ શરદ બોબડેએ તા. ૪ જાન્યુઆરીની સુનાવણી દરમિયાન જે વિધાનો કર્યાં તેને કારણે જીવદયાપ્રેમી સંસ્થાઓ અને કાર્યકરો ચિંતામાં મૂકાઈ ગયાં હતાં. જો ૨૦૧૭ ના નિયમો રદ કરવામાં આવે તો પશુઓનો કબજો કસાઇઓના હાથમાં આવી જાય. આવું ન બને તે માટે તકેદારીના રૂપમાં તેમના દ્વારા અરજી કરવામાં આવી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.