Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: હોંગકોંગના તોફાનો અને કોરોના વાયરસના રોગચાળાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 2019-20ના નાણાકીય વર્ષના માર્ચ મહિનામાં સુરતના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 39 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ 2018-19ની સરખામણીએ 2019-20ના નાણાકીય વર્ષમાં સિન્થેટિક ડાયમંડનો એક્સપોર્ટ 63 ટકા આશ્ચર્યજનક રીતે વધ્યો છે.
માર્ચ મહિનામાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં કુલ 56 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે હોંગકોંગમાં ચીનની સરકાર સામે સ્થાનિકોનો દેખાવને લીધે ચાર મહિના સુધી જેમ્સ એન્ડ જવેલરીનો વેપાર ઠપ થઇ ગયો હતો. તે પછી કોરોના વાયરસના રોગચાળાને લીધે અમેરિકા, ભારત, હોંગકોંગ, ઇઝરાયલના જેમ્સ એન્ડ જવેલરી શો રદ કરવા પડયા હતા. કોરોના વાયરસને લીધે ડાયમંડ મેન્યુફેકચરિંગના હબ સુરતમાં 22 માર્ચથી ઉત્પાદન ઠપ પડયું છે. જોકે, સુરતમાં અને ગુજરાત ક્લસ્ટરમાં આવી કપરી સ્થિતિમાં પણ જેમ્સ એન્ડ જ્વેલરીનો કુલ એક્સપોર્ટ વધ્યો હોવાના આંકડાઓ સામે આવ્યા છે. નાણાંકીય વર્ષ 2018-19માં કુલ 14 કેટેગરીનું એક્સપોર્ટ 885.94 મિલિયન ડોલર રહેવા પામ્યુ હતું. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20(ફેબ્રુઆરી સુધી) 2132.74 મિલિયન ડોલરનું એક્સપોર્ટ નોંધાયું છે. જેમાં એકમાત્ર કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે તમામ અન્ય સેગમેન્ટ જેવા કે ગોલ્ડ જ્વેલરી, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી, લેબગ્રોન રફ ડાયમંડ, લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડનો એક્સપોર્ટ પાછલા વર્ષની સરખામણીએ વધ્યો છે.

જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2019-20માં ગુજરાત ક્લસ્ટરનું એક્સપોર્ટ વધ્યું છે, જોકે, હાલમાં કોરોના વાયરસની વર્તમાન અને તે પછીની સ્થિતિને લઇ જીજેઇપીસી દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆતો કરવામાં આવનાર છે. સરકાર તરફથી મદદ મળશે તો એકમોને કોઇ મોટી મુશકેલીઓ નહીં નડે.

To Top