Top News

More Posts

   The Latest

Most Popular

મનુષ્યનું મન તેનાં સુખ દુ:ખ માટે કારણભૂત બને છે. પુષ્કળ તાપ પડતો હોય પરંતુ વૃક્ષ નીચે કેટલાંય લોકો મીઠી નિંદર લઇ શકે જ્યારે ઘરમાં AC વચ્ચે પણ કેટલાકની ઊંઘ બગડતી હોય છે. તમામ પ્રકારની પ્રતિકૂળતાઓ વચ્ચે પણ કેટલાય લોકો મનને સ્વસ્થ રાખી શકતા હોય છે. જ્યારે પોતાને અનુકૂળ બધું જ હોવા છતાં કેટલાક સદાના અસંતોષથી જ ઘેરાયેલા રહે છે. આ સંતોષ સુખનો અનુભવ કરાવે અને અસંતોષ દુ:ખનો અનુભવ કરાવે છે. બાહ્ય પરિસ્થિત સાથે મોટાભાગના લોકો પોતાનાં સુખ દુ:ખોને જોડી દે છે.

સુખ અને દુ:ખના અનુભવમાં મોટો ભાગ મન જ ભજવે છે. જમવાનું થોડું મોડું મળ્યું તો કેટલાય ઊંચા નીચા થઇ જતા હોય છે પરંતુ મનથી સ્વસ્થ લોકોને તેનો તેવો અનુભવ થતો નથી. તેથી પરિસ્થિતિજન્ય સમય સાથે સુખ દુ:ખને જોડવાની માણસને ટેવ પડી છે. પોતાના મનને પ્રતિકૂળ સ્થિતિ મોટા ભાગના લોકો માટે દુ:ખ જ ગણાય પરંતુ કેટલાક એવા સમયે સ્વસ્થતા ધારણ કરી શકે છે અને ગમે તે સંજોગોમાં ભીતરી આનંદને વિક્ષેપ ન પડે તે રીતે જીવે છે. એક સજ્જન કુટુંબ સાથે આનંદથી જીવન ગાળે છે. તેમની આર્થિક સ્થિતિ પણ સામાન્ય જ હતી તે છતાં મુખ પર સદાની પ્રસન્નતા લોકો જોઇ શકતા હતા. એક દિવસ તેમની પત્નીને માંદગી આવે છે અને બે-ચાર દિવસમાં જ તેનું મૃત્યુ પણ થઇ જાય છે. સમાજના લોકો તથા પાડોશીઓ દોડાદોડ કરતા થઇ ગયા તે સમયે પણ આ સજ્જન સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં જ બેઠા હતા આજે બોલ્યા કે ઇશ્વરને જે માન્ય છે તેનો સ્વીકાર માણસે હૃદયથી કરવો જોઇએ તો જ દુ:ખથી બચી શકશે. એક સુભાષિતમાં સદાના પ્રસન્ન મનુષ્યનું ઉત્તમ વર્ણન કરેલું છે. ખરાબમાં ખરાબ પરિસ્થિતમાં પણ જે મનથી સ્વસ્થ રહી શકે છે તે જ સુખનો અનુભવ કરી શકે છે. ‘પ્રસન્ન આત્મેન્દ્રિય મના સ્વસ્થ ઇતિ અભિધીર્યતેક’ ટૂંકમાં ખરાબ પરિસ્થિતમાં પણ જેઓ આત્મા, ઇન્દ્રિય મનેથાને સ્વસ્થ રાખી શકે તે જ સદાના સુખી રહી શકે છે.

To Top