Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: ગયા અઠવાડિયે શહેરના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં 5 માળનું 8 વર્ષ જૂનું મકાન તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા હતા. સચિનની ઘટના બાદ સુરત પાલિકાનું તંત્ર દોડતું થયું છે.

જર્જરિત મકાનો ખાલી કરાવવા માટે ગટર, નળના કનેક્શન કાપી રહ્યાં છે, ત્યારે આજે તા. 10 જુલાઈની વહેલી સવારે વધુ એક મકાન તૂટી પડતાં તંત્ર દોડતું થયું હતું. જોકે, મકાન બંધ હોવાના લીધે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. તેથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

આ ચોમાસામાં વધુ એક મકાન ધરાશાયી થયું છે. ઝાંપા બજાર વિસ્તારમાં આવેલી મોદી શેરી પાસે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. વર્ષો જૂનું મકાન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતું. એ ધડાકાભેર નીચે પટકાયું હતું. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જ્યારે મકાન પડ્યા અંગેની ફાયરબ્રિગડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. જ્યારે પોલીસ અને પાલિકા તંત્રએ ઘટના સ્થળએ પહોંચીને તપાસ હાથ ધરી હતી. મકાન બંધ હોવાની સાથે સાંજના સમયે ધરાશાયી થયું હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી.

જો કે, શહેરમાં જોખમી અને જર્જરિત બાંધકામોને પાલિકા ઝડપથી કોઈ મોટી દુર્ઘટના અગાઉ ઉતારી લે તેવી માગ ઉઠી છે. પોલીસે કહ્યું કે, સવિતાબેન નગીનદાસની માલિકીનું મકાન હતું. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી ખાલી હતું. આ મકાનને ઉતારી પાડવા પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે, મકાન ઉતારવામાં આવ્યું નહોતું, ત્યારે આજે આ દુર્ઘટના બની છે.

To Top